પાલનપુર: The Kashmir Files જુઓ અને ફ્રીમાં ગરમાગરમ ફાફડા-જલેબીનો નાસ્તો કરો!

 

પાલનપુર: હાલ ચારેય બાજુ ધ કાશ્મીર ફાઈલ્સ (The Kashmir Files)ની ચર્ચા થઈ રહી છે અને રાજ્ય સરકારે પણ આ ફિલ્મને કર મુક્ત જાહેર કરી છે , ત્યારે પાલનપુરમાં એક ફરસાણના વેપારીએ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોનાર માટે અનોખી સ્કીમ જાહેર કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરના ફરસાણના વેપારી મહેશભાઈ ઠક્કરે એક નવી પહેલ શરૂ કરી છે. તેમણે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોનાર દર્શકને મફતમાં ફાફડા-જલેબીનો નાસ્તો કરાવાની જાહેરાત કરી છે. જો કે, નાસ્તો કરવા આવતા દર્શકે ફિલ્મની ટિકિટ બતાવવી જરૂરી છે. મહેશભાઈ આને લઈને સોશિયલ મીડિયા ઉપર પણ જાહેરાત કરી છે.

ફરસાણના વેપારીની જાહેરાત બાદ ઉમટ્યા લોકો
મહેશભાઈએ ઠક્કરે ધ કાશ્મીર ફાઈલ્સ જોનારને ફ્રીમાં ફાફડા-જલેબીના નાસ્તાની જાહેરાત કરતા પાલનપુરવાસીઓ ટિકિટ લઈને ત્યાં આવી પહોંચ્યા હતા અને મફત ફાફડા-જલેબીની મજા માણી હતી. આ અંગે લોકોનું કહેવું છે કે, સોશિયલ મીડિયા પર પોસ્ટ જોઈ હતી કે, ધ કાશ્મીર ફાઈલ્સ જોનારા દર્શકને 50 ગ્રામ ફાફડા અને 50 ગ્રામ જલેબીનો નાસ્તો વિનામૂલ્યે આપવામાં આવશે. ફિલ્મ જોઈને અને ત્યારબાદ ગરમાગરમ ફાફડા-જલેબીને ખાઈને પણ મજા આવી ગઈ.

ટિકિટ બતાવનાર દર્શકને ગરમાગરમ જલેબી ફાફડા
આ મામલે નાસ્તા હાઉસના માલિક મહેશભાઈ ઠક્કરનું કહેવું છે કે, ફ્રીમાં નાસ્તો આપવાનો હેતું એટલો કે ફિલ્મની પણ જાહેરાત થાય અને કાશ્મીરનો લોકો જે તમામ પરિસ્થિતિમાંથી પસાર થયેલા છે તેની વાસ્તવિકતા જાણવા મળે. ગુજરાત સરકારે ફિલ્મના ટેક્સ-ફ્રી કરી છે તો મારો પણ ફરજ બને કે મારાથી જે યોગ્ય દાન થાય તે કરી શકું. એટલે ફિલ્મ જોયા બાદ મારે ત્યાં જે દર્શક મારે ત્યાં ટિકિટ બતાવે તેમને અમે જલેબી-ફાફડા ખવડાવીએ છીએ.

રાજ્ય સરકારે ધ કાશ્મીર ફાઈલ્સને ટેક્સ-ફ્રી કરી
હાલમાં જ થિયેટરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ (The Kasmir Files)ને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં પ્રસારિત થયેલ ફિલ્મ ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કાશ્મીરી પંડિતોની પીડા રજૂ કરતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ (The Kasmir Files) થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. એક્ટર અનુપમ ખેર સ્ટારર અને ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું છે.

Source link