એનાલિસિસ:વીતેલાં આઠ વર્ષમાં ગુજરાતના ગૃહ વિભાગનું બજેટ 938% વધ્યું તોપણ રાજ્યમાં ક્રાઇમની સંખ્યા બમણી થઈ ગઈ!

ગુજરાત બજેટના છેલ્લાં 8 વર્ષના આંકડાઓનું દિવ્ય ભાસ્કરે વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું છે કે રાજ્યના અંદાજપત્રમાં અન્ય વિભાગોની સરખામણીએ ગૃહ વિભાગને ફાળવવામાં આવતી રકમમાં 938% વધારો થયો છે. આમ છતાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના 2017-2020ના રેકોર્ડ મુજબ રાજ્યમાં ગુનાઓની સંખ્યા જોઈએ તો એમાં ચાર વર્ષમાં બમણી થઈ છે. ગૃહ વિભાગને 2014-15માં રૂ. 767 કરોડ ફાળવાયા હતા અને 2021-22ના બજેટમાં આ વિભાગને રૂ. 7960 કરોડ એલોટ કરવામાં આવ્યા હતા.

ગૃહ વિભાગને બજેટમાંથી ફાળવાયેલી રકમ

વર્ષ ફાળવણી (રૂ. કરોડમાં)
2014-15 767
2015-16 500
2016-17 1700
2017-18 5000
2018-19 5420
2019-20 5775
2020-21 7503
2021-22 7960

 

રાજ્યના કુલ બજેટના 3-3.50% ગૃહ વિભાગ પર ખર્ચવામાં આવે છે
ગુજરાત રાજ્યના બજેટના આંકડા મુજબ, સરકાર ગૃહ વિભાગ પર દર વર્ષે 3%થી લઈને 3.50% સુધીની ફાળવણી કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2014-15થી 2016-17 દરમિયાન ગૃહ વિભાગના ફાળે કુલ બજેટમાંથી 2%થી પણ ઓછી રકમ આવતી હતી. જોકે ત્યાર બાદથી સરકાર આ વિભાગ પર વાર્ષિક રૂ. 5000-7000 કરોડનો ખર્ચ કરે છે. છેલ્લાં આઠ વર્ષ દરમિયાન ગૃહ વિભાગનું બજેટ સૌથી વધુ 938% વધ્યું છે. આ સિવાય મહેસૂલ વિભાગનું બજેટ 835%, ક્લાઇમેટ ચેન્જ માટે 727% જેવો વધારો કરવામાં આવ્યો છે.

IPC ક્રાઇમની સંખ્યા 196% વધી
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો મુજબ, ગુજરાતમાં ઇન્ડિયન પીનલ કોડ (IPC) હેઠળના ક્રાઇમની સંખ્યા 2017માં 1.29 લાખ હતી, એ 2020માં વધીને 3.82 લાખ થઈ ગઈ છે, એટલે કે IPC ક્રાઇમની સંખ્યામાં 196%નો વધારો થયો છે. એવી જ રીતે સ્પેશિયલ એન્ડ લોકલ લોઝ (SLL) હેઠળના ગુનાની સંખ્યા આ સમયગાળામાં 2 લાખથી વધીને 3.18 લાખ થઈ ગઈ છે. SLL ગુનાની સંખ્યામાં 59%નો વધારો થયો છે.

ગુજરાત પોલીસ દેશમાં 7મા ક્રમે
સરકાર પોલીસ અને ગૃહ વિભાગ પર હજારો કરોડોનો ખર્ચ કરે છે. આમ છતાં ઇન્ડિયન પોલીસ ફેડરેશનના સ્માર્ટ પોલિસિંગ ઇન્ડેક્સ 2021 મુજબ, દેશના પોલીસ રેન્કિંગમાં ટોપ-5માં ગુજરાત પોલીસ આવતી નથી. આ ગુજરાત પોલીસનું રેન્કિંગ 7મા ક્રમે છે. દેશમાં ટોપ પર આંધ્રપ્રદેશ છે. આસામ, મિઝોરમ, સિક્કિમ કેરળ જેવાં નાનાં રાજ્યોની પોલીસ પણ ગુજરાત કરતાં રેન્કિંગમાં આગળ છે.

આઠ વર્ષમાં ગુજરાતનું બજેટ 267% વધ્યું
ગુજરાત રાજ્યના બજેટનું કદ છેલ્લાં 8 વર્ષમાં 267% જેટલું વધ્યું વધ્યું છે. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની સરકારે 2014-15માં રૂ. 61,940 કરોડનું બજેટ આપ્યું હતું. એની સામે 2021-22માં વિજય રૂપાણીની સરકારે રૂ. 2,27,029 કરોડનું બજેટ આપ્યું હતું. ગત વર્ષના બજેટમાં સૌથી વધુ ફોકસ શિક્ષણ, નર્મદા, જળસંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ જેવાં ક્ષેત્રો પર રહ્યું હતું.