પંચાયત મહાસંમેલનમાં બોલ્યા મોદી, ‘ગામનો વહીવટ મહિલા જ કરે, સરપંચ પતિ નહીં’!

 

અમદાવાદ: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ આજે GMDC ગ્રાઉન્ડ પર પંચાયત મહાસંમેલનમાં રાજ્યભરના ગામડાંમાંથી આવેલા સરપંચો તેમજ પંચાયતોના પ્રતિનિધિઓને સંબોધિત કર્યા હતા. પીએમે પોતાના ભાષણમાં ગામડાંમાં વધુ સુવિધાઓ ઉભી કરવા તેમજ તેમને બહેતર બનાવવા સરપંચોને નાના-નાના પરંતુ મહત્વના કામો કરવાની પણ સલાહ આપી હતી. પીએમે જણાવ્યું હતું કે, હવે સ્થિતિ બદલાઈ રહી છે. ઘરમાં કમ્પ્યુટર પર બેસીને બધા કામ થઈ જાય છે ત્યારે ગામડાંમાં રહેવાનું પણ લોકો પસંદ કરવા લાગ્યા છે, તેવામાં ગામડાં પણ પોતાની સ્થિતિ વધુ સારી બનાવી તેનો લાભ ઉઠાવે.

ગામમાં જો કોઈ મહિલા સરપંચ તરીકે ચૂંટાયા હોય તો તેનો વહીવટ તેઓ પોતે જ ચલાવે તેવી વાત કરતા પીએમે એક જૂનો કિસ્સો યાદ કરતાં જ કાર્યક્રમમાં હાજર લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. પીએમે કહ્યું કે તેઓ હરિયાણામાં હતા ત્યારે કેટલાક લોકો પોતાનો પરિચય SP તરીકે આપતા હતા. એસપીનો મતલબ બીજો કંઈ નહીં, પરંતુ સરપંચ પતિ થતો હતો જેની તેમને પાછળથી ખબર પડી હતી. પીએમે કહ્યું હતું કે, ગુજરાતમાં આવું ના થવું જોઈએ અને જે મહિલા ચૂંટાયા છે વહીવટ પણ તેમના દ્વારા જ થવો જોઈએ.

ગામમાં સ્કૂલો સારી રીતે ચાલે, પાણીની અછત ઉભી ના થાય, હરિયાળી અને સ્વચ્છતા વધે તે માટે પણ પીએમે કેટલીક મહત્વની વાત સરપંચોને કહી હતી. તેમણે કહ્યું હતું કે દુનિયાભરમાં ફેલાયેલો કોરોના ભારતના ગામડાંમાં ખાસ પ્રભાવ ના બતાવી શક્યો, જેનો શ્રેય ગામડાંના લોકોની સૂઝને જાય છે. કોરોનાકાળમાં ગામડાંમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ ક્વોરન્ટાઈનના નિયમોનું જે રીતે પાલન કરવામાં આવ્યું તેની પણ પીએમે સરાહના કરી હતી. સાથે તેમણે એ વાતનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે કોરોનાના સમયમાં પણ ખેડૂતોએ ખેતીમાં પાછી પાની ના કરી દેશના અન્નના ભંડાર ભરેલા રાખ્યા હતા.

દેશ આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે દરેક ગામડાંના સરપંચ પોતાના ગામની શાળાનો જન્મદિન ઉજવે, ઓગસ્ટ 2023 સુધીમાં કમસે કમ 75વાર પ્રભાત ફેરી કરે, આખું ગામ ભેગું થઈ એક સારી જગ્યા શોધી ત્યાં 75 વૃક્ષો વાવીને નાનકડો બગીચો તૈયાર કરે તેમજ ઓછામાં ઓછા 75 ખેડૂતો ભેગા થઈ પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લે તેવી અપીલ પણ પીએમે કરી હતી.

વેક્સિનેશન કાર્યક્રમનો ઉલ્લેખ કરતા પીએમે કહ્યું હતું કે, માણસોને વેક્સિન મળે છે તે તો સૌ જાણે છે, પરંતુ ભારત સરકારે પશુઓમાં જોવા મળતા ફુટ એન્ડ માઉથ રોગ સામે રક્ષણ મળે તે માટે વેક્સિનેશન કાર્યક્રમ શરુ કર્યો છે. જેનો લાભ તેમણે ગામના દરેક પશુપાલક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા પણ સરપંચોને જણાવ્યું હતું. આ ઉપરાંત, ગામમાં રહેતા નિવૃત્ત સરકારી કર્મચારીઓ મહિને એકવાર ભેગા થઈને સરકાર પાસેથી ગામ માટે શું મદદ મેળવી શકાય તેનું આયોજન કરે તેવી પણ પીએમે સલાહ આપી હતી.

ગામમાં શાળા સારી રીતે કાર્ય કરે અને બાળકો ભણે તે માટે પંચાયતના દરેક સભ્ય અઠવાડિયાના કોઈ એક દિવસની જવાબદારી લઈ રોજ 15 મિનિટ શાળામાં જઈને શિક્ષક સમયસર આવે છે કે કેમ, વિદ્યાર્થીઓ ભણે છે કે નહીં, શાળામાં ચોખ્ખાઈ રખાય છે કે નહીં જેવી બાબતો સુનિશ્ચિત કરે તો પણ શિક્ષણનું સ્તર અને શાળાની ગુણવત્તા વધી જાય તેમ પીએમે જણાવ્યું હતું. પીએમે કહ્યું હતું કે તે જ રીતે જો ગામડાં પોતાનો જન્મદિન ઉજવવાનું શરુ કરે તો ગામમાં હાલ નથી રહેતા તેવા લોકોને પણ ત્યાં આવવાનો મોકો મળશે અને તેઓ પણ ગામને મદદ કરવા માટે પ્રેરાશે. હવે ગામડાં સુધી ફાઈબર ઓપ્ટિક કેબલ પહોંચી ગયા છે ત્યારે ટેલી મેડિસિન, ટેલી એજ્યુકેશનનો લોકો લાભ ઉઠાવે તેવા પગલાં લેવા પણ પીએમે સરપંચોને અપીલ કરી હતી.

Source link