સુરતની દીકરી ગ્રીષ્મા વેકરિયાના ભાઈએ જણાવ્યું કે 12 ફેબ્રુઆરીએ આખી ઘટના કઈ રીતે બની હતી

સુરતઃ ગ્રીષ્મા વેકરિયા (Grishma Vekariya case) સાથે સુરતના પાસોદરામાં (Surat Pasodara murder) બનેલી ઘટના એવી હતી કે તેમાં હત્યારા ફેનિલ ગોયાણી (Fenil Goyani) અને પીડિતા બન્નેને લોકોએ જોયા છે. આ ક્રૂર ઘટનામાં કશું છૂપું નથી રહ્યું અને બીજી તરફ આરોપી પણ શકંજામાં આવી ગયો છે હવે આવામાં આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ થઈ રહી છે. ગ્રીષ્માના ભાઈ ધ્રૂવ વેકરિયા કે જેઓ પણ 12 ફેબ્રુઆરીએ બનેલી ઘટનામાં ઘાયલ થયા હતા. તેઓ પણ હત્યારા ફેનિલને કડક સજા થયા તેવી માંગ કરી રહ્યા છે. તેમણે સ્થાનિક મીડિયા સાથે કરેલી વાતચીતમાં કેટલાક મુદ્દાઓ જણાવ્યા છે. જેમાં ફેનિલે પોતાના પર હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે.

ગ્રીષ્માના ભાઈએ આખી ઘટના કઈ રીતે બની તેનો ચિતાર વર્ણવતા કહ્યું કે, હું અને મારા મોટા પપ્પા તેને (ફેનિલ ગોયાણી) સમજાવવા માટે ગેટ પર ગયા હતા, આ દરમિયાન બન્ને પર ફેનિલે હુમલો કરી દીધો હતો. પોતાની સાથે બનેલી ઘટના અંગે ગ્રીષ્માના ભાઈ ધ્રૂવે જણાવ્યું કે, પોતાના પર હુમલો થયા બાદ તેણે ફેનિલ પાસેથી ચાકુ લઈ લીધું હતું પરંતુ પછી તેણે બીજુ ચાકુ કાઢીને હુમલો કર્યો હતો. આ જોઈને ગ્રીષ્મા અને તેના માતા બહાર આવ્યા તો ફેનિલે ગ્રીષ્માને પકડી લીધી હતી. આ પછી આરોપી ફેનિલ ગ્રીષ્માને મારી નાખીશ તેવું કહેવા લાગ્યો હતો.

આ પણ વાંચો!

 

પોતાની બહેન સાથે બનેલી ઘટના અંગે વાત કરતી વખતે ધ્રૂવ વકરિયાને ડૂમો ભરાઈ આવ્યો હતો, તેણે પોતાની બહેનને ફેનિલ પાસેથી બચાવવા માટેના પ્રયત્નો પણ કર્યા હતા પરંતુ ફેનિલે આવેશમાં આવીને કોઈનું કશું જ સાંભળ્યું નહોતું.

આ દરમિયાન ત્યાં હાજર લોકો ફેનિલની ક્રૂરતા જોઈને ગ્રીષ્માને છોડી દેવા માટે કહી રહ્યા હતા પરંતુ તેના પર ઝનુન સવાર થઈ ગયું હતું અને તેણે ગ્રીષ્માનો જીવ લઈને જ તેને છોડી હતી. આરોપીને લોકોની વેદના અને બૂમો સાંભળીને જરાય દયા નહોતી આવી. ગ્રીષ્માના ભાઈ ધ્રૂવે સ્થાનિક મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, આરોપી (ફેનિલ ગોયાણી)ને કડક સજા થવી જોઈએ.. જેટલું ઝડપથી બને તેટલી ઝડપી તેને સજા મળવી જોઈએ.. આ સાથે ધ્રૂવે પુરાવા અંગે વાત કરતા જણાવ્યું કે, વીડિયો પ્રૂફ છે, મેં મારી નજરે જોયેલું છે, શેરીના લોકોએ જોયેલું છે..

આ સાથે ધ્રૂવે બહેન સાથે બનતી ઘટના અંગે લોકોને સલાહ આપતા જણાવ્યું કે, આવી ઘટના બને ત્યારે મમ્મી, પપ્પા કે ભાઈને તથા પોલીસને જાણ કરવી જોઈએ.. જેથી પોલીસ કાર્યવાહી કરી શકે અને આરોપીઓ સુધી ઝડપથી પહોંચી શકે.

12 ફેબ્રુઆરીએ સુરતના પાસોદરા વિસ્તારમાં બનેલી ઘટનામાં એક તરફથી પ્રેમમાં પાગલ બનેલો ફેનિલ ગોયાણી ગ્રીષ્માના ઘર પાસે ધસી આવ્યો હતો અને જરાય દયા રાખ્યા વગર તેણે તેના ભાઈ અને મોટા પપ્પા પર હુમલો કરીને ગ્રીષ્માની હત્યા કરી નાખી હતી. ઘાયલ થયેલા ફેનિલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની SIT ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

સુરતની કોર્ટે આરોપી ફેનિલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન વધુ તેના ગોરખધંધા પરથી પડદો ઉઠે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Source link