પંજાબમાં AAPના જબરજસ્ત દેખાવ બાદ ઇસુદાન ગઢવીએ ગુજરાતને લઈને આ શું કહ્યું?

 

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે જેમાં પંજાબમાં કંઈક નવું થવા જઈ રહ્યું છે અહીં આમ આદમી પાર્ટી સૌથી ટોપ પર ચાલી રહી છે. ટ્રેન્ડ્સમાં 117 બેઠકોમાંથી 90થી વધારે બેઠકો પર આપ આગળ ચાલી રહ્યું છે. આવા સમયે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી સપાટો બોલાવશે તેવી આગાહી આપના નેતા અને પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવીએ કરી છે. તેમણે જે રીતે દિલ્હી બાદ પંજાબમાં આપનું ઝાડું ફરી વળ્યું છે ત્યારે ગુજરાતની જનતા પણ આપને એક તક આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ઇસુદાન ગઢવીનો ભાજપને ખુલ્લો પડકાર

પંજાબના પરિણામો પર ઇસુદાન ગઠવીએ ઉત્સાહ વ્યક્ત કરીને મીડિયા સાથે વાત કરી હતી. ગઢવીએ કહ્યું કે, “આમ આદમી પાર્ટીને ગુજરાત પણ એક મોકો આપશે, વિશ્વાસ કરશે. 27 વર્ષ કોંગ્રેસના જોયા, 27 વર્ષ ભાજપના જોયા.. હવે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને એક તક આપશે ત્યારે ખબર પડશે કે સરકાર કઈ રીતે ચાલતી હોય છે.” દિલ્હીમાં આપની સરકાર આવતા લોકોને સુવિધાઓ સારી મળી હોવાનું કહીને તેમણે દાવો કર્યો કે, “પંજાબમાં પણ આ રીતે લોકોને પણ ફાયદો થશે. આજે પંજાબની જીત થઈ છે.”

વધુમાં તેમણે પંજાબમાં આપની જીત થઈ રહી છે ત્યારે ગુજરાતના કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધશે તેમ જણાવ્યું છે.

તેમણે પંજાબના પરિણામો પર આનંદ વ્યક્ત કરતા એમ પણ જણાવ્યું કે, દરેક સમસ્યાનું મૂળ ભ્રષ્ટાચાર છે, જેને ભાજપ-કોંગ્રેસ જેવી રૂઢિગત પાર્ટીઓ નાબૂત કરવામાં નિષ્ફળ રહી છે.

મહત્વનું છે કે, તાજેતરમાં ગુજરાતમાં ગાંધીનગર સહિતની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ તેમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. આમ છતાં આગામી સમયમાં દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતની જનતા પણ એક તક આપશે તેવો વિશ્વાસ ઇસુદાન ગઢવીએ વ્યક્ત કર્યો છે.

પાંચ રાજ્યોની ચૂંટણીનું પરિણામ

ઉત્તરપ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. હાલ ચાલતા પરિણામોના ટ્રેન્ડ પ્રમાણે પંજાબમાં આપ સૌથી આગળ છે જ્યારે બાકીના ઉત્તરપ્રદેશ સહિત મણિપુર, ગોવા અને ઉત્તરાખંડમાં ભાજપ આગળ ચાલી રહ્યો છે. આ તમામ જગ્યાઓ પર કોંગ્રેસને મોટો ફટકો પડતો દેખાઈ રહ્યો છે. જોકે, સંપૂર્ણ પરિણામો આવ્યા બાદ સાંજ સુધી પિક્ચર ક્લિયર થઈ જશે.

Source link