પીએમ મોદી ફરી આવશે ગુજરાત : પાંચ લાખ લોકોની સભાને સંબોધિત કરશે!

ગુજરાત ડેસ્ક : એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે કે તેના નિયત સમયે જ થશે તેની ચર્ચા ચાલી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં ભાજપ વધુ સક્રિય થઇ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

જાણકારી મળી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને ફરી બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. માર્ચ મહિનામાં જ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અહીં તેમના રોડ શો પણ યોજાયા હતા ત્યારે ફરી એપ્રિલમાં તેમનો પ્રવાસ ગોઠવાતાં બીજેપીએ તૈયારીઓ માટે કમર કસી છે.
પીએમ નરેન્દ્ર મોદી 21 અને 22 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. અહીં તેઓ આદિવાસી સંમેલનમાં હાજરી આપશે તેમ જાણવા મળ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ બાબતની જાણકારી આપી હતી. પીએમના પ્રવાસને લઈને સીઆર પાટીલની અધ્યક્ષતામાં એક બેઠક પણ મળી હતી અને જેમાં તેમણે કાર્યકર્તાઓને કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે ટકોર કરી હતી અને તૈયારીઓમાં લાગી જવા જણાવ્યું હતું.

વડાપ્રધાન મોદી 21 મી એપ્રિલે દાહોદ ખાતે એક સંમેલનને સંબોધિત કરશે, જેમાં પાંચ લાખ લોકો સામેલ રહેશે તેવું આયોજન છે. જે બાદ 22 એપ્રિલની સાંજે પીએમ મોદી પશુપાલક મહિલાઓના સંમેલનને પણ સંબોધિત કરશે. જ્યાં વડાપ્રધાન આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મહિલાઓના યોગદાન વિશે વાત કરશે. આ ઉપરાંત વડાપ્રધાન કેટલાંક સ્થળોએ વિકાસકાર્યોનાં ખાતમહુર્ત અને લોકાર્પણ પણ કરશે.
એક તરફ દક્ષિણ ગુજરાતમાં તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને આદિવાસીઓમાં નારાજગી છે અને ઠેરઠેર પ્રદર્શન થઇ રહ્યાં છે ત્યારે વડાપ્રધાનની મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે. રાજ્યની આદિવાસી બેઠકો પર હંમેશા કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે ત્યારે ભાજપ પણ આ વોટબેંક કબજે કરવા તરફ રણનીતિ ઘડી રહ્યું છે તેમ માનવામાં આવી રહ્યું છે.

હવે ચૂંટણી સુધી પીએમ દર મહિને આવશે

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ નવી સરકાર રચાઈ ગઈ છે ત્યારે પીએમ મોદી સહિત કેન્દ્રીય ભાજપનું સંપૂર્ણ ધ્યાન ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પર રહેશે. તેમાં પણ ગુજરાત પીએમ અને ગૃહમંત્રીનું ગૃહરાજ્ય હોવાના કારણે અહીં વિશેષ ધ્યાન અપાશે.
રિપોર્ટ અનુસાર, પીએમ મોદી હવેથી ચૂંટણી સુધી લગભગ દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે, જેમાં કેટલાક કાર્યક્રમો સરકારી હશે તો કેટલાક કાર્યક્રમો પાર્ટી તરફથી આયોજિત કરવામાં આવશે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ પણ અવારનવાર મુલાકાત લેતા રહેશે.

Source link