કચ્છઃ ખાતામાં બેંકે ભૂલથી 85 લાખ ટ્રાન્સફર કર્યા બાદ મહિલાએ રૂપિયા વાપરી નાખ્યા!

 

ભૂજઃ અગાઉના સમયમાં બેંકના વ્યવહારો જાણવા માટે લાંબી રાહ જોવી પડતી હતી, તેના બદલે આધુનિક સમયમાં માત્ર આંગળીના ટેરવે બેલેન્સ સહિતની વિગતો જાણવા મળી જતી હોય છે, આમ છતાં કચ્છની એક બેંક દ્વારા મોટી ભૂલ થઈ ગયા પછી પણ તેનું ધ્યાન ના રહેતા પોલીસની મદદ લેવાનો વારો આવ્યો છે. બેંક દ્વારા થયેલી ભૂલના કારણે મહિલાના ખાતામાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરી દેવાયા હતા. આ પછી મહિલાએ રૂપિયા વાપરી નાખીને પરત આપવાનો ઈનકાર કરી દીધો હતો.

ભૂજના અંજાર તાલુકાના વરસામેડીમાં બનેલી ઘટનામાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકે ગળપાદનારા કુંકુબેન રાજી ડાંગરના ખાતામાં 85 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. મેનેજર મોહમ્મદ આરીફ અબ્દુલ કરીમ ડગારાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

મળતી વિગતો પ્રમાણે એચઆર લોજીસ્ટીકના પ્રોપરાઈટર કંકુબેન ડાંગર આ બેંકમાં ખાતું ધરાવે છે. જેમના ખાતામાં ખુશાલ ખટારિયાએ 31 મે 2021માં ગાંધીધામ રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ચેક જમા કરાવ્યો હતો. આ સમયે ખાતામાં 85 લાખ રૂપિયા ના હોવાથી ચેક પાછો આવ્યો હતો. બીજી તરફ કમ્પ્યુટરની ખામીના કારણે મહિલાના ખાતામાં 85 લાખ રૂપિયા જમા થઈ ગયા હતા. પોતાના ખાતામાં જમા થયેલા લાખો રૂપિયા મહિલાએ અલગ-અલગ તારીખે ઉપાડી લીધા હતા.

બેંકની ભૂલ થઈ હોવાનું માલુમ પડતા મેનેજર દ્વારા મહિલા અને તેમના પતિનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ સમયે પોતાના ખાતામાં આવેલા રૂપિયા વપરાઈ ગયા હોવાનું કહીને પછી બેંકને પરત આપવાની વાત કરાઈ હતી. રૂપિયા પછી આપવાનો વાયદો કરાયા બાદ લેખિતમાં તેના કરાર પણ કરવામાં આવ્યા હતા. પોતાના ખાતામાં ભૂલથી આવેલા 85 લાખમાંથી મહિલાએ રૂપિયા 20 લાખ સલેમામદ ફકીરના ખાતામાં જમા કરાવ્યા હતા.

બેંક દ્વારા વારંવાર સંપર્ક કરવા છતાં આ ત્રણ જણા દ્વારા રૂપિયા પરત આપવામાં આવતા નહોતા, જેથી મેનેજરે કંકુબેન રામજી ડાંગર સહિત ખુશાલ રવા ખાટરિયા અને સાલેમાદ ઓસમાણ ફકીરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Source link