ગુજરાતમાં હાલ ચૂંટણી યોજાય તો AAPને 50થી 60 બેઠકો મળવાનો આઈબીનો સર્વે હોવાનો દાવો

 


અમદાવાદ:
ગુજરાતમાં રાજકીય પક્ષોએ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP) પણ પંજાબની જેમ ગુજરાતમાં મોટો ઉલટફેર કરવાના ઈરાદે મેદાનમાં ઉતરી ગઈ છે. ગત શનિવારે જ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અમદાવાદમાં રેલી યોજીને સંકેત આપી દીધો હતો કે આ વખતની ગુજરાતની ચૂંટણીમાં તે કોઈ કચાસ રાખવા માગતા નથી. દરમિયાનમાં ‘આપ’ના ગુજરાતના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ ડો. સંદીપ પાઠકના આગમન સાથે પક્ષની સંગઠનને લગતી તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ એક સરકારી ઈન્ટેલીજન્સ રિપોર્ટનો હવાલો આપીને દાવો કર્યો છે કે, ખુદ સરકારના સર્વેમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ ચૂંટણી યોજાય તો આપને 50થી 60 બેઠકો મળવાની શક્યતા છે.

સોમવારે અમદાવાદ આવેલા પ્રભારી ડો. સંદીપ પાઠક અને પક્ષના પ્રમુખ ગોપાલ ઈટાલીયા બંનેએ કહ્યું કે, હવે તેમનો ટાર્ગેટ વિધાનસભામાં બહુમતી મેળવવાનો છે.

ડો. સંદીપ પાઠકે દાવો કર્યો કે, ગુજરાતમાં જનતા પરિવર્તન ઈચ્છે છે. છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે અને આ પક્ષે જે કંઈ કરવાનું હતું તે કરી લીધું છે અને તેથી હવે રાજ્યની જનતાને વિકલ્પ મળતા જ આમ આદમી પાર્ટીને મત મળશે તે ચોક્કસ છે.

પક્ષ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, ‘ઈન્ટેલીજન્સ સર્વે અને પાર્ટી પોતે સર્વે કરી રહી છે, તે બંને સર્વેના માધ્યમથી ખુશી થાય એવા સમાચાર મળ્યા છે કે, આજની તારીખમાં આમ આદમી પાર્ટીને 55થી 60 બેઠકો મળે છે. આવનારા દિવસોમાં આવા ઘણા સર્વે અલગ-અલગ જગ્યાએ પક્ષને મજબૂત કઈ રીતે કરી શકાય તે માટે પાર્ટીના ચાણક્ય કહેવાય એવા ડો. સંદીપ પાઠકના નેતૃ્ત્વમાં અમે કરવાના છીએ.’ તેમણે કહ્યું કે, સર્વેના આધાર પર ભાજપ ડરી ગયો છે. 27 વર્ષથી સત્તા પર હોવા છતાં તે આમ આદમી પાર્ટીનો વિરોધ કરે છે.

આમ આદમી પાર્ટીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમાં દાવો કર્યો હતો કે, આઈબીના રિપોર્ટ મુજબ ગુજરાતમાં આજે ચૂંટણી થાય તો પક્ષને 50થી 60 બેઠકો મળી રહી છે.

Source link