દિગ્ગજ ટેનિસ સ્ટાર બોરિસ બેકરને અઢી વર્ષની જેલની સજા, જાણો શું છે મામલો!

 

મહાન ટેનિસ ખેલાડી બોરિસ બેકર ઈનસોલ્વન્સી એક્ટ અંતર્ગત દોષિત ઠર્યા છે અને તેના કારણે તેમને અઢી વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. લંડનની સાઉથવાર્ક ક્રાઉન કોર્ટની એક જ્યુરીએ આ મહિને બેકરને ચાર આરોપોમાં દોષિત ઠેરવ્યા છે. જેમાં સંપત્તિનું હસ્તાંતરણ, દેવું છુપાવવું અને સંપત્તિનો ખુલાસો કરવામાં નિષ્ફળ રહ્યાના બે મામલા સામેલ છે. જૂન 2017માં નાદાર થયા બાદ બેકરે કુલ નવ લોકોને 3,56,000 પાઉન્ડ ટ્રાન્સફર કર્યા હતા. જેમાં તેમની ભૂતપૂર્વ પત્ની બારબરા અને શર્લી બેકર પણ સામેલ હતી. તેમને જર્મનીમાં એક સંપત્તિ જાહેર કરવામાં નિષ્ફળ રહેવા અને એક ટેક્નોલોજી ફર્મમાં 825000 યુરો બેંક લોન અને શેર્સને છૂપાવવા અંતર્ગત દોષિત ઠેરવવામાં આવ્યા છે.

બેકર પોતાની પ્રેમિકા લિલિયન ડી કાર્વાલ્હો મોન્ટેરો સાથે કોર્ટમાં હાજર રહ્યા હતા. છ વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રહેલા બોરિસ બેકરે તમામ આરોપોનું ખંડન કરતા કહ્યું હતું કે, તેમણે પોતાની સંપત્તિ મેળવવા માટે કામ કરનારા ટ્રસ્ટીઓ સાથે સહયોગ કર્યો હતો અને નિષ્ણાતની સલાહ પ્રમાણે કામ કર્યું હતું. 54 વર્ષીય બોરિસ બેકરને 20 અન્ય મામલામાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં તે આરોપ પણ સામેલ હતા કે તે પોતાના ઘણા જૂના ઈનામો સોંપવામાં નિષ્ફળ રહ્યા છે જેમાં બે વિમ્બલડન ટ્રોફી અને એક ઓલિમ્પિક ગોલ્ડ મેડલ સામેલ છે.

નોંધનીય છે કે ટેનિસ જગતમાં બોરિસ બેકરની ગણના મહાન ખેલાડીઓમાં થાય છે. બોરિસ બેકરે પોતાની કારકિર્દીમાં છ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા હતા. બેકરે તેમનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ 1985માં વિમ્બલડનના રૂપમાં જીત્યું હતું. તેમણે ત્રણ વિમ્બલડન, બે ઓસ્ટ્રેલિયન ઓપન અને એક યુએસ ઓપન ટાઈટલ જીત્યું હતું. જર્મનીના દિગ્ગજ ટેનિસ ખેલાડી બોરિસ બેકરે પોતાનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ 17 વર્ષની વયે જીત્યું હતું. તેમણે 1999માં ટેનિસમાંથી નિવૃત્તિ લીધી હતી.

Source link