પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં હજી સુધી એક પણ આરોપી પકડાયો નથી

 

રાજકોટ: પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ આપઘાત કર્યાની ઘટનાને એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાંય એક પણ આરોપી પકડાયો નથી. જેથી અમદાવાદ તપાસ કરવા ગયેલી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ખાલી હાથે પરત ફરી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આરોપીઓની કોઈ માહિતી ન મળતા તેઓ વિદેશ ભાગી ગયાની પણ શંકા છે જેથી પોલીસે આરોપીઓ સામે લૂક આઉટ નોટિસ જાહેર કરી ઈમિગ્રેશન વિભાગને પણ જાણ કરી છે.

આરોપીઓના બેંક સ્ટેટમેન્ટ અને કોલ ડિટેલ્સના આધારે તપાસ
પ્રાપ્ત માહિતી અનુસાર મહેન્દ્ર ફળદુને આપઘાત માટે મજૂબર કરનારા આરોપીઓમાં ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ અને અમદાવાદના ઓઝોન ગ્રુપના દિપક મણીલાલ પટેલ, જયેશકુમાર કાંતિલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પ્રણયકુમાર કાંતિલાલ પટેલ, રાજકોટના બિલ્ડર એમ.એમ. પટેલ, અમિતભાઈ ચૌહાણ અને અતુલ મહેતાનો સમાવેશ થાય છે. આરોપીઓને પકડવા માટે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ ગઈ હતી. આ ઉપરાંત આરોપીઓના બેંક સ્ટેટમેન્ટ પણ કબજે કરાયા છે અને કોલ ડિટેલ્સ કઢાવીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આરોપીઓ વિદેશી ભાગી ગયાની શંકા
આપઘાત પ્રકરણમાં રાજકોટ પોલીસ દ્વારા આરોપીઓને પકડવા સીટની રચના પણ કરવામાં આવી છે અને રાજકોટ અમદાવાદમાં ઓઝોન ગ્રુપની ઓફિસ, બિલ્ડરોના નિવાસસ્થાન સહિતના સ્થળોએ ચાર ટીમ બનાવી તપાસ કરવામાં આવી છે છતાંય આરોપીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે.

2 માર્ચના રોજ બની હતી ઘટના
ઉલ્લેખનીય છે કે, 2 માર્ચના રોજ સૌરાષ્ટ્રના જાણીતા પાટીદાર અગ્રણી તેમજ ક્લબ યુવી સંસ્થાના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતકે ઓઝોન ગ્રુપ પર 33 કરોડ રુપિયાની પ્રોપર્ટીના દસ્તાવેજ ના કરી આપતા તેમજ પોતાને યેન-કેન પ્રકારે હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપ મૂકીને મોતને વ્હાલું કર્યું હોવાનું સામે આવ્યું છે. તેમણે જીવન ટૂંકાવતા પહેલા મીડિયાના નામે એક ચિઠ્ઠી પણ લખી હતી જેમાં ઉપરોક્ત આરોપીઓ દ્વારા હેરાનગતિ કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Source link