ટ્વિટરમાં મોટા ફેરફારના સંકેત
હાલમાં ટ્વિટર પર કોઈપણ પ્રકારની પોસ્ટ કરવા માટે 280 અક્ષરની લિમિટ છે. આ લિમિટ આ પહેલા 140 અક્ષર સુધી સિમિત હતી. જેને વધારીને 2017માં 280 સુધી વધારવામાં આવી હતી. હવે જે સંકેતો મળ્યા છે તે અનુસાર, ટ્વિટર ટ્વિટ માટે અક્ષરોની લિમિટ 1 હજાર અક્ષરો સુધી વધારી શકે છે. જો કે, સૌથી મોટી વાત એ છે કે લગભગ 95 ટકા લોકો ટ્વિટર પર 190થી ઓછા અક્ષરનો ઉપયોગ કરે છે.
અક્ષરોની મર્યાદા વધી શકે
યુઝર્સની વાત કરીએ તો આંકડા અનુસાર, ટ્વિટર પર લગભગ 5 ટકા યુઝર્સ જ એવા છે જે 190થી વધુ અક્ષરોનો ઉપયોગ કરે છે. આ સિવાય માત્ર 12 ટકા લોકો એવા છે 140થી વધુ અક્ષરનો ઉપયોગ કરે છે. ફક્ત 1 ટકા લોકો એવા છે જે ટ્વિટ કરતી વખતે સંપૂર્ણ 280 અક્ષરોનો ઉપયોગ કરે છે. મોટાભાગના યુઝર્સ ટ્વીટ ઓછા શબ્દોમાં કરે છે.
એલોન મસ્ક સતત ફેરફાર કરી રહ્યા છે
અહીં તમને જણાવી દઈએ કે, એલોન મસ્કે ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ ઘણી વખત અક્ષર મર્યાદા વધારવાના સંકેત આપ્યા છે .27 નવેમ્બરે એક યુઝરે એલોન મસ્કને 280 અક્ષરોથી વધારીને 420 કરવાનું સૂચન કર્યું હતું. જેના જવાબમાં એલોન મસ્કએ ગુડ આઈડિયા લખ્યું હતું. આ સિવાય અગાઉ 30 ઓક્ટોબરે એક વ્યક્તિએ એલોન મસ્કને કેરેક્ટર લિમિટમાંથી છૂટકારો મેળવવાનું સૂચન કર્યું હતું. જવાબમાં ઇલોન મસ્કએ બિલકુલ લખ્યું હતું.
ટ્વિટર પર પોલ કરવામાં આવી શકે છે
હવે મળતી વિગતો અનુસાર, આ બાબતે ટ્વિટર પર પોલ કરવામાં આવી શકે છે. આ પહેલા એડિટ બટન માટે પણ પોલ કરાયો હતો. આ સિવાય મસ્કે પૂછ્યું હતું કે, તેમણે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ એક્ટિવેટ કરવું જોઈએ. આ પછી મોટાભાગના યુઝર્સ પણ આના પર સહમત થતા બીજા દિવસે એકાઉન્ટને સક્રિય કરાયુ હતું.
એલોન મસ્ક ટૂંક સમયમાં જાહેરાત કરી શકે
આ તમામ સ્થિતી બાદ હવે લાગી રહ્યુ છે કે, એલોન મસ્ક ટૂંક સમયમાં અક્ષર મર્યાદામાં ફેરફારને લઈને એક પોલ કરી શકે છે. જેમાં યુઝર્સની પસંદગીના આધારે નિર્ણય લેવાશે.