કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટમાં રોહિતના નિર્ણયથી મોટો વિવાદ, ક્રિકેટપ્રેમીઓ પણ આઘાતમાં

 

શ્રીલંકા વિરુદ્ધ રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ સુકાની તરીકે રોહિત શર્માની પ્રથમ ટેસ્ટ મેચ છે. મેચના બીજા દિવસે શનિવારે રોહિત શર્માએ જે નિર્ણય લીધો તેનાથી વિવાદ ઊભો થયો છે. રવિન્દ્ર જાડેજાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની એક યાદગાર ઈનિંગ્સ રમી હતી. જાડેજા પોતાની બેવડી સદીથી થોડો જ દૂર હતો ત્યારે રોહિત શર્માએ પ્રથમ દાવ ડિક્લેર કરવો કે નહીં તેનો નિર્ણય લેવાનો હતો. ટીમના સ્કોરને ધ્યાનમાં લેતા રોહિત શર્માએ પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો અને જાડેજા પોતાની પ્રથમ બેવડી સદીથી ચૂકી ગયો હતો. જાડેજા 175 રને નોટઆઉટ રહ્યો હતો. રોહિતના આ નિર્ણયથી સોશિયલ મીડિયામાં ક્રિકેટપ્રેમીઓએ રોહિત શર્માની ટીકા કરી હતી. જોકે, કેટલાકે તેના નિર્ણયનો બચાવ પણ કર્યો હતો.
ઘણા લોકોને આ ઘટનાથી સચિન તેંડુલકરના અણનમ 194 રનની યાદ આવી ગઈ હતી. પાકિસ્તાન સામેની ટેસ્ટમાં સચિન તેંડુલકર 194 રને રમી રહ્યો હતો ત્યારે સુકાની રાહુલ દ્રવિડે દાવ ડિક્લેર કર્યો હતો અને માસ્ટર બ્લાસ્ટર સચિન બેવડી સદીથી વંચિત રહી ગયો હતો. દ્રવિડના તે નિર્ણયથી ક્રિકેટપ્રેમીઓ ઘણા રોષે ભરાયા હતા. રસપ્રદ વાત એ છે કે જાડેજા જ્યારે પોતાની બેવડી સદીથી વંચિત રહી ગયો હતો ત્યારે કોચ તરીકે રાહુલ દ્રવિડ છે.
રોહિતના નિર્ણયની ઘણા ક્રિકેટપ્રેમીઓ ટીકા કરી રહ્યા છે જ્યારે કેટલાક લોકો તેનો બચાવ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભારતને ટેસ્ટ જીતવાની જરૂર છે અને ફ્લેટ પિચ પર હરીફ ટીમને બે વખત આઉટ કરવાની છે. જ્યારે કેટલાક લોકોને લાગે છે કે જાડેજાને બેવડી સદી પૂરી કરવા માટે ટી-બ્રેક સુધીનો સમય આપવો જોઈતો હતો. ભારતે આઠ વિકેટે 574 રનના સ્કોર પર પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો.

જોકે, જાડેજાએ પોતાની બેટિંગ વડે લોકોના દિલ જીતી લીધા હતા. સૌરાષ્ટ્રના ઓલ-રાઉન્ડરે પોતાની અણનમ 175 રનની ઈનિંગ્સ દરમિયાન ત્રણ બેટર જોડે સદીની ભાગીદારી નોંધાવી હતી. આવું કરનારો તે પાંચમો ભારતીય ખેલાડી બન્યો છે. જાડેજાની ઈનિંગ્સે ભારતીય લોઅર ઓર્ડરને ફરીથી મજબૂત બનાવ્યો છે. ભારતે પ્રથમ દિવસે 228 રનના સ્કોરે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
જોકે, જાડેજા અને રિશભ પંતે 104 રનની ભાગીદારી નોંધાવી હતી. પંત 96 રને આઉટ થતાં તે સદી ચૂકી ગયો હતો. બાદમાં જાડેજાએ રવિચંદ્રન અશ્વિન સાથે મળીને સાતમી વિકેટ માટે 130 રનની ભાગીદારી નોંધાવી હતી. જ્યારે મોહમ્મદ શમી સાથે પણ તેણે ભાગીદારી નોંધાવી હતી. અંતે ભારતે આઠ વિકેટે 574 રનના સ્કોર પર પોતાનો પ્રથમ દાવ ડિક્લેર કર્યો. પોતાની છેલ્લી 22 ટેસ્ટમાં ભારતે પ્રથમ વખત પ્રથમ દાવમાં 400થી વધુનો સ્કોર નોંધાવ્યો છે.

Source link