પાકિસ્તાનમાં સત્તાપલટાનું કાઉન્ટડાઉન શરૂ : સેનાએ ઈમરાન ખાનને રાજીનામું આપવા કહ્યું, સુપ્રીમ કોર

 

વર્લ્ડ ડેસ્ક: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી પર સંકટ તોળાઈ રહ્યું છે. એક તરફ તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે તો બીજી તરફ પાકિસ્તાની સેના દ્વારા તેમની વિદાયની તારીખ નક્કી કરી દેવામાં આવી છે અને OIC ની બેઠક બાદ રાજીનામું આપવા માટે કહી દેવામાં આવ્યું છે.

પાકિસ્તાની મીડિયા અનુસાર, પાકિસ્તાનની સેનાના અધ્યક્ષ જનરલ બાજવા અને અન્ય ત્રણ લેફ્ટનન્ટ જનરલ દ્વારા ઈમરાન ખાનને આગામી ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશનની બેઠક બાદ રાજીનામું આપી દેવા માટે જણાવવામાં આવ્યું છે. OIC ની આ બેઠક આગામી 22 અને 23 માર્ચના રોજ પાકિસ્તાનમાં યોજાશે.
થોડા દિવસો પહેલાં ઈમરાન ખાન બાજવાને મળ્યા હતા. બંને વચ્ચેની આ મુલાકાત OIC બેઠક અને બલૂચિસ્તાન સંકટ ઉપરાંત પાકિસ્તાનની હાલની રાજકીય પરિસ્થતિ અને ઈમરાન વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને લઈને થઈ હોવાનું મીડિયાનાં સૂત્રોએ જણાવ્યું હતું.

અનેક કારણોસર પાકિસ્તાની સેના ઈમરાનથી નારાજ

રિપોર્ટ્સ અનુસાર, અનેક કારણોસર પાકિસ્તાન સેના ઈમરાન ખાનને હટાવવા માંગે છે. આ પહેલાં બાજવાએ ઈમરાન ખાનને ટકોર કરી હતી કે તેઓ વિપક્ષી પાર્ટીઓ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરે. તેમ છતાં ઈમરાન ખાને વિપક્ષી નેતાઓ વિશે એલફેલ શબ્દો વાપર્યા હતા. આ ઉપરાંત ઈમરાન ખાને યુક્રેન સંકટને લઈને વગર કારણે અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે દુશ્મની વહોરવાનું કામ કર્યું હોવાનો પણ પાકિસ્તાની સેનાનો મત છે.
ઈમરાન ખાન વિરુદ્ધ ત્રણ વિપક્ષી પાર્ટીઓએ સાથે મળીને અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. અને વધુ મહત્વની વાત એ છે કે તેમની પાર્ટીના જ સાંસદો ઈમરાન ખાનની વિરુદ્ધમાં મતદાન કરવા માટે તૈયાર થયા છે. લગભગ વીસેક જેટલા સાંસદો વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને ઈમરાન ખાન વિરુદ્ધ મતદાન કરે તેવી શક્યતા છે.
પાકિસ્તાનની સંસદમાં સરકાર બનાવવા માટે 172 સાંસદોની જરૂર પડે છે. ઈમરાન ખાનની પાર્ટી પાસે 155 બેઠકો છે. તેમણે અન્ય નાની-મોટી પાર્ટીઓ સાથે મળીને સરકાર રચી હતી. પરંતુ વિપક્ષી પાર્ટીઓએ હાથ મિલાવ્યા બાદ વિપક્ષ પાસે 163 નું સંખ્યાબળ છે. ઉપરાંત ઈમરાન ખાનની પાર્ટીના સાંસદો પણ તેમની વિરુદ્ધમાં મતદાન કરે તો ઈમરાન માટે ખુરશી બચાવવી અઘરી થઈ પડે તેમ છે!

ઈમરાન ખાન સરકાર સુપ્રીમમાં ગઈ

બીજી તરફ, સરકાર બચાવવા માટે ઈમરાન ખાનની પાર્ટી સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. પાકિસ્તાન સરકારે ત્યાંની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે પાર્લિયામેન્ટરી બોર્ડના નિર્ણયની વિરુદ્ધ જઈને જો કોઈ સાંસદ સરકાર વિરુદ્ધ મતદાન કરે તો આર્ટિકલ 63-A હેઠળ મતદાન પહેલાં તેની સદસ્યતા રદ થવી જોઈએ.
ઈમરાન સરકારે અપીલ કરી છે કે આ મામલે દરરોજ સુનાવણી કરવામાં આવે. હવે જોવાનું એ છે કે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ આ મામલે શું નિર્ણય પર આવે છે. જો સુનાવણી લાંબી ચાલી તો એપ્રિલના પહેલા અઠવાડિયાથી રમઝાન શરૂ થઈ જશે અને અવિશ્વાસ પ્રસ્તાવ મે સુધી પાછળ ઠેલાઈ જશે. પરંતુ જો કોર્ટ એવો નિર્ણય આપે કે બળવાખોર સાંસદોની સદસ્યતા મતદાન પહેલાં રદ નહીં થાય તો ઈમરાન ખાન માટે સરકાર બચાવવું મુશ્કેલ થઈ પડશે.

Source link