‘પુતિનને ફેક્સ કર્યો યુદ્ધ અટકાવવા પણ મારો બેટો મારા પર ખારો થયો’ આ ગુજ્જુએ તો ભારે હસાવ્યા

 

જીવનના તણાવ વચ્ચે પણ હાસ્યને કઈ રીતે રેલાવું તે તો કોઈ ગુજરાતી પાસેથી જ શીખે, આજકાલ કોઈપણ ન્યુઝ ચેનલ કે છાપા લો તો એક જ સમાચાર દેખાય કે રશિયાએ આટલી મિસાઈલ દાગી અને યુક્રેને આટલા હેલિકોપ્ટર તોડી પાડ્યા. (Ukraine Russia war) તો આ સાથે કેટલાક લોકો બેઘર થયા તેના અહેવાલ પણ હોય જો કે આ તમામ ભયાવહ અને તણાવયુક્ત સ્થિતિ વચ્ચે પણ એક ગુજરાતી ઓડિયો (Gujarati Viral Audio Clip) હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કહે છે કે ”મારા જન્મદિવસ નિમિત્તે મે પુતિનને ફેક્સ કર્યો અને યુદ્ધ રોકવાનું કહ્યું પરંતુ મારો હાળો માન્યો નહીં.” એકદમ રમૂજી આ ઓડિયો (Comedy audio clip over ukriane russia War) ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં આ ઓડિયોને માત્ર 13 દિવસના જ ટૂંકા ગાળામાં 3 લાખ જેટલા લોકોએ સાંભળ્યો છે.

રાજકોટના મહેલુનગરમાં રહેતા શાંતિલાલે પોતાના ઓડિયો અંગે વાત કરતાં કહ્યું કે ગત 24 ફેબ્રુઆરીએ યુક્રેન અને રશિયાના યુદ્ધની તંગ પરિસ્થિતિના સમાચાર જોયા પચી મનને હળવું કરવાનો વિચાર આવ્યો અને મે મિત્ર નારણભાઈને ફોન કરીને કહ્યું કે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ થઈ ગયું છે. પુતિનની મિસાઈલો બઘડાટી બોલાવે છે. મે તેને ફેક્સ કરીને કહ્યું કે આજે મારો જન્મદિવસ છે એટલે યુદ્ધ બંધ કરી દ્યો તો મારો બેટો મારા પર ખારો થયો.

શાંતિલાલની આજ દેશી શૈલીની ઓડિયો ક્લિપે તો તેમને જ નહીં ગુજરાત અને વિદેશમાં પણ અનેકને આ તણાવના સમયમાં પણ રમૂજ કરાવી દીધી છે. તેમણે જણાવ્યું કે, ઓડિયો ક્લિપમાં સાંભળનાર મારા મિત્ર નારણભાઇ ટીલાવત વાંકાનેરના ટોડા ગામના વતની છે. અમને ખબર નહોતી કે આ ઓડિયો ક્લિપ આટલી વાયરલ થશે.

શાંતિલાલઃ સીતારામ નારણભાઇ, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. યુક્રેન પર પુતિનની મિસાઇલો ત્રાટકે છે.

નારણભાઈઃ આપણે તો અહીં કંઇ વાંધો નહીં આવે ને?

શાંતિલાલઃ યુદ્ધથી આપણે અહીં મોઘવારી ફાટી નીકળશે, પેટ્રોલના 500 રૂપિયા અને તેલના ડબ્બાના 5 હજાર રૂપિયા થઇ જશે.

નારણભાઇઃ 5 હજારનો એમ…

શાંતિલાલઃ હા, આજે 24/2/1956નો જન્મદિવસ છે મારો પાછો, મેં રશિયા પુતિનને ફેક્સ કર્યો કે આજનો દિવસ યુદ્ધ અટકાવી દ્યો, તો મારો બેટો મારી પર ખારો થયો. મોદીને એક ઝાટકે કહી દીધું છે કે ખબરદાર, જો અમારી સામે આંગળી ચીંધી તો, મને પણ ઠપકો દીધો કે શાંતિલાલ રહેવા દે હમણાં, અમારી જમીન યુક્રેને વધારે પચાવી પાડી છે. કોઈની તાકાત નથી, મારી જમીન પાછી દે, નહીંતર હું લાશોનો ઢગલા ને ઢગલા કરી દઈશ દુનિયામાં, એટલે પુતિન મારું પણ ન માન્યો, નારણભાઈ ફેક્સ કર્યો તોય, નહીંતર અમારો વાળંદ જ છે ને પુતિન અને છેટે છેટે સગા પણ છે. આ તો આપણે બહાર ન પડાય, બાકી દુનિયા આપણને ઠપકો આપે.

Source link