ગુજરાતમાં 12-14 વર્ષના બાળકોના રસીકરણ અભિયાનનો પ્રારંભ, 22 લાખથી વધુ બાળકોને અપાશે વેક્સીન!

 

ગાંધીનગરઃ 12થી 14 વર્ષના બાળકોને આજથી રસી આપવાનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકોના રસીકરણ અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો છે. આ વયજુથમાં આવતા રાજ્યના કુલ 22 લાખથી વધુ બાળકોને કોર્બેવેક્સ વેક્સિન આપવામાં આવશે. નવા સત્રનો પ્રારંભ થવાના સમયે જ ચોથી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે બાળકોને રસી કવચ મળવાથી તેઓ સુરક્ષિત થશે. મુખ્યમંત્રીએ રસી લેવા માટે આવેલા બાળકો સાથે હળવી ગમ્મત કરતા પણ જોવા મળ્યા હતા. રસી માટે આવતા બાળકો સાથે તેઓ કહેતા હતા કે રસી લેતી વખતે ડર તો નથી લાગતોને.. ડર રાખવાની જરુર નથી.

રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયા સમક્ષ વાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કોરોના સામે લડવા માટે તબક્કાવાર રસીકરણ અભિયાનનો કરવામાં આવ્યા છે જેમાં આજથી 12થી 14 વર્ષના બાળકો માટે ફ્રી રસીકરણ અભિયાનની શરુઆત કરવામાં આવી છે. ગુજરાતમાં આ ઉંમરના લગભગ 22.63 લાખ બાળકોને રસીકરણ અભિયાન હેઠળ સમાવી લેવાશે.

આરોગ્ય વિભાગના મુખ્ય અધિક સચિવ મનોજ અગ્રવાલ પણ રસીકરણ અભિયાનના પ્રારંભ દરમિયાન ઉપસ્થિતિ રહ્યા હતા. એવી વિગતો મળી રહી છે કે આ ગ્રુપના બાળકોને ઝડપથી રસી આપવામાં આવે કે જેથી તેમને કોરોના સામે રક્ષણ મળી રહે. 22 લાખ 12થી 14 વર્ષના બાળકોને રસી આપવા માટે આજે 2000 જેટલા કેન્દ્રો ઉભા કરવામાં આવશે.

12-14 વર્ષના બાળકોના રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યા મુખ્યમંત્રીએ બાળકો સાથે વાત કરી

મનોજ અગ્રવાલે જણાવ્યું કે, 12થી 14 વર્ષના બાળકોને આપવામાં આવનારી રસી સંપૂર્ણ રીતે ભારતીય છે. આ સાથે 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો છે તે તમામને બુસ્ટર ડોઝ આપની મંજૂરી આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે. અગાઉ માત્ર 60 વર્ષથી ઉપરના કોમોર્બિડ નાગરિકો હોય તેમને જ રસી આપવામાં આવતી હતી. હવે 60 વર્ષથી ઉપરના તમામ લોકો બૂસ્ટર ડોઝ લઈ શકશે અને રાજ્યમાં આ નાગરિકોને સંખ્યા 71 લાખ જેટલી થાય છે.

12થી 14 વર્ષના બાળકો રસી કઈ રીતે લઈ શકે તે અંગે વાત કરતા મનોજ અગ્રવાલે જણાવ્યું કે, બાળકો જે સ્કૂલમાં ભણતા હોય ત્યાં જઈને રસીકરણ કરવામાં આવશે, આ સિવાય વેક્સીનેશન સેન્ટર જે ઉભા કરવામાં આવ્યા છે તે પણ ચાલુ રહેશે. તેમણે જણાવ્યું કે આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના પ્રયાસ કરાશે. જેથી બાળકોને કોરોના સામે લડવા માટે સુરક્ષા કવચ મળે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં આ વર્ગના બાળકો માટે 2થી 2.5 હજાર સેન્ટર ઉભા કરાયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી 12થી 14 વર્ષના બાળકોના રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

Source link