બિલ્ડિંગનો ભાગ ધરાશાયી:સુરતમાં જૂની ઈમારતના રિનોવેશન વખતે દીવાલ તૂટી પડતાં કાટમાળ નીચે ચાર દબાયા, બેનાં મોત

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલની બાજુમાં જૂની ઈમારતના રિનોવેશન વખતે દીવાલ અને સ્લેબનો ભાગ પડતાં ભાગ તૂટી પડ્યો હતો, જેથી ચાર લોકો દબાયા હોવાની વાત મળતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી, જેમાંથી ત્રણ વ્યક્તિને બહાર કાઢવામાં આવી હતી. એમાંથી બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં હોસ્પિટલ મોકલવામાં આવી હતી, જ્યાં તેમને મૃત જાહેર કરાયાં હતાં.

દુર્ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા.મંજૂરી નહોતી લેવાઈ
પાલિકાના અધિકારીઓએ કહ્યું હતું કે કતારગામના જરીવાલા કમ્પાઉન્ડમાં આ ઈમારત આવેલી છે, જ્યાં તેનું સમારકામ ચાલતું હતું. એ દરમિયાન દીવાલ અને સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો. જોકે રિનોવેશન સહિતની કામગીરી અંગે પાલિકામાંથી કોઈ જ મંજૂરી લેવામાં આવી નહોતી તેમજ બિલ્ડિંગ કેટલું જૂનું હતું એ અંગે પાલિકાના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે, સાથે જ યોગ્ય પગલાં પણ નિયમો પ્રમાણે લેવામાં આવશે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

જેસીબી સહિતનાં મશીનોથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

ધારાસભ્ય દોડી આવ્યા
સમગ્ર ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર દોડી આવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે આ ખૂબ જ ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. પાલિકાની ફાયરબ્રિગેડ ટીમ યોગ્ય કામગીરી કરી રહી છે. જોકે આ પ્રકારે કોઈ જ સુરક્ષા વગર બિલ્ડિંગ ઉતારવું યોગ્ય નથી. લોકોના જીવને ખતરામાં મૂકીને થતી કામગીરી સામે પગલાં લેવાય એવી હું માગ કરીશ, એમ ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું.

દીવાલ ધસી પડી
ફાયર ઓફિસર વસંત પરીખે જણાવ્યું હતું કે એમ્બ્રોઈડરી કારખાનામાં અંદાજે 60થી 70 કામદારો કામ કરતા હતા. એ દરમિયાન માલિકે જણાવ્યું હતું કે એ આગળ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. અત્યારે હાલ રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી. એ દરમિયાન દીવાલ ધસી પડતાં કામદારો કાટમાળ નીચે દબાયેલા હતા. કાર બે કે ચાર લોકો અને રેસ્ક્યૂ કરીને કાટમાળ નીચેથી કાઢ્યા છે, જેમાં બેની હાલત વધુ ગંભીર હતી તેમનાં મોત થયાં છે તેમજ અન્ય લોકોને પણ ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

વાહનો દબાયાં
બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતાં જ કાટમાળ નીચે વાહનો દટાઈ ગયાં હતાં. બિલ્ડિંગની નજીક પાર્ક કરવામાં આવેલા મોપેડ સહિતનાં વાહનોનો દબાઈ જતાં તેને બહાર કાઢવા માટે પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

પાવર કટ કરવામાં આવ્યો
બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતાં જ તાત્કાલિક ઈલેક્ટ્રિક પાવર સપ્લાય કટ કરી દેવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડ દ્વારા જેસીબી મશીનની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, સાથે જ બિલ્ડિંગનો ભાગ તૂટી પડતાં પાલિકાની ઝોન ઓફિસના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

કાટમાળ નીચે દટાયેલા વાહનો સહિતના સામાનને બહાર કાઢવામાં આવી રહ્યો છે.

પાલિકાના શાસકોની બેદરકારી-વિપક્ષ નેતા
વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે શાસકોની બેદરકારીને કારણે આ પ્રકારની એક પછી એક દુર્ઘટનાઓ બની રહી છે. અમે આ દુર્ઘટનાને વખોડીએ છીએ તથા આવી દુર્ઘટના ન બને એ માટે પાલિકાના શાસકોને ઢંઢોળવા પ્રયાસ કરીશું, સાથે જ મૃતકોને સહાય મળી રહે. રાજ્ય સરકાર અને પાલિકા તરફથી એ માટેની પણ માગ કરીશું. શહેરમાં આવી બે હજાર જેટલી ઈમારતો હશે, એમને માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવાય છે એ યોગ્ય નથી.

પગલાં લેવાશે-ડે.મેયર
કોર્પોરેશનના ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટનામાં બે લોકોનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. એમ્બ્રોઈડરી કારખાનામાં કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી હતી. એની મંજૂરી લેવામાં આવી છે કે કેમ એની તપાસ કરવામાં આવશે. સમગ્ર ઘટનામાં જો કોઈ કાયદાકીય રીતે કસૂરવાર ઠેરવાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે કામદારોને ઈજા થઈ છે. તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગની ટીમ દ્વારા કાટમાળ નીચે અન્ય કોઇ ફસાયું છે કે કેમ એની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઝડપથી કાટમાળ દૂર કરવાની પણ કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

Source Link