કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં હાર્ટ અટેકનું પ્રમાણ વધ્યું, ડૉક્ટરો ટેન્શનમાં!

 

કોલકાતાઃ કોરોનાની ત્રીજી લહેરમાં (Corona Third Wave)હવે એક નવો ખતરો સામે આવી રહ્યો છે. કોરોનાથી સાજા થયા બાદ પણ હવે અનેક કેસોમાં દર્દીઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ (Heart Attack After Covid Recovery) વધતાં ડૉક્ટરો ટેન્શનમાં મુકાઈ ગયા છે. કોરોનાની રિકવરી બાદ દર્દીઓમાં એકાએક હાર્ટ એટેક આવી રહ્યો છે, અથવા રિકવરી દરમિયાન દર્દીઓને હૃદય સંબંધી બીમારીઓ થઈ રહી છે. કોરોના મહામારી (Covid Pandemic) દરમિયાન હવે દર્દીઓના હાર્ટને પણ અસર પહોંચવાને કારણે ડૉક્ટરોએ તારણ કાઢ્યું છે કે વાયરસને કારણે હાર્ટ સંબંધી બીમારીઓ થઈ શકે છે.

કોરોનાથી રિકવર થયાના છ મહિના બાદ પણ હાર્ટ એટેક આવ્યો
તજજ્ઞોએ જણાવ્યું છે કે, વાયરસના સંપર્કમાં આવ્યા બાદના એકથી પાંચ અઠવાડિયાની અંદર કોરોના દર્દીઓમાં અચાનક હાર્ટ એટેક આવવો એ એક સામાન્ય બાબત છે. પણ અમુક કિસ્સાઓ એવા પણ છે કે જેમાં કોરોનાથી રિકવર થયા બાદના છ મહિના બાદ પણ દર્દીઓને હાર્ટ એટેક આવ્યો હોય. અને અનેક નોંધપાત્ર કેસોમાં દર્દીઓનાં મોત નિપજ્યા હોય તેવું પણ સામે આવ્યું છે. ‘નેચર મેડિસિન’ જનરલમાં કોરોના કેસોના વિશ્લેષણના આધારે એક રિપોર્ટ પબ્લિશ કરીને જણાવવામાં આવ્યું છે કે, કોરોનાથી રિકવર થયા બાદ દર્દીઓમાં હાર્ટ એટેક આવવાની સંભાવના 55 ટકા સુધી વધી જાય છે.

હૃદયની કોઈ બીમારી ન હોવા છતાં પણ કોરોના બાદ આવ્યો હાર્ટ એટેક
કોલકાતામાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાથી સાજા થયા બાદ 47 વર્ષીય દર્દી પોતાના ઘરે પહોંચ્યો હતો. ઘરે પહોંચ્યાના પાંચ દિવસ દર્દીને ગંભીર હાર્ટ એટેક આવ્યો હતો. ગત એપ્રિલમાં કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થયાના પાંચ દિવસમાં 50 વર્ષીય એક લેખકનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું હતું. અને બંને દર્દીઓમાં અગાઉ કોઈપણ પ્રકારની હૃદયની બીમારીઓ ન હતી.

વૃદ્ધો અને કોમોર્બિડ દર્દીઓ જ નહીં પણ યુવા દર્દીઓમાં પણ હાર્ટ એટેકનું જોખમ
હોસ્પિટલો અને ડૉક્ટરોના જણાવ્યા અનુસાર જાન્યુઆરીમાં આવેલી કોરોનાની ત્રીજી લહેરમાં પોસ્ટ કોવિડ હાર્ટ એટેકની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. પણ મોટી સંખ્યામાં વૃદ્ધો અને કો-મોર્બિડ સાથેના કોરોના દર્દીઓમાં હજુ પણ હૃદયને સંબંધી બીમારીઓ જોવા મળી રહી છે, એટલું જ નહીં પણ અનેક યુવા દર્દીઓ કે જેઓને કોરોના પહેલાં કોઈપણ પ્રકારની હૃદયની બીમારીઓ ન હતી તેઓને પણ હાર્ટ સંબંધી બીમારીઓ જોવા મળી રહી છે.

ત્રીજી લહેરમાં કોરોના દર્દીઓમાં હાર્ટ સંબંધી બીમારીઓમાં ઘટાડો જોવા મળ્યો
મેડિકા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના કાર્ડિયાક સર્જન અને વાઈસ ચેરમેન કુનાલ સરકારે જણાવ્યું કે, પ્રથમ લહેરમાં આલ્ફા વેરિયન્ટે મોટા ભાગના કોવિડ દર્દીઓના હૃદયને અસર પહોંચાડી હતી. પ્રથમ લહેરમાં મોટા ભાગના કોરોના દર્દીઓમાં લંગ ટિશ્યુને અસર થઈ હતી. અને તેઓમાં હાર્ટ સંબંધી બીમારીઓ જોવા મળી હતી, અને તેને કારણે અચાનક હાર્ટ એટેક આવવાથી મોત પણ નિપજ્યા હતા. પણ તેમાંના મોટા ભાગના કેસોમાં સારવાર બાદ દર્દીઓનો બચાવ થયો હતો. પણ બીજી લહેરમાં પ્રથમ લહેર કરતાં ઓછા દર્દીઓમાં કાર્ડિયાક ઈશ્યુ જોવા મળ્યા અને હાર્ટની બીમારીઓ પણ ઘટી ગઈ હતી. અને ઓમિક્રોનને કારણે આવેલી ત્રીજી લહેરમાં તો કેસોમાં અગાઉની બે લહેર કરતાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, તે એકદમ હળવો હતો અને ફક્ત ઉપરના એરવેઝને અસર પહોંચાડતો હતો. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે, બીજી લહેરમાં કોરોનાથી રિકવર થયેલાં દર્દીઓ ફાસ્ટ હાર્ટ રેટથી પીડિત બન્યા છે. યુવાઓ કરતાં વૃદ્ધોને વધારે અસર કરી છે.

કોલકાતાની મનિપાલ હોસ્પિટલના ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટના સીનિયર કન્સલ્ટન્ટ પી.એસ. બેનર્જીએ કહ્યું કે, કોરોના મહામારીના અગાઉની સમયની સરખામણીમાં કોરોનાથી રિકવર થયા બાદ દર્દીઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. કોરોના વાયરસને કારણે લોહીની ગાંઠો થઈ જવાને કારણે હાર્ટ એટેકેના કેસોમાં અનેકગણો વધારો જોવા મળ્યો છે, અને તેને કારણે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે. કોમોર્બિડ દર્દીઓમાં તો વાયરસને કારણે હાર્ટ એટેકનું જોખમ વધારે રહેલું જ છે, પણ સાથે સાથે યુવા દર્દીઓ કે જેઓને અગાઉ કોઈપણ પ્રકારની હાર્ટ સંબંધી બીમારીઓ નથી તેઓને પણ હાર્ટ એટેકનું તેટલું જ જોખમ રહેલું છે.

કોરોનાથી રિકવર થયા બાદ એક વર્ષ સુધી સંપૂર્ણ ચેક અપ કરાવવું જોઈએ
આ ઉપરાંત ડૉ. બેનર્જીએ એમ પણ જણાવ્યું હતું કે, કોરોનાથી રિકવર થયા બાદ છ મહિના કે એક વર્ષ સુધી સંપૂર્ણ ચેક અપ કરાવવું જોઈએ. કોમોર્બિડ દર્દીઓમાં હાર્ટ સંબંધી બીમારીઓ થવાનું જોખમ સૌથી વધારે છે અને સાથે સ્વસ્થ લોકોમાં પણ હાર્ટ રિલેટેડ બીમારીઓ જોવા મળી રહી છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવો એ કોઈપણ ઉંમર સાથે સંકળાયેલો નથી. હાર્ટ એટેક અને બીમારીઓની વાત કરવામાં આવે તો અન્ય વેરિયન્ટ કરતાં ડેલ્ટા વેરિયન્ટ સૌથી જોખમી હતી. અને તેને કારણે તે ખુબ જ જરૂરી છે કે શ્વાસ લેવામાં તકલીફ પડવી અથવા છાતીમાં દુઃખાવો થવા જેવા લક્ષણો પણ ચાંપતી નજર રાખવી જોઈએ અને તેના માટેના જરૂરી ટેસ્ટ પણ કરાવવા જોઈએ.

Source link