બાંગ્લાદેશી યુવતીઓને ભારતમાં ઘૂસાડવા આંખે પાટા બાંધી ક્રોસ કરાવાય છે બોર્ડર, ઢાંકાની મહિલાનું નેટવર્ક!

 

વડોદરાઃ થોડા સમય પહેલાં વડોદરા (Vadodara news)ના નારી સંરક્ષણ ગૃહમાથી ત્રણ યુવતીઓ ફરાર થઈ ગઈ હતી. જેમને શોધવા માટે પોલીસ દોડતી થઈ હતી. હાવરા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાંથી આ યુવતીઓ બોગસ આધારકાર્ડ સાથે ઝડપાઈ હતી. ત્યારે ત્રણેય બાંગ્લાદેશી યુવતીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રહેતી એક મહિલા આખુ નેટવર્ક ચલાવે છે. જે બાંગ્લાદેશી યુવતીઓને ભારતમાં (intrusion bangladeshi girls) ઘૂસાડે છે. એટલું જ નહીં રૂટની ખબર ન પડે એટલા માટે યુવતીઓની આંખે પાટા બાંધીને તેઓને બોર્ડર ક્રોસ કરાવવામાં આવે છે.

બનાવની વિગત એવી છે કે, થોડા સમય અગાઉ હાવરા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાંથી ત્રણ બાંગ્લાદેશી યુવતીઓ બોગસ આધારકાર્ડ સાથે ઝડપાઈ હતી. પોલીસ તપાસમાં તેઓએ પોતાના નામ યાસ્મીન ઉર્ફે જન્નત જજમીયા મુસ્લિમ, પોપીબેગમ ઉર્ફે ફરઝાના મોહંમદ સૈફુલ ઈસ્લામ શેખ અને મૌસમી ઉર્ફે સારમીન મીટ્ટુ ઉર્ફે રહીમ શેખ હોવાનું સામે આવ્યુ હતુ. એ પછી પોલીસે પ્રાથમિક તપાસ બાદ ત્રણેય યુવતીઓને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી.

થોડા જ સમયમાં ત્રણેય યુવતીઓ વડોદરાના નારી સંરક્ષણ ગૃહની દીવાલ કૂદીને ફરાર થઈ ગઈ હતી. આ ઘટના બાદ વડોદરા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે વિવિધ ટીમ બનાવીને યુવતીઓની શોધખોળ હાથ ધરી હતી. એ પછી પોપીબેગમ અને મૌસમી રાજકોટથી ઝડપાઈ હતી. જ્યારે યાસ્મીન ઉર્ફે જન્નત હજુ પણ ફરાર છે. એ પછી પોલીસ દ્વારા બંનેનું જોઈન્ટ ઈન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું. આ પૂછપરછમાં જે વિગતો સામે એ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

બંને યુવતીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, ઢાકામાં રહેતી રુખસાના નામની મહિલા બાંગ્લાદેશી યુવતીઓને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસાડે છે. બાંગ્લાદેશથી ભારતમાં યુવતીઓને બોર્ડર ક્રોસ કરાવવામાં બેથી ત્રણ દિવસનો સમય લાગતો હોય છે. ગેરકાયદેસર રીતે ઘૂસાડવામાં આવતી યુવતીઓને રૂટની ખબર ન પડી જાય એટલા માટે તેઓની આંખો પર પાટા બાંધવામાં આવે છે. કયા રૂટ પરથી યુવતીઓને લઈ જવામાં આવે છે તેની માહિતી તેમને હોતી નથી.

Source link