પંચમહાલ: જાંબુઘોડામાં વિધવા માતાની હત્યા, પુત્ર અને પૌત્રએ મળીને મોતને ઘાટ ઉતાર્યા!

 

વડોદરા: પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામમાં એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં જમીનના ટુકડાની લાલચમાં પુત્રએ પિતા સાથે મળીને સગી જનેતાને ગડદાપાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી દીધી. બનાવની જાણ થતાં જાંબુઘોડા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને હત્યારા પિતા અને પુત્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. માવતરને લજવતું કૃત્ય કરનારા આરોપી પિતા પુત્ર સામે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર જોટવડ ગામમાં રહેતા ગંગાબેન બારીયાના પતિનું ત્રણ વર્ષ અગાઉ નિધન થતાં તેઓ પોતાના નાના પુત્ર સંજય સાથે રહેતા હતા. ગંગાબેનના પતિ વેચાતભાઈનું નિધન થયા બાદ ગંગાબેને પોતાના મોટા દીકરા રાજેશ અને નાના દીકરા સંજયને એક સરખી જમીન આપી એક ટુકડો પોતાની પાસે રાખ્યો હતો. જો કે, આ જમીન પર નાનો દીકરો સંજય ખેતી કરતો હતો. દરમિયાન મોટા પુત્ર રાજેશે જમીનના ફરી ભાગ પાડવાની માંગણી કરતા ગંગાબેને નવેસરથી ભાગ નહીં પડે કહીને ના પાડી હતી.

આ દરમિયાન રાજેશ અને તેનો પુત્ર રાહુલ સાંજે ફરી ગંગાબેન પાસે પહોંચ્યા હતા અને ઝગડો કર્યો હતો. ત્યારે પિતા પુત્રે ગંગાબેનને માર મારી જમીન પર પાડી દઈ ગડદાપાટુનો મૂઢ માર મારવા સાથે જમીનમાં ભાગ આપી દો નહી તો બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે રાજેશના ભાભી નયનાબેનને ઝગડાનો અંત લાવવા છોડવવા વચ્ચે પડતા તેઓને પણ માર મારી પિતા-પુત્ર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ ગંગાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

બનાવની જાણ થતાં જ જાંબુઘોડા પોલીસ એક્શનમાં આવી હતી અને જમીનના ટુકડા માટે રાજેશ અને પોતાની દાદીને મારી હત્યા કરવામાં પિતાનો સાથ આપનાર પૌત્ર રાહુલની સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Source link