ખેડૂતોને વીજળીના ધાંધિયા: કોંગ્રેસના ધારાસભ્યોનો શર્ટ ઉતારી વિરોધ, વસોયાની ગૃહમાં નગ્ન થવાની ધમકી

ગાંધીનગરઃ ખેડૂતોને વીજળી આપવાના મુદ્દે મેદાનમાં ઉતરેલા કોંગ્રેસના ધારાસભ્યોએ આજે વિધાનસભાની સામે બેસીને દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ કપડા ઉતારીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ ખેડૂતોને 6 કલાક વીજળી આપવાની ખાતરી આપ્યા બાદ પણ ખેડૂતોને વીજળી ના મળવાના મુદ્દે કોંગ્રેસે આજે દેખાવો કર્યા છે. કોંગ્રેસના વિધાનસભાની અંદર પણ સૂત્રોચ્ચાર અને વિરોધના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવતા અન્ય સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. આ સાથે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ એવી પણ ચિમકી આપી કે જો વીજળીના આવા ધાંધિયા રહ્યા તો હું સંપૂર્ણ નગ્ન થઈને ગૃહમાં જઈશ.કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસ્માએ ખેડૂતો માટે પોતાનો જીવ હોમવાની પણ તૈયારી બતાવી છે.

ખેડૂતોને વીજળી આપો તેવી માગણી સાથે મેદાનમાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યોમાં લિલિત વસોયા અને વિમલ ચુડાસમાએ અર્ધ નગ્ન થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે મીડિયા સાથે વાત કરતા લલિત વસોયાએ જણાવ્યું કે, સરકાર ખેડૂતોને પૂર્ણ નગ્ન કરી રહી છે, ત્યારે અમે ખેડૂતોના પ્રતિનિધિ તરીકે પ્રતિકાત્મક રીતે ઉપરના કપડા કાઢ્યા છે. બે દિવસ વીજળીના આજ ધાંધિયા રહેશે તો હું વિધાનસભાના ગૃહમાં સંપૂર્ણ નગ્ન થઈને મર્યાદાઓ તોડીને જવાનો છું.

સરકારે 8 કલાકના બદલે 6 કલાકની વીજળી આપવાનું વચન આપ્યું તેમ છતાં તેનું પાલન ના થતાં કોંગ્રેસ દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વસોયાએ કહ્યું કે, “કૃષિ મંત્રી મીડિયા સામે કહે છે 6 કલાક વીજળી આપીશું, સૌરાષ્ટ્ર છેલ્લા 48 કલાકમાં 2 કે 3 કલાક જ વીજળી આપવામાં આવે છે. આ કારણે ખેડૂતોનું ઊભું વાવેતર સૂકાઈ જાય છે. નવું વાવેતર ગરમીના લીધે બળી રહ્યું છે. સરકારને રજૂઆતો કરીને થાક્યા છીએ માટે આજે વિધાનસભાની બહાર ધરણા કર્યા છે.” આ દરમિયાન શર્ટ ઉતારનારા વિમલ ચુડાસ્માએ કહ્યું કે, “અમે તો ખેડૂતો માટે શર્ટ કાઢ્યો છે, ખેડૂતો માટે જીવ આપવો પડે તો વિમલ ચુડાસ્મા એના માટે પણ અમે તૈયાર છે.”

ગૃહમાં પણ કોંગ્રેસ દ્વારા વીજળી મુદ્દે સરકાર વચનનું પાલન નથી કરી રહી તેવા આક્ષેપ કર્યા હતા. આ સાથે ક્ષમતા વધી હોય તો વીજળીની અછત કઈ રીતે ઉભી થાય તેવા સવાલ પણ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા.

વીજળીની અછત અંગે ભાજપે અગાઉ ગૃહમાં કોલસાની વૈશ્વિક તંગી અને તે પછી રશિયા-યુક્રેનના યુદ્ધનું કારણ રજૂ કર્યું હતું. આ સાથે ઘટ પુરી કરવા અંગેની બાંહેધરી સરકાર દ્વારા ગૃહમાં આપવામાં આવી હતી. જોકે, 10 દિવસ પછી પણ સ્થિતિ જેમની તેમ રહેતા આખરે કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં ખેડૂતોના પક્ષમાં ઉભા રહીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Source link