ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનું મોટાભાગનું કામ થઈ ગયું, અત્યાર સુધી કુલ ₹2935 કરોડનું વળતર ચૂકવાયું!

અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરુ થવાની જાહેરાત થઈ ત્યારથી લોકોમાં આતુરતા છે કે આ ટ્રેન શરુ ક્યારે થશે. બુલેટ ટ્રેનના કામમાં જમીન સંપાદનને કારણે વિવાદ પણ સર્જાયો હતો, જેના કારણે આ કામગીરી ધીમી પડી ગઈ હતી. પરંતુ ગુજરાતની વાત કરીએ તો અહીં જમીન સંપાદનનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. ગુજરાત વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર જમીન સંપાદનની કામગીરી લગભગ સમાપ્ત થઈ ગઈ છે અને તેના માટે કરોડો રૂપિયાની વળતરની રકમ પણ ચૂકવાઈ ગઈ છે. અમદાવાદ શહેર અને જિલ્લાની જ વાત કરીએ તો અહીં અત્યાર સુધી કુલ 1108.45 કરોડ રુપિયા જમીન સંપાદન પેટે માલિકોને ચૂકવવામાં આવ્યા છે. ગુજરાતના કુલ પાંચ જિલ્લામાં કુલ 2935.85 કરોડ રુપિયા વળતર પેટે આપવામાં આવ્યા છે તેવી જાણકારી સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના રાકેશ શાહ દ્વારા અમદાવાદ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અને વળતરની સ્થિતિ અંગે માહિતી માંગવામાં આવી હતી. આ પ્રશ્નના લેખિત ઉત્તરમાં મહેસૂલ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દસ્ક્રોઈ, સાબરમતી, ઘાટલોડિયા, વટવા અને અસારવામાં કુલ મળીને 27-15-17 હેક્ટર ચોરસ મીટર ક્ષેત્રફળ જમીન સંપાદન કરવાની હતી. ડિસેમ્બર 2021 સુધી 26-43-14 હેક્ટર ચોરસ મીટર જમીનનું સંપાદન થઈ ગયુ હતું.

નોંધનીય છે કે તાલુકાવાર ખાતેદારોને દસક્રોઈ તાલુકામાં 58.08 કરોડ, સાબરમતીમાં 537.53 કરોડ, ઘાટલોડિયામાં 367.22 કરોડ, વટવામાં 14.42 કરોડ અને અસારવામાં 131.45 કરોડ રુપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સાબરમતીમાં સૌથી વધુ રકમ ચૂકવવામાં આવી છે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ખેડા જિલ્લામાં કુલ 99-00-97 હેક્ટર ચોરસ મીટર ક્ષેત્રફળ જમીનનું સંપાદન કરવાનુ હતું જે સંપૂર્ણપણે થઈ ગયું છે અને તેના માટે ખાતેદારોને કુલ 306.01 લાખ કરોડ રુપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે.

વડોદરા જિલ્લાની વાત કરીએ તો અહીં અત્યાર સુધી 882.79 કરોડ રુપિયા વળતર ચૂકવવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં ચાર તાલુકામાં 416.02 કરોડ રુપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધી 222.58 કરોડ રુપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે.

Source link