પેપર લીક મામલે કોંગ્રેસનું હલ્લાબોલ, વાઘાણીએ કહ્યું, ‘પેપર ફુટ્યું હોવાના પુરાવા આપો’

ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ વિવિધ મુદ્દાઓ સાથે ભાજપને ઘેરવાના પ્રયાસો કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે કોંગ્રેસે યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કર્યું હતું. પરંતુ તંત્ર દ્વારા સંમેલનને મંજૂરી ન આપવામાં આવતા કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન કેટલાય કાર્યકરો પુતળા સળગાવતા વિધાનસભામાં પ્રવેશ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન ઘર્ષણ સર્જાતા પોલીસે અનેક નેતાઓ-કાર્યકરોની અટકાયત પણ કરી છે. વિધાનસભામાં ગૃહમાં વનરક્ષકની પરીક્ષાનું કથિત રીતે પેપર ફૂટ્યા મામલે કોંગ્રેસ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે જીતુ વાઘાણીએ કહ્યું કે, વનરક્ષકનું પેપર ફૂટ્યું હોય તો કોંગ્રેસ રાજ્યની જનતાને માત્ર ગેરમાર્ગે ના દોરે. આધાર પૂરાવા સાથે રાજ્યની જનતા સામે આવે.’

Congress Protest Gandhinagar

કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો
ગુજરાત કોંગ્રેસના નેતાઓ-કાર્યકરોએ પેપર ફોડું યે સરકાર નહીં ચલેગી….નહીં ચલેગી. તેમજ ભાજપ સરકાર રાજીનામું આપે….જેવા સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસે મીડિયાને જણાવ્યું કે, ભાજપની સરકારમાં વખતોવખત પેપર ફૂટ્યા છે અને ગઈકાલે જ વનવિભાગની પરીક્ષાનું પણ પેપર ફૂટ્યું. તેમ છતાંય સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. બીજી તરફ કોંગ્રેસ ગુજરાતની જનતાના રોજગાર માટે રેલી કાઢવા માટે પ્રયત્ન કર્યો તેમ છતાં મંજૂરી આપવામાં આવી નહીં. ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં પ્રવેશતા હતા ત્યારે અડદો અડધો કલાક સુધી ચકાસવામાં આવ્યા., આનાથી આપણે જાણી શકીએ છે કે, આ સરકાર શું કરવા માંગી રહી છે.

કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપ સરકારને ચેતવણી આપતા કહ્યું કે, તમારો યુવાનોને રોજગારી આપવાનો શું સંકેત છે અને સરકાર પાસેથી જાણવું છે. ગુજરાતમાં ભાજપની નિષ્ફળ નીતિએ અને શાસનને કારણે 50 લાખ કરતા પણ વધારે શિક્ષિત બેરોજગારો વખતો વખત સરકારી ભરતી પ્રક્રિયા માટેની અરજી કરે છે અને તૈયારીઓ પણ કરે છે અને તેમની જ સરકારમાં આ રીતે પેપર ફૂટી જાય છે.

Congress 1

બીજી તરફ જીતુ વાધાણીએ કહ્યું કે, જેમને પોતે ફૂટેલા લાગતા હોય તેમને બીજા પણ ફૂટેલા જ લાગે છે. હું કોંગ્રેસે વિનમ્રતાપૂર્વક કહું છું કે, વનરક્ષકનું પેપર ફૂટ્યું હોય તો રાજ્યની જનતાને માત્ર ગેરમાર્ગે ના દોરે. આધાર પૂરાવા સાથે રાજ્યની જનતા સામે આવે. કોંગ્રેસ કોઈ આધાર પુરાવા ન તો વિધાનસભામાં રજૂ કરી શક્યા છે કે ન તો મીડિયાને આપ્યા છે. આ પ્રકાર કોંગ્રેસ માત્રને માત્ર યુવાનોનું મનોબળ તોડવાનું કામ કરી રહી છે. જેથી નકારાત્મક માનસિકતા બહાર આવે છે.

વનરક્ષકની પરીક્ષાની વાત છે ત્યાં મેં કાલે પણ કહ્યું હતું કે ચોરીનો કેસ છે. જેમાં તપાસ કરીને ધરપકડો પણ કરવામાં આવી છે. પેપર ફૂટ્યાની કોઈપણ માહિતી વહીવટ પાસે કે વ્યવસ્થામાં છે તો કોંગ્રેસ પાસ ક્યાંથી આવી તે પુરાવા આપે. 406, 409 અને 120બીની કલમો હેઠલ કેસ પણ નોંધવામાં આવ્યો છે.

Congress

ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ ગાંધીનગરમાં આદિવાસી સંમેલન યોજીને અંબાજીથી ઉમરગામ સુધીના 14 જિલ્લાના આદિવાસીઓને એકઠા કરી કોંગ્રેસે શક્તિપ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ સફળ થયા બાદ કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, તંત્ર દ્વારા મંજૂરી ન અપાતા કાર્યકરોએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. આ મામલે પોલીસનું કહેવું છે કે, કોંગ્રેસના યુવા સંમેલનની પોલીસ દ્વારા મંજૂરી આપવામાં નથી આવી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્યારસુધી અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

Source link