કોંગ્રેસમાં ઘમાસાણ: ગુલામ નબી આઝાદના ઘરે મળ્યા G-23 જૂથના નેતાઓ!

 

નવી દિલ્હી: કોંગ્રેસના જી-23 જૂથના નેતાઓએ બુધવારે બેઠક કરી પાર્ટીની હાલની સ્થિતિ અને આગળની રણનીતિ પર ચર્ચા કરી. રાજ્યસભાના વિપક્ષના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદના ઘરે મળેલી આ બેઠકમાં કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનીષ તિવારી, શશિ થરૂર અને ઘણા અન્ય નેતા સામેલ થયા. સૂત્રોનું કહેવું છે કે, જી-23ના નેતાઓએ ઘણા એવા નેતાઓને પણ આમંત્રણ આપ્યું હતું, જે આ જૂથનો ભાગ નથી, પરંતુ પાર્ટીની અંદર પરિવર્તન ઈચ્છે છે.

જી-23ના નેતાઓની આ બેઠકના ત્રણ દિવસ પહેલા ગત રવિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક મળી હતી, જેમાં પાર્ટી નેતાઓએ સોનિયા ગાંધી (Sonia Gandhi)ના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમને આગ્રહ કર્યો હતો કે, તેઓ કોંગ્રેસને મજબૂત કરવા જરૂરી પગલાં ઉઠાવે. કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓના આ જૂથે પોતાની સક્રિયતા એવા સમયે વધારી છે, જ્યારે પાર્ટીને તાજેતરની પાંચ રાજ્યોની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ બેઠક એ દ્રષ્ટિએ પણ મહત્વની થઈ જાય છે કે, રવિવારે સીડબલ્યુસીની બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ યુવાનો પર ફોકસ કરવાની વાત કરી હતી અને જી-23માં મોટાભાગના નેતાઓ મોટી ઉંમરના છે. એ રીતે રાહુલ ગાંધીની યુવાનો પર ફોકસ કરવાની વાતને એક રીતે આ ગ્રુપ પર કટાક્ષ તરીકે જોવામાં આવી રહી હતી.

જી-23ના અગ્રણી સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબલ (Kapil Sibbal)એ એક ઈન્ટર્વ્યુમાં કહ્યું હતું કે, ગાંધી પરિવારે કોંગ્રેસનું નેતૃત્વ છોડી દેવું જોઈએ અને કોઈ અન્યને તક આપવી જોઈએ. તેમના આ નિવેદનને લઈને કોંગ્રેસની દિલ્હીના ચાંદની ચોક જિલ્લા યુનિટે બુધવારે એક પ્રસ્તાવ પસાર કરી પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને અનુરોધ કર્યો હતો કે, તેઓ પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ થવા બદલ સિબલ સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરે. સિબલ ચાંદની ચોક વિસ્તારમાંથી સાંસદ રહી ચૂક્યા છે.

કોંગ્રેસમાં મોટા પરિવર્તનની માગ કરી રહેલા આ જૂથ પર ગાંધી પરિવારના નેતાઓએ પણ નિશાન સાધવાનું વધારી દીધું છે. કોંગ્રેસના સીનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ બુધવારે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક પછી પણ જી-23 જૂથના નેતા વારંવાર બેઠકો કરી પાર્ટીને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, આખી કોંગ્રેસમાં કોઈપણ પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીને કોઈ નબળાં કરી શકે તેમ નથી અને પાર્ટીના બધા લોકો તેમની સાથે છે.

Source link