ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : પાટીદાર આંદોલન સમયના 10 કેસ પરત ખેંચ્યા, હાર્દિક સામેના બે કેસ પણ પરત ખેંચાશે

ગાંધીનગર: 2015 માં થયેલા પાટીદાર આંદોલન વખતેનાં તોફાનો મામલે ગુજરાત સરકારે કરેલા કેસો પરત ખેંચવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે સરકારે દસ કેસ પરત ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો છે.
આ ઉપરાંત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર સમાજના આગેવાન હાર્દિક પટેલ સામે થયેલા બે કેસ પરત ખેંચવાની તૈયારી પણ ચાલી રહી છે. આ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી 15 એપ્રિલે આ કેસ પરત ખેંચવા માટે સુનાવણી હાથ ધરવામાં આવશે.

સરકારે પરત ખેંચેલા દસ કેસમાંથી અમદવાદ સેશન્સ કોર્ટમાં ચાલતા 7 કેસ અને મેટ્રો પોલિટન કોર્ટમાંથી ત્રણ કેસ પરત ખેંચવામાં આવ્યા છે. ​​​​​​​નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1 જ્યારે કૃષ્ણનગરના 2 કેસ પરત ખેંચવામાં આવ્યા છે. આ સિવાય અન્ય કેસોને પરત લેવા મેટ્રો કૉર્ટમાં 15 એપ્રિલે પરત ખેચવા હાથ ધરાશે. સુનાવણી હાર્દિક સામેના રામોલ પોલીસ સ્ટેશનમાં થયેલ કેસ અંગે 15 એપ્રિલના રોજ હુકમ થશે.

એક રિપોર્ટ અનુસાર, સરકરે કુલ 70 જેટલા પાટીદારો સામેના કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. જોકે, તેમાં રાજદ્રોહના કેસનો સમાવેશ થશે નહીં. એટલે કે અમદાવાદની સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાલતો રાજદ્રોહનો કેસ ચાલુ જ રહેશે. તે સિવાયના કેસ પરત ખેંચવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત મહિને પાટીદાર આગેવાન હાર્દિક પટેલે એક પત્રકાર પરિષદ યોજીને પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા માટેની માંગ કરી હતી. તેમણે અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે 23 મી માર્ચ પહેલાં કેસ પરત ખેંચવામાં નહીં આવે તો ફરીથી આંદોલન કરવામાં આવશે.

કુલ 485 કેસ થયા હતા, હજુ 140 પેન્ડિંગ

આ પહેલાં આનંદીબેન પટેલ અને વિજયભાઈ રૂપાણીની સરકારમાં કેટલાંક કેસ પરત ખેંચવામાં આવ્યા હતા, તો કેટલાક કેસ હજુ ચાલી રહ્યા છે. જેને પણ પરત ખેંચવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે ત્યારે સરકારે કેસ પરત ખેંચવા માટે તૈયારીઓ હાથ ધરી છે.
વર્ષ 2015 માં પાટીદારોને અનામત આપવાની માંગ સાથે હાર્દિક પટેલ અને અન્ય પાટીદાર આગેવાનોનાં નેતૃત્વમાં અમદાવાદનાં GMDC મેદાન ખાતે મોટી સભા ભરાઈ હતી. જે બાદ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં કેટલાકનાં મોત પણ થયાં હતાં.
આ તોફાનો બાદ સરકારે કુલ 485 કેસ નોંધ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 228 જેટલા કેસ રદ કરવામાં આવ્યા છે, જ્યારે 140 થી વધુ કેસ પેન્ડિંગ છે.

Source link