ગુજરાતમાં એકતરફી પ્રેમમાં વધુ એક હત્યા : ક્રૂરતાપૂર્વક ધારિયા વડે યુવતીને રહેંસી નંખાઈ!

 

ગુજરાતમાં એકતરફી પ્રેમમાં વધુ એક હત્યા : ક્રૂરતાપૂર્વક ધારિયા વડે યુવતીને રહેંસી નંખાઈ

વડોદરા: વડોદરા શહેર નજીક એક ગામની સીમમાં મંગળવારે રાત્રે એક યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે પોલીસને જાણ કરાતા જ શહેર ક્રાઈમ બ્રાંચે કેસ હાથ પર લઈને સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં બનાવના ગણતરીના કલાકોમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તૃષા રાજેન્દ્રસિંહ સોલંકી નામની મૂળ પંચમહાલની યુવતી છેલ્લા બે મહિનાથી માણેજા ખાતે આવેલ તેના મામાના ઘરે રહેતી હતી અને પોલીસની શારીરિક કસોટી પાસ કર્યા બાદ લેખિત પરીક્ષાની તૈયારી કરતી હતી. આ સિવાય તે બીકોમનો અભ્યાસ પણ કરી રહી હતી.

દરમ્યાન, મંગળવારે સવારે તે મોપેડ લઈને ટ્યુશન ગઈ હતી પરંતુ ઘરે પરત ફરી ન હતી. ત્યારબાદ મોડી સાંજે હાઈ-વે ઉપર ધનિયાવી ગામની સીમમાં તેનો મૃતદેહ પડેલો મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ મથકના પીઆઈ પટેલ અને અન્ય પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, યુવતીનું સ્કુટર હાઈ-વે પર પાર્ક કરવામાં આવ્યું હતું જ્યારે તેનો મૃતદેહ ત્યાંથી થોડે દૂર ઝાડીઓમાં મળી આવ્યો હતો. તેનાં માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારવામાં આવ્યા હતા. હત્યા એટલી ક્રૂર રીતે કરવામાં આવી હતી કે યુવતીનો એક હાથ કાપી નાંખવામાં આવ્યો હતો.

ઘટનાસ્થળેથી પોલીસને જાણવા મળ્યું હતું કે નજીકમાં કામ કરતાં મજૂરોએ ચીસ સાંભળી હતી અને પછી એક શખ્સ ઘટનાસ્થળેથી દોડતો જોવા મળ્યો હતો. મજૂરોએ કહ્યું કે તેમની પાસે ટોર્ચ જેવું સાધન ન હોવાના કારણે પીછો કરી શક્યા ન હતા. ત્યારબાદ જઈને જોતાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ નિવેદનોને આધારે અને ફરિયાદને આધારે તૃષાના નિયમિત રૂટના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ કોલ્સની ડિટેઈલ વગેરેની તપાસ શરૂ કરી હતી.
તપાસ કર્યા બાદ પુરાવાઓ મળતાં પોલીસે યુવતીના હત્યારાને પકડી પાડ્યો હતો. એકતરફી પ્રેમમાં યુવતીની હત્યા થઈ હોવાનું ખૂલ્યું છે. કલ્પેશ ઠાકોર નામના શખ્સે ધારદાર હથિયાર વડે યુવતીની હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે રાત્રે જ તેણે ઝડપી પાડ્યો હતો.

આગળની તપાસ ચાલુ

એડિશનલ પોલીસ કમિશ્નર ચિરાગ કોરડિયાએ માહિતી આપતા જણાવ્યું કે, કલ્પેશ ઠાકોરે જ યુવતીની હત્યા કરી હોવાનું કબુલ્યું છે. તે ચાર વર્ષથી યુવતીના સંપર્કમાં હતો અને તેણે પરેશાન કરતો રહેતો હતો. હત્યાના દિવસે પણ તેણે યુવતીને મળવા બોલાવી હતી અને પછી ધારિયા વડે પાછળથી હુમલો કરી દીધો હતો.
પોલીસ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું કે, આરોપી ઇલેક્ટ્રીશિયનનું કામ કરે છે અને તે યુવતીના સંપર્કમાં કઈ રીતે આવ્યો અને કયા કારણોસર હત્યા કરી તે મામલે હજુ તપાસ ચાલી રહી છે.

Source link