પાંચમું ધોરણ ભણેલી મહિલા સરપંચે કહેલી એ વાત, જે PM મોદી આજેય નથી ભૂલ્યા!

 

અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસિય પ્રવાસે છે ત્યારે આજે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં રાજ્યભરમાંથી આવેલા સરપંચોને સંબોધતા તેમણે આજથી 18-19 વર્ષ પહેલાની એક વાતનો ઉલ્લેખ પોતાના ભાષણમાં કર્યો હતો. પીએમે જણાવ્યું હતું કે, 2003 કે પછી 2004નું તે વર્ષ હતું. તે વખતે તેઓ પણ સીએમ તરીકે નવા જ હતા. ત્યારે તેમને મળવા માટે મધ્ય ગુજરાતમાંથી પંચાયતમાં ચૂંટાયેલી બહેનોએ સમય માગ્યો હતો. પીએમે પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, તે અરસામાં પંચાયતની ચૂંટણી ઘણી જગ્યાએ થઈ હતી પરંતુ આ મહિલાઓ કેમ પોતાનો સમય માગી રહી છે તે તેમને નહોતું સમજાયું.

જોકે, મહિલાઓનો આગ્રહ હતો કે તેમને સીએમ સાથે મુલાકાત કરવી જ છે. આખરે મંગળવારે જ્યારે ધારાસભ્યો મળવા આવવાના હોય ત્યારે તેમના ધારાસભ્ય સાથે તે બહેનોને પણ મળવાનો સમય આપી દીધો. ધારાસભ્ય સાથે બધી બહેનો જ આવી, જેને જોઈ તત્કાલિન સીએમ એવા મોદીએ તેમને સવાલ કર્યો કે તમારે ત્યાં પંચાયતમાં કોઈ પુરુષ નથી? તો તે બહેનોએ જવાબ આપ્યો કે આ વખતે ગામના લોકોએ નક્કી કર્યું કે આ વખતે સરપંચ બહેન છે તો બધા મેમ્બર પણ બહેનોને જ બનાવી દઈએ અને એકેય પુરુષ ચૂંટણીમાં ઉભો જ ના રહે. પીએમે કહ્યું હતું કે, જો દરેક ગામના પુરુષ આવું વિચારે તો ગામની શકલ જ બદલાઈ જાય.

તે ગામના જે મહિલા સરપંચ હતાં તેઓ માંડ પાંચમા ધોરણ સુધી ભણેલાં હતાં. બાકીના સભ્યો પણ ખાસ ભણેલા નહોતાં. પીએમે જણાવ્યું હતું કે, તે વખતે મેં તે મહિલાને પૂછ્યું કે તેઓ શું કામ કરવા માગે છે? તેનો જવાબ તે પાંચમું ધોરણ ભણેલાં મહિલા સરપંચ અને અન્ય સભ્યોએ જે જવાબ આપ્યો તે આજે પીએમ તરીકે પણ કામ કરતી વખતે મને કામમાં લાગે છે. તેમણે કહ્યું હતું કે પહેલા તેમના મનમાં એમ હતું કે તેમને મળવા આવેલી મહિલાઓ પંચાયત ઘર કે પછી રોડ જેવી કોઈ માગણી કરશે, પરંતુ તેમના મનમાં તો કંઈક અલગ જ કામ કરવાની ઈચ્છા હતી.

તે મહિલાની વાત કરતા પીએમે કહ્યું હતું કે, પાંચમુ ધોરણ પાસ એક ગામની મહિલા સરપંચ એવું કામ કરવા માગતા હતા કે તેમના ગામમાં કોઈ ગરીબ ના રહે. આ વાત સાંભળીને નરેન્દ્ર મોદીને ભારે નવાઈ લાગી હતી. આ વાતનો ખાસ ઉલ્લેખ કરતા પીએમે કાર્યક્રમમાં હાજર સરપંચોને જણાવ્યું હતું કે હિન્દુસ્તાનના એકેએક ગામનો સરપંચ જો ગામમાં કોઈને ગરીબ રહેવા દેવા ના માગે, અને દરેકને સાંજ પડે પોતાની મહેનતનો રોટલો મળે તેવી વ્યવસ્થા કરવા કામ કરવા સંકલ્પ લે તો ગરીબી ઉભી પૂંછડીએ ભાગી જાય.

ગામડાંની સામૂહિક તાકાત વિષે વાત કરતા પીએમે કહ્યું હતું કે, ગામમાં જો જાન આવે તો આખીય જાનને ગામ સાચવી લેતું હોય છે. ગામડાંની આ તાકાત તેના વિકાસનું પણ મોટું માધ્યમ બની શકે છે.

Source link