જેતપુરઃ પૂર્વ પતિએ ભત્રીજા સાથે મળી છરીના અનેક ઘા ઝીંકી પત્નીની કરપીણ હત્યા કરી!

 

રાજકોટના જેતપુરમાં પૂર્વ પતિએ ભત્રીજા સાથે મળીને પત્નીની અનેક ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દેતાં ચકચાર મચી જવા પામી છે. છૂટાછેડા લઈ અલગ રહેતી મહિલાના ઘરમાં ઘૂસી પૂર્વ પતિ અને તેનો ભત્રીજો છરી લઈને મહિલા પર તૂટી પડ્યા હતા, અને મહિલાની ઘાતકી હત્યા કરીને બાઈક પર ફરાર થઈ ગયા હતા. બાદમાં લોહીલુહાણ હાલતમાં મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પણ ડૉક્ટર્સે તેઓને મૃત જાહેર કર્યાં હતા. હત્યાને પગલે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને ફરાર આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.

જેતપુરના ગુજરાતીની વાડી ભાવિકનગર વિસ્તારમાં 40 વર્ષીય પ્રસંતબહેન શાંતુભાઈ પોતાના 14 વર્ષની દીકરી અને 12 વર્ષના દીકરા સાથે રહેતાં હતા. ચાર માસ અગાઉ તેઓએ છૂટાછેડા લીધા હતા. આજે સવારે જ્યારે ઘરના તમામ સભ્યો સૂઈ રહ્યા હતા, ત્યારે સવારે પોણા દસ વાગ્યાની આસપાસ પૂર્વ પતિ શાંતુ કહોર અને તેનો ભત્રીજો શિવરાજ કહોર બાઈક પર પ્રસંતબહેનના ઘરે આવ્યા હતા.

બંને આરોપીઓએ ઘરમાં ઘૂસી પ્રસંતબહેન પર ઘાતકી હુમલો કરી દીધો હતો અને તેમના પર છરીના 12થી વધારે ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દીધી હતી. ઘરમાં બૂમરાણ મચી જતાં દીકરી અને દીકરો માતાને બચાવવા માટે દોડી આવ્યા હતા. પણ તેઓ માતાને બચાવે તે પહેલાં જ બંને આરોપીઓએ માતાનું ઢીમ ઢાળી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટનાને પગલે પાડોશીઓ એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે પ્રસંતબહેનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પણ તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. આ મામલે ફરાર આરોપીઓને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. બંને આરોપીઓ પ્રસંતબહેનના ઘરે આવતા અને હત્યા કર્યાં બાદ બાઈક પર પરત જતાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે.

માતાની હત્યા બાદ દીકરો અને દીકરી નોધારા થઈ ચૂક્યા છે. માતાની કરપીણ હત્યા થતાં જ તેઓના આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. મહિલાની દીકરીએ કહ્યું કે, મારી માતાએ વિનંતી કરી કે હું દીકરો અને દીકરીને સંભાળીને બેઠી છું, પણ તેઓ ન માન્યા. આ ઉપરાંત તેણે કહ્યું કે, પિતાએ પહેલા લગ્નની પત્નીને પણ પેટ્રોલ છાંટી મારી નાખી હતી. આ ઉપરાંત દીકરીએ એવો પણ ખુલાસો કર્યો હતો કે, પિતાએ ત્રણ વખત માતાને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

Source link