બાબર આઝમે ટેસ્ટમાં રચ્યો નવો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાને હંફાવી દિગ્ગજોને રાખ્યા પાછળ

 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં પાકિસ્તાની સુકાની બાબર આઝમે બે મોટા રેકોર્ડ પોતાના નામે કરી દીધા છે. બાબર આઝમે 425 બોલનો સામનો કરતા 196 રનની ઈનિંગ્સ રમી હતી. આ સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં ચોથી ઈનિંગ્સમાં સૌથી મોટો સ્કોર નોંધાવનારો સુકાની બની ગયો છે. આઝમે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટના પાંચમાં દિવસે આ નવો ઈતિહાસ રચ્યો હતો. અગાઉ તે ટેસ્ટની ચોથી ઈનિંગ્સમાં સૌથી વધુ રન નોંધાવનારો પાકિસ્તાની બેટર બન્યો હતો. તેણે દિગ્ગજ યુનિસ ખાનના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. યુનિસ ખાને 2015માં શ્રીલંકા વિરુદ્ધ અણનમ 171 રનની ઈનિંગ્સ રમી હતી.

જ્યારે ટેસ્ટના ચોથા દાવમાં સુકાની તરીકે સૌથી વધુ રન નોંધાવવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના માઈકલ આર્થટનના નામે હતો. આર્થટને 1995માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 185 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જમણેરી બેટરે ચોથી ઈનિંગ્સમાં પાકિસ્તાની સુકાની તરીકે પણ સૌથી મોટી ઈનિંગ્સ રમવાનો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. છેલ્લા 15 વર્ષથી આ રેકોર્ડ પણ યુનિસ ખાનના નામે હતો. યુનિસ ખાને 2007માં કોલકાતા ખાતે ભારત વિરુદ્ધ રમાયેલી ટેસ્ટમાં સુકાની તરીકે અણનમ 107 રન ફટકાર્યા હતા.

રોહિત શર્માએ ટી20માં નોંધાવ્યો મોટો રેકોર્ડ, દિગ્ગજોને છોડ્યા પાછળ

પોતાની આ યાદગાર ઈનિંગ્સ દરમિયાન બાબર આઝમ ટેસ્ટના ચોથા દાવમાં 400 કે તેથી વધુ બોલનો સામનો કરનારો પ્રથમ પાકિસ્તાની બેટર બની ગયો છે. જોકે, કમનસીબે બાબર આઝમ ચાર રન માટે પોતાની બેવડી સદી ચૂકી ગયો હતો. નાથન લાયને ઈનિંગ્સની 160મી ઓવરમાં બાબર આઝમને આઉટ કર્યો હતો. 27 વર્ષીય સ્ટાર બેટરે પોતાની 425 બોલની ઈનિંગ્સમાં 196 રન ફટકાર્યા હતા જેમાં 21 ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી.

આ ટેસ્ટમાં ઉસ્માન ખ્વાજાના 160 રન અને એલેક્સ કેરીની 93 રનની ઈનિંગ્સની મદદથી ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટે 556 રનના સ્કોર પર પોતાનો પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો. જેના જવાબમાં યજમાન પાકિસ્તાની ટીમ 148 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. જેમાં સુકાની બાબર આઝમે સૌથી વધુ 36 રન ફટકાર્યા હતા. જોકે, ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ફોલોઓન કરવાનું ટાળ્યું હતું અને બે વિકેટે 97 રનના સ્કોરે પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો. જેમાં ખ્વાજાએ 44 અને લાબુશેને 44 રન નોંધાવ્યા હતા.

પાકિસ્તાન સામે 506 રનનો ટાર્ગેટ હતો. જોકે, બીજા દાવમાં યજમાન ટીમે ધમાકેદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું અને અંતિમ દિવસે મેચ ડ્રો રહી ત્યારે પાકિસ્તાને સાત વિકેટે 443 રન નોંધાવ્યા હતા. આઝમે 196 તથા મોહમ્મદ રિઝવાને અણનમ 104 રન નોંધાવ્યા હતા. જ્યારે ઓપનર અબ્દુલ્લા શફિકે 96 રનની ઈનિંગ્સ રમી હતી. ત્રણ ટેસ્ટ મેચની પ્રથમ બંને મેચ ડ્રો રહી છે. હવે બંને ટીમો વચ્ચે 21 માર્ચથી લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે.

Source link