એલ.જી. હોસ્પિટલમાં થઈ જટિલ સર્જરી! દર્દીની બન્ને કિડનીમાંથી નીકાળવામાં આવી 250 જેટલી પથરી

 

અમદાવાદ- આજકાલ પથરીની સમસ્યા હોવી એ સામાન્ય બાબત બની ગઈ છે. મોટી સંખ્યામાં લોકો આ સમસ્યાથી પીડાતા હોય છે. અને તેમાં પણ કિડનીમાં પથરી થવાના પણ ઘણાં કેસ સામે આવતા હોય છે. પરંતુ અમદાવાદ શહેરમાં આનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. શહેરના એક શખ્શની બન્ને કિડનીમાંથી અંગૂઠાની સાઈઝની એક અને અન્ય નાની-મોટી મળીને કુલ 250 જેટલી પથરી કાઢવામાં આવી છે. આ ઓપરેશન એલ.જી. હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા પાર પડવામાં આવ્યુ હતું. સર્જરી થઈ જવાને કારણે હવે દર્દીની કિડનીને વધારે નુકસાન નહીં પહોંચે.

મ્યુનિસિપાલિટી દ્વારા સંચાલિત એલ.જી. હોસ્પિટલના સર્જરી વિભાગના એચઓડી ડોક્ટર અસિત પટેલે આ જટિલ ઓપરેશનની વિગત જણાવી હતી. તેમણે જણાવ્યું કે અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા એક 40 વર્ષીય વ્યક્તિને પાછલા 3 મહિનાથી પેટમાં ડાબી બાજુ અસહ્ય દુખાવો થતો હતો. તેમને ગેસની તકલીફ હતી અને ઉબકા પણ આવતા હતા. તેઓ નજીકના ડોક્ટર પાસેથી આની દવા લાવતા હતા અને દુખાવામાં રાહત થઈ જતી હતી.

લાંબા સમય સુધી દુખાવો ચાલુ રહેતા તેમણે સોનોગ્રાફી કરાવી હતી, જેમાં સામે આવ્યું કે તેમની બન્ને કિડનીમાં ઢગલાબંધ પથરીઓ છે. સોનોગ્રાફીમાં આ વાત સામે આવતા તેઓ શહેરની એલ.જી.હોસ્પિટલમાં ઓપીડીમાં બતાવવા માટે આવ્યા હતા. સૌપ્રથમ તબીબોએ ડાબી બાજુની કિડનીનું ઓપરેશન કર્યુ હતું. આ ઓપરેશન સાડા ત્રણ કલાક સુધી ચાલ્યુ હતું. આટલા લાંબા ઓપરેશન દરમિયાન સૌથી પહેલા સૌથી મોટી પથરી જેની સાઈઝ આપણા અંગૂઠા જેટલી હશે તે નીકાળવામાં આવી હતી. ત્યારપછી 250 જેટલી પથરીઓ નીકાળવામાં આવી હતી.

ચાલુ ઓપરેશનમાં જ તબીબોએ એક્સરે નીકાળીને સુનિશ્ચિત કર્યુ હતું કે હજી પથરી બાકી નથી રહી ગઈ. ઉલ્લેખનીય છે કે પેટમાં આટલી બધી પથરી વધી કેવી રીતે ગઈ તે એક પ્રશ્ન છે. સામાન્યપણે પથરીની શરુઆતમાં ગેસ અને ઉબકા જેવા લક્ષણો જોવા મળતા હોય છે. ત્યારપછી પેટમાં દુખાવો, પેશાબ માર્ગમાં બળતરા, પેશાબમાં લોહી આવવું જેવા લક્ષણો જોવા મળતા હોય છે. દુખાવો અતિશય વધી જાય પછી લોકો ડોક્ટરનો સંપર્ક કરતા હોય છે.

ઉલ્લેખનીય છે કે એલ.જી. હોસ્પિટલમાં આ જે કિસ્સો સામે આવ્યો તેવા કિસ્સા ભાગ્યે જ આવતા હોય છે. અને આટલી બધી પથરી હોવા છતાં કિડની બરાબર કામ કરતી હતી તે વાત અચરજ પમાડનારી હતી. આવું સામાન્યપણે જોવા મળતુ નથી. ઉલ્લેખનીય છે કે વિભાગના વડા ડોક્ટર અસિત પટેલના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના ડોક્ટર તપન શાહ, ડોક્ટર મુકેશ સુવેરા, ડોક્ટર જૈમિન શાહની ટીમે સર્જરી પાર પાડી હતી.

Source link