ઓસ્ટ્રેલિયાના NRIને બાટલીમાં ઉતારી કથિત રીતે પૈસા પડાવતી ટોળકી ઝડપાઈ!

 

રાજકોટઃ ઓસ્ટ્રેલિયામાં રહેતા NRI પાસેથી કથિત રીતે રુપિયા પડાવવાના આરોપમાં (extorting money from an NRI) બે મહિલા સહિત ત્રણ લોકોની પોલીસે ધરપકડ (Rajkot news) કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, કચ્છના માધાપર વિસ્તારમાં રહેતાં 70 વર્ષીય ધનજી પિંડોરિયા છેલ્લાં 25 વર્ષથી ઓસ્ટ્રેલિયાના પર્થ વિસ્તારમાં સ્થાયી થયા છે. તેઓ તાજેતરમાં પોતાના એક કોમન ફ્રેન્ડ મારફતે નેહા મરંદ નામની મહિલાના સંપર્કમાં આવ્યા હતા.

નેહાના સંપર્કમાં આવ્યા બાદ તેણીનીએ ધનજી પિંડોરિયાને જણાવ્યું કે તે દહેરાદૂનની ડિફેન્સ એકેડમીમાં અભ્યાસ કરે છે. તેને ફી ભરવા માટે રૂપિયા 25000ની જરૂર છે. જેથી ધનજી પિંડોરિયાએ તેના ખાતામાં આ પૈસા જમા કર્યા હતા. ગઈ 28 ફેબ્રુઆરીના રોજ જ્યારે ધનજી પિંડોરિયા વતન પરત ફર્યા ત્યારે નેહાએ તેમનો સંપર્ક કર્યો હતો. બાદમાં તેમને કચ્છના મિરાજપુર ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ ખાતે મળવા માટે બોલાવ્યા હતા.

જ્યારે ધનજી પિંડોરિયા નેહા મરંદને મળવા માટે પહોંચ્યા ત્યારે તે અને તેની ફ્રેન્ડ મનિષા તેમને એક ઘરમાં લઈ ગયા હતા. જ્યારે નેહા અને ધનજી પિંડોરિયા ઘરમાં પહોચ્યા ત્યારે તેઓ બંને એકલા હતા. એ સમયે બે શખ્સો ઘરમાં પ્રવેશ્યા અને ધનજી પિંડોરિયાને માર માર્યો હતો. એ પછી આ શખ્સો ધનજી પિંડોરીયા પાસેથી રુપિયા 60 હજાર અને તેમનીકાર લઈને ફરાર થઈ ગયા હતા. સાથે જ તેઓએ વધુ રુપિયા 25 લાખની માંગણી કરી હતી. બાદમાં તેઓએ રૂપિયા 5 લાખમાં સમાધાન કર્યુ હતુ.

આખરે ધનજી પિંડોરિયાએ રુપિયા માટે પોતાના મિત્રને ફોન કર્યો હતો. જો કે, ધનજી પિંડોરિયાના મિત્રને શંકા જતા તેણે પોલીસને જાણ કરી હતી. જે બાદ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB)એ કાર્યવાહી હાથ ધરીને વિવેક ભુચિયા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની સાથે રહેલો અન્ય એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહયો હતો. એ પછી પોલીસે નેહા અને મનિષા નામની બંને મહિલાને પણ ઝડપી પાડી હતી. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ વિવિધ ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Source link