કર્ણાટકમાં હિજાબને લઈને નવો વિવાદ, વિદ્યાર્થીનીઓએ કોલેજ-પરીક્ષાનો બહિષ્કાર કર્યો!

 

કર્ણાટકમાં હિજાબને લઈને નવો વિવાદ, વિદ્યાર્થીનીઓએ કોલેજ-પરીક્ષાનો બહિષ્કાર કર્યો

Sat, 19 Mar 2022 13:00:00 GMTSat, 19 Mar 2022 12:30:16 GMT

નેશનલ ડેસ્ક : કર્ણાટક (Karnataka) હાઈકોર્ટના નિર્ણય બાદ રાજ્યમાં હિજાબ (Hijab) વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં ફરી હિજાબ વિવાદ સાથે જોડાયેલો મામલો સામે આવ્યો છે. કોર્ટ દ્વારા ક્લાસરૂમમાં હિજાબ પર રોક લગાવવાના ચુકાદાના એક દિવસ બાદ બુધવારે સ્કૂલ-કોલેજો ખૂલી હતી. હાલમાં, અરજી કરનારી છ વિદ્યાર્થિની સહિત કેટલાક યુવાનોએ કોલેજ-પરીક્ષાનો બહિષ્કાર શરૂ કર્યો છે. અહીંના ઉપિનંગડીમાં, 231 મુસ્લિમ વિદ્યાર્થીઓએ સરકારી PU કોલેજની પરીક્ષામાં બેસવાનો ઇનકાર કર્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાઈકોર્ટે ચુકાદામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં યુનિફોર્મ ફરજિયાત કર્યો છે તેમજ હિજાબને ફરજિયાત ધાર્મિક પ્રથા માનવાનો ઈનકાર કર્યો હતો. કોલેજે હાઈકોર્ટના આ આદેશને ટાંક્યો હતો. પીયુ એજ્યુકેશનના ડેપ્યુટી ડાયરેક્ટરે કહ્યું કે જે કોઈ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરશે તે પરીક્ષામાં બેસી શકશે નહીં.

આપણે પહેલા ભારતીય છીએ

હાઇકોર્ટના ચુકાદા બાદ દક્ષિણ કન્નડ સહિત અનેક જિલ્લામાં મુસ્લિમોએ વેપાર-ધંધા બંધ રાખ્યા હતા. કેટલાંક મુસ્લિમ સંગઠનોએ તો ગુરુવારે કર્ણાટક બંધની પણ અપીલ કરી હતી. રાજ્યના ઉચ્ચ શિક્ષણમંત્રી ડૉ. સી.એન. નારાયણે પણ કહ્યું કે આપણે પહેલા ભારતીય છીએ એટલે હિજાબ પહેરવાની જીદ યોગ્ય નથી. ઉડુપી, ચિકમંગલુર, શિવમોગા સહિત કેટલાંક અન્ય સ્થળે પણ વિરોધ-દેખાવો થયા હતા. ઉત્તર કન્નડ જિલ્લામાં મુસ્લિમ બહુમતી વિસ્તાર ભટકલમાં પણ વેપાર-ધંધા બંધ રહ્યા હતા.

સુપ્રીમનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી ક્લાસમાં નહીં જઈએ

કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ બુધવારે સંમત થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અરજીઓની સુનાવણી હોળીની રજા પછી કરવામાં આવશે. મુખ્ય ન્યાયાધીશ એન વી રમન્નાની આગેવાની હેઠળની ખંડપીઠે વિદ્યાર્થીઓ તરફથી હાજર રહેલા એડવોકેટની રજૂઆતની નોંધ લીધી હતી કે આગામી પરીક્ષાઓને કારણે આ મામલે તાત્કાલિક સુનાવણીની જરૂર છે.
કર્ણાટકના યાદગીર તાલુકામાં 35, ઉડુપી અને શિવમોગામાં 12-12 વિદ્યાર્થિનીએ કોલેજ-પરીક્ષાનો વિરોધ કર્યો. શિવમોગાની કમલા નહેરુ કોલેજની 15 યુવતી એવું કહીને પાછી ફરી કે અમે હિજાબ પહેર્યા વિના કોલેજમાં પ્રવેશ કરીશું નહીં. હાઈકોર્ટમાં અરજી કરનારી ઉડુપીની છ વિદ્યાર્થિનીએ કહ્યું કે અમે સુપ્રીમકોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી ક્લાસમાં નહીં જઈએ.

Source link