ગુજરાતમાં હોળી પછી પણ ગરમી ઓછી નહીં થાય, ત્રણ દિવસ ઓરેન્જ અને યલો એલર્ટ!

 

અમદાવાદઃ હોળી પછી ગરમીમાં ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરાઈ હતી પરંતુ હજુ ચાલુ અઠવાડિયા દરમિયાન લોકોએ ગરમીનો મારો સહન કરવો પડશે. અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી પર પહોંચી ગયું છે. આ સિવાય રાજ્યના ઘણાં ભાગોમાં લઘુત્તમ તાપમાનનો આંકડો 41 ડિગ્રીએ પહોંચી ગયો છે. આજે અને આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરી છે. જેમાં આજે ધૂળેટીના દિવસે રાજ્યના ઘણાં ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે જેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહેશે જેમાં રાજકોટવાસીઓએ ભારે ગરમી સહન કરવી પડશે. આજે એક તરફ ધૂળેટીનો તહેવાર છે ત્યારે લોકો બહાર નીકળી રહ્યા છે અને એમાં હવામાન વિભાગે લોકોને સીધા સૂર્ય પ્રકાશમાં બહાર ના જવાની સૂચના આપી છે. આ સાથે લોકોને ડિહાઈડ્રેશનથી બચવાના ઉપાય કરવા માટે પણ જણાવ્યું છે.

આજે ઓરેન્જ એલર્ટ અને આગામી બે દિવસ રાજ્યોના ઘણાં જિલ્લાઓમાં યલો એલર્ટ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા તથા સૌરાષ્ટ્રના અમરેલી, પોરબંદર, જામનગર, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. અહીં સળંગ બે દિવસ યલો એલર્ટ રહેવાની આગાહી કરી છે.

હવામાન વિભાગની ઓલરેન્જ અને યલો એલર્ટ સાથે લોકોને ફરી એકવાર સાવધાની રાખવાની સલાહ એક્સપર્ટ્સ દ્વારા આપવામાં આવી છે. આ દરમિયાન બહાર નીકળતી વખતે હળવા રંગના સૂતરાઉ કપડા પહેરવા અને માથું ઢંકાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું છે. આ સિવાય તાજેતરમાં જન્મેલા બાળકો અને ઘરડી તથા બીમાર લોકોની કાળજી રાખવા માટે જણાવ્યું છે.

હોળીના દિવસે ગુજરાતમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન અમદાવાદ અને કંડલાનું નોંધાયું હતું. આ સિવાય ગાંધીનગર, ભૂજ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, કેશોદ, ડીસામાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચ્યો હતો.

Source link