જબરો કળિયુગ! સાક્ષાત શિવજીને મળી કોર્ટની નોટિસ : આખરે ભગવાન ‘આ રીતે’ કોર્ટમાં હાજર થયા

કોર્ટમાં કોઈ કેસમાં સામાન્ય વ્યક્તિ કે કોઈ મોટી હસ્તીને પણ પ્રત્યક્ષ રીતે હાજરી આપવા માટે ફરમાન કરવામાં આવે તે બાબત તો સામાન્ય છે પરંતુ છત્તીસગઢમાં એન વિચિત્ર બનાવ બન્યો છે. જ્યાં કોર્ટે ભગવાન શિવને હાજર રહેવા માટેની નોટિસ પાઠવી હતી. વધુ આશ્ચર્યની વાત એ છે કે નોટીસ મળતાં ‘ભગવાન’ કોર્ટમાં હાજર પણ રહ્યા હતા.

ભગવાન શિવને નોટીસ મોકલી

છત્તીસગઢના રાયગઢ જિલ્લા કોર્ટ દ્વારા ગેરકાયદેસર જમીન પર મંદિર બનાવવા મામલે ભગવાન શિવને નોટિસ આપવામાં આવી હતી. હવે પ્રશ્ન એ થઈ પાડ્યો હતો કે ભગવાનને કોર્ટમાં કઈ રીતે હાજર કરવા? કોર્ટમાં જે મંદિર સામે ફરિયાદ થઇ હતી ત્યાંના લોકો અને ભગવાન તો પહોંચી ગયા હતા પરંતુ નોટીસ આપનાર અધિકારી જ ગેરહાજર રહ્યા હતા!

છત્તીસગઢ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી

વાસ્તવમાં, સમગ્ર મામલો એમ છે કે રાયગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના કૌહાકુંડામાં રહેતી એક મહિલા દ્વારા જમીન પર ગેરકાયદેસર કબજો હટાવવા માટે છત્તીસગઢ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે રાયગઢ જીલ્લા કોર્ટને સંબંધિત લોકો સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તાલુકા કોર્ટે સંબંધિત લોકોને શો કોઝ નોટિસ જારી કરી હતી.  જેમાં કૌહાકુંડાના શિવમંદિરને નોટીસ આપવામાં આવી હતી. મંદિરમાં કોઈ પૂજારી ન હોવાના કારણે નોટીસ સીધી ભગવાનનાં નામે ઇસ્યૂ કરવામાં આવી હતી. તેમજ હાજર ન રહેવા પર દસ હજારનો દંડ ફટકારવાનું કહેવામાં આવ્યું હતું.

રિક્ષામાં શિવલિંગ સાથે કોર્ટ પહોંચ્યા

કોર્ટમાંથી ભગવાનને હાજર રહેવાની નોટીસ આવતા સ્થાનિકો પણ ચિંતામાં મૂકાયા હતા. આખરે મજબુરીમાં મૂકાયેલા કૌહાકુંડાના સ્થાનિકો મંદિરમાં રહેલા શિવલિંગને જ ઉઠાવી લઈને રિક્ષામાં લઈ કોર્ટ પહોંચ્યા હતા. જોકે, ન્યાયાધીશ વ્યસ્ત હોવાના કારણે સુનાવણી કરી શક્યા ન હતા. હવે આ મામલે ફરી 15 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

Source link