પહેલી વખત એકસાથે 25 ગુજરાતી પોલીસ અધિકારીઓનું IPS માટે નોમિનેશન

 

અમદાવાદ: ગુજરાતમાં પહેલી વખત એવું બનવા જઈ રહ્યું છે કે, એક સાથે 25 ગુજરાતી પોલીસ અધિકારીઓ IPS બનશે. ગુજરાત સરકારે આ 25 અધિકારીઓનું લિસ્ટ કેન્દ્ર સરકારના ગૃહ વિભાગને મોકલી આપ્યું છે. જો આ લિસ્ટ મંજૂર થઈ જશે તો ગુજરાતના પોલીસ બેડામાં ઈતિહાસ રચાશે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ બેડામાં પહેલી વખત એકસાથે જીપીએસસી ક્લિયર કરી હોય તેવા 2011ની બેન્ચના 25 અધિકારીઓને આઈપીએસ તરીકે નોમિનેટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ગુજરાત સરકારમાં હાલ 160 જેટલા આઈપીએસ અધિકારીઓનું મહેકમ છે. જેમાં નિયમ મુજબ જીપીએસસી ક્લિયર કરેલા 57 પ્રમોટી અધિકારીઓને નોમિનેટ કરવાના હોય છે. આ વખતે 2011ની બેંચના 60 જેટલા પ્રમોટી અધિકારીઓ છે. તેમાંથી 25 જેટલા અધિકારીઓને આઈપીએસ તરીકે નોમિનેટ કરવાની યાદી ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના ગૃહ વિભાગને મોકલવામાં આવી છે. જોકે, હજુ કેન્દ્ર સરકાર આઈપીએસ તરીકેનું નોમિનેશન જાહેર કરશે ત્યારે સાચી સ્થિતિ સામે આવશે.

વર્ષ 2011ની બેંચમાં ડીવાયએસપી તરીકે ભરતી થયેલા 25 જેટલા અધિકારીઓની આઈપીએસ નોમિનેશન માટેની ક્લિયરિંગ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે. આવનારા સમયમાં એકસાથે 25થી વધુ ગુજરાતી અધિકારી આઈપીએસ તરીકે ફરજ બજાવશે. ગાંધીનગરના ડીએસપી મુયર ચાવડા અન ઉષા રાડાન આઈપીએસનું નોમિનેશન આપ્યા પછી લાંબા સમયથી પ્રોમોટી અધિકારીઓને નોમિનેશન આપવામાં આવ્યું ન હતું. જેથી અધિકારીઓમાં અંદરખાને નારાજગી હતી. જોકે, ખૂલીને કોઈ બોલી રહ્યું ન હતું. હવે, ગુજરાત સરકારે નોમિનેશનની પ્રક્રિયા હાથ ધરી ચૂંટણી પહેલા પોલીસ અધિકારીઓના રોષને શાંત પાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

આઈપીએસ માટેના નોમિનેશનમાં અમદાવાદ કંટ્રોલ રૂમના ડીસીપી ડો. હર્ષદ પટેલ, અમદાવાદ શહેરના ઝોન-4 ડીસીપી રાજેશ એચ.ગઢિયા, ઝોન-2 ડીસીપી વિજય પટેલ, એસઓજી ડીસીપી મુકેશ પટેલ, ટ્રાફિક ડીસીપી તેજસ પટેલ અને રાહુલ પટેલ, સુરતના ડીસીપી પન્ના મોમાયા, ડો. રાજદીપસિંહ ઝાલા, હરેશ દુધાત સહિત 25 અધિકારીઓનો સમાવેશ થાય છે.

Source link