કોંગ્રેસના ભીલોડાના MLA ડૉ. અનિલ જોશીયારાનું કોરોનાની લાંબી સારવાર બાદ નિધન!

 

અમદાવાદઃ કોંગ્રેસના ધારાસભ્ય ( MLA) ડૉ. અનિલ જોશીયારા (Dr. Anil Joshiyara)નું કોરોનાની લાંબી સારવાર બાદ નિધન થયુ છે. ડૉ. અનિલ જોશીયારાને કોરોના થતા તેઓ ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. અનિલ જોશીયારાનું 69 વર્ષની વયે નિધન થયુ છે. ડૉ. અનિલ જોશીયારા ભીલોડાના ધારાસભ્ય હતા. તેઓના અગ્નિ સંસ્કાર વતન ભીલોડામાં કરવામાં આવશે. મહત્વનું છે કે, કોરોનાની ત્રીજી લહેર દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્ય ડૉ. અનિલ જોશીયારા કોરોનાથી સંક્રમિત થાય હતા. જાન્યુઆરી મહિનાના અંતમાં ડૉ. અનિલ જોશીયારાની તબિયત લથડતા તેઓને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ડૉ. અનિલ જોશીયારાની તબિયત વધુ લથડતા તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બાદમાં ડૉ. અનિલ જોશીયારાને વધુ સારવાર માટે ચેન્નઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચેન્નઈ ખાતે લાંબી સારવાર ચાલ્યા બાદ આજે બપોરે ડૉ. અનિલ જોશીયારાનું નિધન થયુ હતુ. જે બાદ તેમના પરિવાર સહિત કોંગ્રેસમાં પણ શોકનો માહોલ જોવા મળ્યો હતો. ડૉ. અનિલ જોશીયારાના નિધન બાદ યુથ કોંગ્રેસની તાલીમ શિબિરમાં તેઓને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ડૉ. અનિલ જોશીયારા ભીલોડા વિધાનસભા સીટના ધારાસભ્ય હતા. સાથે જ તેઓ ગુજરાતના પૂર્વ આરોગ્યમંત્રી પણ હતા. બીજી મહત્વની વાત એ છે કે, ડૉ. અનિલ જોશીયારા 1995થી અત્યાર સુધી ભીલોડા વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. એટલું જ નહીં ડૉ. અનિલ જોશીયારાએ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ગૃહનું સંચાલન પણ કર્યુ હતુ.

ડૉ. અનિલ જોશીયારાના જીવન વિશે
ડૉ. અનિલ જોશીયારાનો જન્મ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના ચુનાખાણ ગામમાં 24 એપ્રિલ 1952ના રોજ થયો હતો. તેમની પત્નીનું નામ યમુનાબહેન છે. સંતાનમાં તેઓને એક પુત્ર અને બે પુત્રીઓ છે. તેઓએ એમબીબીએસ અને એમએસ (જનરલ સર્જન)નો અભ્યાસ પણ કરેલો છે. ખેતી, દાક્તરી અને સમાજસેવામાં તેઓએ પોતાનું જીવન વિતાવ્યુ હતુ. તેમને વાંચન અને રમતગમતનો શોખ હતો.

સંસદીય કારકિર્દી
સંસદીય કારકિર્દીની વાત કરવામાં આવે તો નવમી વિધાનસભા દરમિયાન 1995-97 સુધી તેઓ સાંસદ રહ્યા હતા. આ સિવાય 1995-96માં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રહ્યા હતા. ઉપરાંત 1997-98માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી પણ રહી ચૂક્યા છે. એ પછી અગિયારમી ગુજરાત વિધાનસભા દરમિયાન 2002-07 સુધી સાંસદ રહ્યા હતા. બારમી ગુજરાત વિધાનસભા દરમિયાન 2007થી 2012 સુધી પણ તેઓ સાંસદ રહ્યા હતા. તેરમી ગુજરાત વિધાનસભા દરમિયાન 2012-17 સુધી તેઓ સાંસદ રહ્યા હતા.

અન્ય પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા હતા
આ સિવાય ડૉ. અનિલ જોશીયારા 10 વર્ષ સુધી સાબર યુવા વિકાસ મંડળ અને મેડિકલ એસોસીએશન તથા અરૂણોદય યુવક મંડળના પૂર્વ સભ્ય પણ રહી ચૂક્યા છે. વર્ષ 1984-94 દરમિયાન તેઓએ સુપ્રીટેન્ડન્ટ અને સિવિલ સર્જન તરીકે હોસ્પિટલોમાં ફરજ બજાવી હતી. સાથે જ સરકારના કુટુંબ નિયોજન જેવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં 10 વર્ષ સુધી સેવાઓ આપી હતી. આ સિવાય લાયન્સ ક્લબ દ્વારા યોજાતા ડાયોગ્નોસ્ટિક કેમ્પ સાથે પણ સંકળાયેલા હતા. એટલું જ નહીં ડૉ. અનિલ જોશીયારા ડુંગરી ગરાસિયા સેવા સમાજ ટ્રસ્ટના હોદેદ્દાર અને સામાજીક તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા હતા.

Source link