એપ્રિલ મહિનામાં તાપ મચાવશે તરખાટ! અમદાવાદીઓ પાંચ દિવસ ગરમીમાં શેકાશે

 

અમદાવાદઃ આ વર્ષે ગરમી હવે પીછો છોડવાની હોય તેમ લાગતું નથી, એક બે દિવસના વિરામ બાદ સતત હીટવેવની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. યલો અને ઓરેન્જ એલર્ટના સાથે માર્ચ મહિનાથી જ આકરો તાપ સહન કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં ગરમી વધુ કેટલાક રેકોર્ડ તોડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. ગરમીના કારણે 108 સર્વિસને આવતા ઈમર્જન્સી કૉલમાં પણ વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા સળંગ પાંચ દિવસ યલો એલર્ટ રહેવાની આગાહી કરવામાં આવી છે. ગરમીનું પ્રમાણ વધતા શહેરોમાં રસ્તાઓ પર ફરવા માટે મજબૂર કર્મચારીઓ અને મજૂરોની હાલત ખરાબ થઈ રહી છે. આ સાથે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રીએ પહોંચશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્યના અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર આગામી કેટલાક દિવસો સુધી રહેશે. સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું છે કે, “આવતીકાલથી (શુક્રવાર) સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં હીટવેવની અસર આગામી કેટલાક દિવસો દરમિયાન રહેશે. જેમાં સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ માટે હીટવેવની અસર રહેશે અને ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સહિતના ભાગોમાં પાંચ દિવસ સુધી હીટવવેની અસર રહેવાની છે.”

હવામાન વિભાગે અમદાવાદમાં સળંગ પાંચ દિવસ દરમિયાન હીટવેવ કંન્ડિશન રહેવાની આગાહી કરી છે, જેમાં શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીનું પ્રમાણ વધવાથી સાવચેતી રાખવાની પણ સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેમાં તાજેતરમાં જન્મેલા બાળકો, વૃદ્ધ વ્યક્તિ અને ગંભીર બીમારીથી પીડાતા લોકોને ગરમીથી બચવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે પુરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની અને ગરમીમાં બહાર જવું પડે તો માથું ઢંકાય તેનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે.

ગુજરાતમાં હાલ લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીએ જ્યારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી પર પહોંચી ગયું છે. જેમાં ભૂજમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, રાજકોટમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી દિવસોમાં રાજ્યનું તાપમાન જલદી 43 ડિગ્રીએ પહોંચી જશે તેવી સંભાવનાઓ પણ હાલની ગરમીને જોતા વ્યક્ત કરાઈ રહી છે.

Source link