ગોંડલની હાઈ-બોન્ડ સિમેન્ટ ફેકટરીમાં બનેલી અકસ્માતની ઘટનામાં ત્રણ કામદારોના મોત

 

રાજકોટઃ રાજકોટ જિલ્લાના ગોંડલમાં સિમેન્ટ ફેક્ટરીમાં બનેલી અકસ્માતની ઘટનામાં 3 કામદારોના મોત થઈ ગયા છે. રિપોર્ટ્સ મુજબ હાઈ-બોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં અકસ્માતની ઘટના બની છે. વહેલી સવારે બનેલી ઘટનામાં કામદારોના મોત થઈ ગયા હતા. જોકે, આ અકસ્માત કઈ રીતે સર્જાયો તેનું કારણ સામે આવ્યું નથી અને તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે મૃતકોના પરિવારજનોનો પણ સંપર્ક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં બે 20 વર્ષની આસપાસના અને એક 33 વર્ષના કામદારનું મોત થયું છે. કામદારોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલવામાં આવ્યો છે.

મળતી વિગતો પ્રમાણે આજે વહેલી સવારે જ્યારે કામદારો સિમેન્ટ ફેકટરીમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો અને તેમાં વારાફરથી ત્રણ કામદારોના મોત થઈ ગયા હતા. કેમિકલ બેંકમાં વેલ્ડિંગ કરતી વખતે અકસ્માત સર્જાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે, આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને ઘટના અંગે પોલીસ સહિતની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે પણ અકસ્માતનું કારણ જાણવા મળી શકે તેવી શક્યતાઓ છે.

સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતી વખતે સર્જાયેલા અકસ્માતમાં રાહુલ પંપાણિયા (22), હમીરભાઈ સોલંકી (25) અને શિવધારાભાઈ વિશ્વકર્મા (33)નું મોત થઈ ગયું છે. અકસ્માત બાદ એક કામદારાનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું જ્યારે બીજા એક કામદારનું હોસ્પિટલ પહોંચતા પહેલા અને ત્રીજાનું સારવાર દરમિયાન મોત થયું હોવાની વિગતો મળી રહી છે. આ યુવાનોના મોતથી ફેક્ટરીના અન્ય કામદારોમાં ઘટના અંગે ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. અકસ્માતમાં એક કામદારનું મોઢું છૂંદાઈ ગયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

હાઈ-બોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માતના બનાવ અંગે જાણ થતા ગોંડલ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસની ટીમ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધારે તપાસ શરુ કરવામાં આવી છે. આ ઘટના માટે જવાબદાર કોણ છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે.

Source link