કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ : ઉત્તર ગુજરાતના વધુ એક ધારાસભ્ય છેડો ફાડી ભાજપમ!

ગુજરાત ડેસ્ક: ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી આવે કે મોડી પરંતુ કોંગ્રેસ માટે બંને સ્થિતિમાં કપરાં ચડાણ છે કારણ કે એક પછી એક પાર્ટીના નેતાઓ સાથ છોડી રહ્યા છે. બીજી તરફ પાર્ટી છોડનારામાંથી મોટાભાગના ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હવે સમાચાર મળી રહ્યા છે કે ઉત્તર ગુજરાતમાંથી કેટલાંક નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે, જેમાં એક કોંગ્રેસી ધારાસભ્યનાં નામની પણ ચર્ચા ચાલી રહી છે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પરનાં કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પાર્ટીથી નારાજ હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. આ સંજોગોમાં ગમે ત્યારે તેઓ પાર્ટી છોડી શકે તેવી અટકળો વહેતી થઈ છે.

આદિવાસી સંમેલનમાં ગેરહાજર રહ્યા

ગઈકાલે કોંગ્રેસ પાર્ટીએ તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મામલે ગાંધીનગર ખાતે આદિવાસી સંમેલન આયોજિત કર્યું હતું. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો તેમજ નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં અશ્વિન કોટવાલ પાર્ટીના આદિવાસી નેતા હોવા છતાં તેમની ગેરહાજરી હતી. જેના કારણે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વિધાનસભામાં વિપક્ષ નેતા નહીં બનાવવામાં આવતા અશ્વિન કોટવાલ નારાજ ચાલી રહ્યા છે અને છેલ્લા બે દિવસથી કોટવાલ કોંગ્રેસના નેતાઓના ફોન ઉપાડી રહ્યા નથી. નોંધવું જોઈએ કે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષ નેતાના નામની ચર્ચામાં આદિવાસી નેતા તરીકે અશ્વિન કોટવાલનું નામ પણ ચાલી રહ્યું હતું, પરંતુ આખરે જગદીશ ઠાકોરને પ્રમુખ અને સુખરામ રાઠવાને વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા હતા.

અન્ય સંસ્થાઓના આગેવાનો પણ જોડાય તેવી ચર્ચા

અશ્વિન કોટવાલ કોંગ્રેસથી નારાજ હોય તો તેનો ફાયદો ભાજપ ઉઠાવી શકે છે. જોકે, આ અંગે કોંગ્રેસ, ભાજપ કે ખુદ ધારાસભ્ય અશ્વિન કોટવાલ તરફથી કોઈ અધિકારીક નિવેદન આવ્યું નથી.
ધારાસભ્ય સાથે સાબર ડેરી અને માર્કેટ યાર્ડ સહિતની સંસ્થાઓના કેટલાંક ડિરેક્ટરો પણ ભાજપમાં જોડાઈ શકે તેવી વાતો વહેતી થઈ છે. આ સંજોગોમાં કોંગ્રેસ માટે ઉત્તર ગુજરાત બચાવવું અઘરું થઈ પડે તેમ છે.

કોંગ્રેસે સંગઠન માળખું જાહેર કર્યું

બીજી તરફ, કોંગ્રેસે સંગઠન બચાવવા કવાયત હાથ ધરી છે અને જેના અનુસંધાને હાઈકમાન્ડે 75 મંત્રીઓ અને 25 ઉપપ્રમુખોની વરણી કરી હતી. જોકે, તે બાદ પણ ક્યાંક અસંતોષ ઉભો થાય તેવી શક્યતાઓ છે.

Source link