નારણપુરામાં રોડ પહોળો થવાના વિરોધમાં સ્થાનિકોએ ના છૂટકે કોંગ્રેસનો સાથ લીધો!

 

અમદાવાદઃ શહેરના નારણપુરા વિસ્તારમાં રેલવે ક્રોસિંગથી નારણપુરા ગામ સુધીના રોડને 100 ફૂટ પહોંળો કરવાના મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયથી સ્થાનિકો નારાજ થઈ ગયા છે. વર્ષોથી ભાજપ અને સંઘમાં રહેલા અહીંના કાર્યકરે તંત્રના નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્થાનિકો દ્વારા તંત્ર સામેની નારાજગીના લીધે કમળને કચડીને કોંગ્રેસનો હાથ પકડવાના મુદ્દે ભડકો થયો હોવાનું સામે આવ્યું છે.

મળતી વિગતો પ્રમાણે આ રોડ 80 ફૂટ પહોળો છે પરંતુ તેને 100 ફૂટ પહોળો કરવાના નિર્ણયથી સંખ્યાબંધ દુકાનો અને મકાનો કપાતમાં જશે જેથી સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો તંત્રના નિર્ણયથી નારાજ છે. આ મુદ્દે લોકોએ સ્થાનિક કોર્પોરેટર અને આગેવાનોને મળીને રજૂઆત કરી હતી, પરંતુ તેમણે મદદ કરવા માટે તૈયારી બતાવી નહોતી. જેના લીધે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

ચૂંટણી સમયે જેનો સાથ આપ્યો તેમનો સાથ મુશ્કેલીના સમયમાં ના મળતા સ્થાનિકો કોંગ્રેસના નેતા શેહઝાદખાન પઠાણને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જે બાદ સ્થાનિકોની રજૂઆત મેયર સુધી પહોંચે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો મોટી સંખ્યામાં રજૂઆત માટે બુધવારે મેયરને રજૂઆત માટે પહોંચ્યા હતા જ્યાં તેમણે બંદોબસ્તનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ વિરોધપક્ષના નેતા શેહઝાદખાન પઠાણ સહિત કેટલાક રહીશોને મેયર ઓફિસમાં મળવા માટે બોલાવ્યા હતા.

રિપોર્ટ્સ મુજબ આ પછી મેયરને મળીને રોડ પહોળો કરવાની જરુર નથી આમ છતાં શા માટે રોડ પહોળો કરવા આવી રહ્યો છે તે અંગે મેયરને સવાલ કરવામાં આવ્યા હતા પરંતુ મેયર કિરીટભાઈ પરમારે ચૂપચાપ બધું સાંભળી લીધું હતું.

‘કોંગ્રેસનો સાથ લેવામાં મારું લોહી ઉકળી ઉઠે છે’

રોડ જરુર વગર પહોળો કરવામાં આવી રહ્યો હોવાની સામે વિરોધ કરી રહેલા સ્થાનિક વડીલ કનુભાઈ પટેલે હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું કે, વર્ષોથી સંઘ અને ભાજપનો કાર્યકર રહ્યો છું, ભાજપ માટે જેલમાં પણ જઈ આવ્યો છું. હવે આ રોડ શા માટે પહોળો કરવો છે તે સમજાતું નથી અને મારે કોંગ્રેસનો સાથ લેવો પડ્યો તેનાથી મારું લોહી ઉકળી ઉઠે છે. આ પછી આગળ તેમણે આ મુદ્દે અમિત શાહને રજૂઆત કરવાની પણ વાત કરી હતી.

Source link