ખંભાતમાં પણ રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, ભારે તંગદીલી છવાઈ!

 

ખંભાતઃ દેશ અને રાજ્યમાં આજે રામનવમીની ઉજવણી ચાલી રહી છે. રામનવમીને લઈ ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના બે અલગ અલગ વિસ્તારમાં નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. પહેલાં સાબરકાંઠાના છાપરીયા ગામમાં શોભાયાત્રા પર પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ થઈ હતી. એના થોડા સમય બાદ ખંભાતના શક્કરપુરમાં નીકળેલી રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો (stone pelting on ram navmi procession) થયો હતો. જે બાદ અહીં ભારે અફરાતફરી સર્જાઈ હતી. જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો  ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બાદમાં પોલીસે ભારે જહેમત બાદ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. એવા રિપોર્ટ સામે આવ્યા છે કે, બે જૂથ વચ્ચે અથડામણ થયા બાદ શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. જો કે, હાલ શક્કરપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસબળ તૈનાત કરી દેવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રામનવમી નિમિત્તે ખંભાતમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી અને શક્કરપુર વિસ્તારમાં પહોંચી હતી. બરાબર આ જ સમયે અજાણ્યા ટોળા દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જો કે, શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કાફલો હોવાથી સ્થિતિ વધુ વણસે એ પહેલાં જ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા સ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, હજુ પણ આ વિસ્તારમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. બીજી તરફ, જે લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો એ લોકો વિરૂદ્ધ પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સાબરકાંઠામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા

હિંમતનગરમાં પણ શોભાયાત્રા પર પથ્થરમારો
હિંમતનગરના છાપરીયા ગામમાં પણ રામનવમીની જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગ રુપે છાપરીયા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. એ સમયે કેટલાંક અસામાજીક તત્વો દ્વારા શોભાયાત્રા પર ભારે પથ્થમારો કરવામાં આવ્યો હતો અને વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવ્યો હતો. પથ્થરમારો અને તોડફોડ બાદ સમગ્ર વિસ્તારમાં તંગદીલી છવાઈ હતી. શોભાયાત્રા પર પથ્થરમારો થતો ભક્તોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ, જાણ થતા હિંમતનગર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બાદમાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

Source link

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here