કોર્ટે બતાવ્યો પાવર, સિનિયર પોલીસ અધિકારીને સાત દિવસ માટે જેલભેગા કરી દીધા!

 

7 Days Jail to SP: નાગપુરઃ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે બુધવારે સેન્ટ્રલ જેલના એસપી અનુપ કુમરેને સાત દિવસની જેલની સજા સંભળાવી છે. કોર્ટની અવમાનના આરોપ બદલ સેન્ટ્રલ જેલના એસપીને આ સજા સંભળાવવામાં આવી છે. એસપી વિરુદ્ધ 41 જેટલાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના કેસ હતા. અને હાલના વર્ષોમાં કોઈ એસપીને આ પ્રકારે સજા સંભળાવવામાં આવી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

જસ્ટિસ દેશપાંડે અને અમિત બોરકારની ડિવિઝન બેંચ દ્વારા જેલના એસપીને દોષી જાહેર કરવામાં આવ્યા હતા. કોરોનાકાળ દરમિયાન એસપી દ્વારા જેલમાં બંધ અને યોગ્યતા ધરાવતાં 35 કેદીઓને પેરોલ પર મુક્ત ન કરતાં, એવાં છ કેદીઓને મુક્ત કર્યાં હતા, જે પાત્રતા ધરાવતા ન હતા. આ ઉપરાંત કોર્ટ દ્વારા એસપીને 5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા માટે તેઓને 10 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.

હનુમન પેંડમની અરજી ઉપર હાઈકોર્ટે આ ચુકાદો સંભળાવ્યો હતો. અગાઉ પેરોલમાંથી ભાગી જવાનો હવાલો આપી એસપી દ્વારા હનુમનની પેરોલ અરજી ફગાવી દેવામાં આવી હતી. કોરોના મહામારીને કારણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા કેદીઓને પેરોલ પર મુક્ત કરવા માટેનો અસ્થાયી નિર્ણય કરવામાં આવ્યો હતો.

જેલતંત્ર દ્વારા પેરોલની અરજી ફગાવી દીધા બાદ હનુમન દ્વારા કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા. જે બાદ હાઈકોર્ટ દ્વારા કેસનો અભ્યાસ કરવા માટે અને કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવા માટે એમિક્સ ક્યુરી તરીકે ફિરદોસ મિર્ઝાની નિમણૂક કરવામાં આવી હતી. ફિરદોસ દ્વારા જણાવવામાં આવ્યું કે, એસપી દ્વારા અગાઉ પેરોલ જમ્પ કરનાર અનેક કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. સુરેશ ભોયરના કેસની દલીલ આપતાં તેઓએ કહ્યું કે, સાત દિવસ સુધી પેરોલ જમ્પ કરવા છતાં પણ તેને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો.

એસપીની એફિડેવિટમાં અનેક વિસંગતતાઓ હોવાને કારણે હાઈકોર્ટે પોલીસ કમિશનર અને એડિશનલ ચીફ સેક્રેટરી (જેલ અને પ્રિઝન)ને ડિપાર્ટમેન્ટ ઈન્કવાયરીના આદેશ આપ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચિન્મય પંડિત દ્વારા પોતાની એફિડેવિટમાં જણાવ્યું હતું કે, 35 યોગ્યતા ધરાવતા કેદીઓને મુક્ત ન કરતાં, અપાત્રતા ધરાવતાં 6 કેદીઓને મુક્ત કરીને એસપી દ્વારા હાઈકોર્ટના ઓર્ડરની અવમાનના કરવામાં આવી છે.

Source link