પાંચ દિવસમાં ત્રણ રૂપિયા જેટલું મોંઘુ થયું પેટ્રોલ, આજે ફરી વધારો; નાણામંત્રીએ ભાવવધારા પાછળ આપ

 

પાંચ દિવસમાં ત્રણ રૂપિયા જેટલું મોંઘુ થયું પેટ્રોલ, આજે ફરી વધારો; નાણામંત્રીએ ભાવવધારા પાછળ આપ્યું આ કારણ

Sat, 26 Mar 2022 10:30:00 GMTSat, 26 Mar 2022 10:56:12 GMT

બિઝનેસ ડેસ્ક: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવના કારણે ભારતમાં પણ ઈંધણના ભાવમાં ફરી વધારો (Fuel Price Hike) થવાની શરૂઆત થઈ છે. છેલ્લા પાંચ દિવસમાંથી ચાર દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. જેના કારણે એક અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 3 રૂપિયાનો ફેર પડી ચૂક્યો છે.
આજે સવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો જોવા મળ્યો હતો. તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ બંનેમાં 80-80 પૈસાનો વધારો કરવાની જાહેરાત કરી છે. જેની સાથે દરેક શહેરમાં ઈંધણની નવી કિંમતો પણ જાહેર કરવામાં આવી છે.

કયા શહેરમાં ઈંધણની કેટલી કિંમત?

દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલની કિંમત 97.81 રૂપિયા હતી, જે હવે 80 પૈસાનો વધારો થતાં 98.61 રૂપિયા થઈ છે. જ્યારે ડીઝલની કિંમત 89.87 રૂપિયા થઈ છે, જે પહેલાં 89.07 રૂપિયા જેટલી હતી. આ ઉપરાંત મુંબઈમાં પેટ્રોલનો ભાવ 113.35 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે અહીં ડીઝલની કિંમત 97.55 રૂપિયા થઈ છે. મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 84 પૈસા જ્યારે ડીઝલના ભાવમાં 85 પૈસાનો વધારો થયો છે.
આ ઉપરાંત ગુજરાતમાં અમદાવાદમાં પેટ્રોલની કિંમત 95.13 રૂપિયા પર પહોંચી છે જ્યારે ડીઝલનો ભાવ 89.12 રૂપિયા જેટલો છે.

યુદ્ધના કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે : નાણામંત્રી

વધતા પેટ્રોલના ભાવના કારણે એક તરફ જ્યાં સરકારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાં બીજી તરફ લોકસભામાં ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારામને આ મામલે બોલતા કહ્યું હતું કે, યુદ્ધના કારણે ઈંધણના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.
નાણામંત્રીએ કહ્યું, “સરકાર ઈંધણના ભાવો શા માટે વધારી રહી છે તેવું લોકો પૂછી રહ્યા છે. પરંતુ ભાવવધારાને ચૂંટણીઓ સાથે કોઈ સબંધ નથી. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના કારણે દરેક દેશોને અસર થઈ છે અને ખાસ કરીને ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે.” નાણામંત્રીએ ઉમેર્યુ કે, કોરોનાના સમયમાં મોટાભાગના દેશોએ ટેક્સ વધાર્યા હતા પરંતુ સરકારે તે સમય દરમિયાન પણ ટેક્સનો બોજો સામાન્ય લોકો પર પડવા દીધો નહીં.”

Source link