પોલીસને જોઈ કાર દોડાવતા વીજપોલ સાથે અથડાઈ, અંદર બેસેલી યુવતીનું મોત!

 

નવસારી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખેરગામે પોલીસે દારૂ ભરેલી કાર અટકાવવાનો પ્રયાસ કરતા ડ્રાઈવરે યુ-ટર્ન લઈ દોડવાતા કાર વીજપોલ સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર યુવતીનું મોત થતાં પોલીસે કારમાંથી દારૂ કબજે કરીને ડ્રાઈવર સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેરગામ પોલીસને બાતમી મળી હતી કે, એક કારમાં હિરેન હરેશ પટેલ દિક્ષિતા વજરી સાથે દારૂનો જથ્થો લઈને તાપી જિલ્લાના સોનગઢ ખાતે તેજસ ઉર્ફે તેજાને આપવા જઈ રહ્યા હતા.

અકસ્માતમાં દારૂની કેટલીક બોટલો ફૂટી ગઈ
બાતમીના આધારે ખેરગામ પોલીસે મોડી સાંજે ધરમપુર માર્ગ પર નાકાબંધી કરી હતી. જો કે, પોલીસને જોઈને હિરેન પટેલે યુ-ટર્ન લઈ પૂરઝડપે હંકારતા કાર રૂમલા મંગળપાડા પાસે વીજપોલ સાથે અથડાઈને પલટી મારી હતી. જેને પગલે દિક્ષિતાને ગંભીર ઈજાઓ થતાં સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. અકસ્માતનો ભોગ બનેલી કારમાં દારૂની બોટલો પણ ફૂટી ગઈ હતી. પોલીસે કારમાંથી દારૂનો જથ્થો કબજે કરીને હિરેન પટેલ સામે ગુનો નોંધ્યો હતો.

ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી
બીજી ઘટના:
બુટલેગરો દ્વારા પોલીસથી બચવા માટે નવા નવા કીમિયા અજમાવતા હોય છે. પરંતુ પોલીસ પણ બુટલેગરોથી એક કદમ આગળ ચાલતી હોય તેમ બુટલેગરોના દારૂ સંતાડવાના કીમિયાને શોધી કાઢીને બુટલેગરના દારૂની હેરાફેરીના મનસૂબાને પાર થવા દેતી નથી. ત્યારે નવસારીના કસ્બા ગામ પાસેથી પોલીસે એક ગાડીના ડેશબોર્ડ અને પાછલી સીટ પર સંતાડેલા દારૂ સાથે એકને ઝડપી પાડ્યો છે. તેમજ બેને વોન્ટેડ જાહેર કરીને તપાસ હાથ ધરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર નવસારી ગ્રામ્ય પોલીસે પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે, એક કારમાં દમણથી દારૂનો જથ્થો ભરી સુરત જઈ રહી છે, જે ચીખલીથી બીલીમોરા થઈ ગણદેવી નવસારીથી સુરત જશે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી વાળી કારને રોકી તેમાંથી આગળના ડેશબોર્ડ તથા પાછળની સીટ નીચે ચોરખાનામાંથી ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી કાર ચલાવનાર અલ્પેશ પટેલની ધરપકડ કરી હતી.

Source link