ખેડાઃ દલિત સમાજના લોકોને મંદિરમાં જતા અટકાવવા ધમકી અપાઈ, થઈ ફરિયાદ

ખેડાઃ દલિત સમાજના લોકોને મંદિરમાં જતા અટકાવવા ધમકી અપાઈ, થઈ ફરિયાદ

ખેડાઃ આધુનિક સમય, ટેક્નોલોજીનો યુગ, 21મી સદી આમ છતાં આજે પણ ‘વેંત છેટા’ જેવી ઘટનાઓ ગુજરાત અને દેશમાં બની રહી છે. આવી જ એક ઘટના ખેડામાં બની છે કે જ્યાં દલિતોને મંદિરમાં પ્રવેશ ના કરવા માટે ધમકી આપવામાં આવી છે. દલિત સમાજના લોકો બાધા પૂર્ણ કરવા મંદિરમાં જઈ રહ્યા હતા ત્યારે તેમનો વિરોધ કરીને મંદિરમાં પ્રવેશ મુદ્દે ધમકી આપવામાં આવી હતી. મંદિરમાં પોતાની સાથે બનેલી ઘટના અંગે દલિત સમાજના લોકોએ એકઠા થઈને એક સૂરમાં વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો હતો. આ મામલે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જ્યારે ફરિયાદમાં જેમના નામ છે તેઓ ફરાર થઈ ગયા હોવાની પણ વિગતો મળી રહી છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ ગોબલજ ગામમાં બનેલી ઘટનામાં કેટલાક લોકો બળિયાદેવના મંદિરમાં બાધા પૂર્ણ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે અન્ય સમાજના લોકો દ્વારા તેમને અટકાવીને મંદિરમાં નહીં જવાની ફરજ પાડવામાં આવી હતી. આ મામલે જો ફરી મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરશો તો માર મારીશું તેવી ધમકી પણ તેમને આપવામાં આવી હતી. આ ઘટનાથી ગભરાઈ ગયેલા લોકોએ પોલીસ સમક્ષ જઈને પોતાની સાથે મંદિર પ્રવેશ મામલે બનેલી ઘટના અંગે જાણ કરી છે.

પોતાની સાથે થયેલા અન્યાય બાબતે દલિત સમાજના લોકોએ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં ચાર લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ હેઠળ ફરિયાદ નોંધાવી છે. મળતી વિગતો પ્રમાણે પોલીસ ફરિયાદ થતા ધમકી આપનારા ચાર લોકો ફરાર થઈ ગયા છે અને પોલીસે તેમને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

‘અમારા મંદિરમાં આવવાનું નહીં!

પીડિતે આ ઘટના અંગે જણાવ્યું કે, રવિવારનો દિવસ હતો ત્યારે મંદિરમાં ઠંડું ખાવા માટે ગયા હતા, આ પછી અન્ય સમાજના લોકોએ મીટિંગ કરીને અમને જણાવ્યું કે તમારે અમારા મંદિરમાં આવવાનું નહીં. આ પછી ગામના દલિત સમાજના લોકોએ એકઠા થઈને તેમની સાથે બનેલી ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ તેમણે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ સોમવારે ફરિયાદ નોંધાવી છે.

Source link