દેશના આ ગામડાઓમાં ‘વિકાસ’ કીચડમાં ખૂંપી ગયો! આઝાદીના 75 વર્ષ પછી પણ અહીં નથી બન્યો પાક્કો રોડ

જયપ્રકાશ, છતરપુર- મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એક ગામડુ એવું પણ છે જ્યાં આઝાદીના 75 વર્ષ પછી આજે પણ રસ્તો નથી બન્યો. આસપાસના 10 ગામના લોકો આજે પણ કીચડ વાળા રસ્તા પરથી પસાર થવા મજબૂર છે. પંચાયતના સચિવ અને સરપંચ પણ આ બાબતે કોઈ કાર્યવાહી નથી કરતા. ગામના લોકોની સ્થિતિ એવી છે કે દરરોજ શાળાએ જતા બાળકો હોય કે પછી બીમાર દર્દી હોય, તમામ લોકોએ આવા રસ્તા પરથી પસાર થવું પડે છે. શનિવારના રોજ અહીંના લોકોએ કીચડમાં ઉભા રહીને વિરોધ વ્યક્ત કર્યો અને વહેલી તકે પુલ બને તેમજ પાક્કો રસ્તો બને તેવી માંગ કરી છે.

વિકાસની વાતો તો ઘણી થઈ રહી છે પરંતુ આ ગામડાઓ સુધી હજી વિકાસ પહોંચ્યો નથી. ચંદલા વિધાનસભા વિસ્તારના આ ગામનું નામ લોધીનપુર ભાનપુર છે. ગામના લોકોનો આરોપ છે કે આઝાદી પછી અત્યાર સુધી આ ગામમાં રોડ નથી બન્યો. રોડ ન હોવાને કારણે ગામલોકોએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં રહેતા સંતોષ અહિરવાર જણાવે છે કે, લોધીનપુર જતા પહેલા એક મોટી કેનાલ છે જ્યાં હંમેશા પાણી ભરેલું હોય છે. ગામમાં પ્રવેશવાનો એકમાત્ર મુખ્ય માર્ગ છે જે પાંચ કિલોમીટર સુધી કાચ્ચો છે. ગામના બાળકો અને મહિલાઓએ ખાસકરીને આ નાળાને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શનિવારના રોજ ગામના લોકોએ આ કીચડમાં ઉભા રહીને વિરોધ પ્રદર્શન કર્યું. તેમાં ગામના પુરુષો, મહિલાઓ અને બાળકો પણ જોડાયા હતા. તેમનું કહેવું છે કે આ રસ્તાને કારણે લગભગ આઠથી દસ ગામડાઓ પ્રભાવિત છે. સૌથી વધારે સમસ્યા ભાનપુર, લોધીનપુર, અન્નાદિપુર વગેરે ગામડાઓએ ઉઠાવવી પડે છે. ગ્રામીણ અમ્બિકા અહિરવાર જણાવે છે કે આ નાળું ઘણું મોટું છે. પાણી ભરેલું રહેવાને કારણે બીમારીઓનું જોખમ પણ રહે છે. સરપંચ અથવા સચિવ ક્યારેય ગામમાં નથી આવતા.

આ બાબતે વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રાજેશ પ્રજાપતિનું કહેવું છે કે, ગામના લોકોની સમસ્યા વિશે તેઓ જાણે છે. ઘણીવાર આ સ્થળ પર પુલ અને રોડ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તે જમીન ગામમાં જ રહેતા એક વ્યક્તિની અંગત સંપત્તિ છે. તે વ્યક્તિ પોતાની જમીન આપવા માટે તૈયાર નથી. ધારાસભ્યનું કહેવું છે કે, તેઓ તે વ્યક્તિના સંપર્કમાં છે. તે જમીન દેવા તૈયાર થઈ જશે તો તાત્કાલિક રોડ બનાવી દેવામાં આવશે.

Source link