પોલીસ કમિશનરની બદલી, PI-PSI સસ્પેન્ડ પરંતુ ભ્રષ્ટાચારના 75 લાખ રૂપિયા ક્યાં છે?

 

રાજકોટ: કથિત તોડકાંડ કેસમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરી દેવામાં આવી છે, તેમજ પીઆઈને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હજી પણ તોડબાજીના 75 લાખ રૂપિયા ગાયબ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં જગજીવન સખિયા વગેરે દ્વારા 16 કરોડ ઓળવી જવાના કેસમાં પોલીસે તોડબાજી કરીને 1.19 કરોડ રોકડની વસુલાત સામે 75 લાખ પડાવ્યાની ફરિયાદ કરવામાં આવી હતી.

સરકારમાં ફરિયાદ કરાતા ડી.જી.પી.વિકાસ સહાય દ્વારા તપાસ થઈ અને જેની સામે આક્ષેપ હતા તે પોલીસ કમિશનરની સજારૂપ મનાતી બદલી થઈ, જ્યારે પી.આઈ. પી.એસ.આઈ.સસ્પેન્ડ થયા પરંતુ, હજુ આ ભ્રષ્ટાચારના 75 લાખ અરજદારને મળ્યા નથી અને પોલીસ અધિકારીઓ તો સ્વાભાવિક આ રકમ લીધાનું સ્વીકારે જ નહીં ત્યારે આ રકમ કોની પાસે પહોંચે તે તપાસનો વિષય બની ગયો છે.

અરજદારના જણાવ્યા અનુસાર પોલીસ કમિશનર કમિશન વસુલે છે તેવી તેમની રજૂઆત ધારાસભ્ય ગોવિંદ પટેલે સરકારને કરી તે અરસામાં પોલીસે તેમને બોલાવીને 4.50 લાખ પરત આપ્યા હતા. ત્યારે આ રકમ પોલીસે મુદ્દામાલ કબજે કર્યો તે આપ્યાનું કહેવાયું હતું. પોલીસ આ રકમ કોની પાસેથી ક્યારે કબજે કરી તે અંગેની વિગતો પર આજ સુધી પડદો પડયો છે. નોંધનીય છે કે, જગજીવન સખિયાએ આ અંગે મીડિયાને પુરાવા રૂપે વિડીયો પણ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં કમિશનકાંડના ગંભીર આરોપ બાદ રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરી દેવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલાં પરિપત્ર અનુસાર રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ સ્ટેટ રિઝર્વ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી કરી દેવામાં આવી છે. CPની બદલી થતાં તેમના સ્થાને ખાલી પડેલી જગ્યાનો વધારાનો હવાલો રાજકોટ શહેરના સ્પેશિયલ પોલીસ કમિશનર (વહીવટ, ટ્રાફિક અને ક્રાઈમ) ખુરશીદ અહેમદને સોંપવામાં આવ્યો છે.

રાજકોટ કમિશનકાંડની તપાસ કરી રહેલાં ઓફિસર વિકાસ સહાયે આજે સમગ્ર મામલાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. અને ત્યારબાદ જ આ બદલી કરવામાં આવી હોવાની ચર્ચા છે. જો કે હજુ સુધી આ રિપોર્ટને જાહેર કરવામાં આવ્યો નથી.

Source link