નડિયાદ: વડતાલ ધામમાં 24 યુવકોએ સંસાર છોડ્યો, ગ્રહણ કરી ભાગવતી દીક્ષા

 

નડિયાદ: સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે મંગળવારે ચૈત્ર એકાદશીના શુભ દિવસે ગોપાળાનંદ સ્વામીના આસને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે 24 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી. આ પ્રસંગે સંપ્રદાયના વરિષ્ઠ સંતો-મહંતો સહિત પાર્ષદોના પૂર્વાશ્રમના માતા-પિતા સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા વડતાલ મંદિરના કોઠારી ડો. સંત વલ્લભદાસે જણાવ્યું કે, ભગવાન શ્રીહરિએ પોતાના આશ્રિતોને કાર્તિકી અને ચૈત્રી સમયે વણતેડે વડતાલ આવવવાની આવવાની આજ્ઞા કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડતાલ દેશના 5, ગઢડા દેશના 7, ધોલેરા દેશના 2 તથા જુનાગઢ દેશના 10 મળી કુલ 24 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવામાં આવી હતી. આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે 24 દીક્ષાર્થીઓને યજ્ઞોપવિત, કંઠી, માળા પહેરાવી કાનમાં મંત્ર આપ્યો હતો. એકાદશીના શુભદિને શણગાર આરતી બાદ સૌ દીક્ષાર્થી પાર્ષદોને ગોપાળાનંદ સ્વામીના આસને પોતાના ગુરુ સાથે પૂજાવિધિમાં બેસાડી પુરોહિત ધીરેન મહારાજે પ્રારંભ કરાવ્યો હતો.

આચાર્ચ મહારાજે દીક્ષા વિધિ પૂર્ણ થયા બાદ સૌ સંતો સાથે મંદિરમાં લક્ષ્મીનારાયણદેવ, હરિકૃષ્ણ મહારાજ સહિતના આદિ દેવોના દર્શન કરી દીક્ષાર્થી સંતો આચાર્ચ મહારાજ સાથે સભામંડપમાં પધારતા હજારો હરિભક્તોએ દીક્ષાર્થી સંતોનું તાળીઓના અભિવાદન સાથે સ્વાગત કર્યું હતું. આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે સૌ દીક્ષાર્થી સંતોને ગુરુની આજ્ઞામાં રહેવા, તેમજ શિક્ષાપત્રીની આશા અનુસાર નિયમમાં રહેવાની શીખ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ ગાદી આરૂઢ થયા બાદ અત્યાર સુધીમાં કુલ 792 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવામાં આવી છે. જેમાં વડતાલ દેશના 401, ગઢડા દેશના 51, ધોલેરા દેશના 8 અને જુનાગઢ દેશના મળી કુલ 792 પાર્ષદોને દીક્ષા આપી છે.

Source link