World
bbc-BBC Gujarati
- કાર્લ ડોનિત્ઝે જણાવ્યું હતું કે, નાઝી નેતા ‘વીરગતિ પામ્યા છે
- “નાઝીઓ તેમની નીતિના ભાગરૂપે જુઠ્ઠાણાનો ઉપયોગ કરતા રહ્યા છે અને હિટલરના કથિત કૃત્યો વ્યાપક છે”
- હિટલર સોવિયેત સૈન્યએ કરેલા હુમલામાં માર્યા ગયા હતા
- હિટલરના મૃતદેહને શોધવાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા
- સોવિયેત દળોના બર્લિન પરના હુમલાનું નેતૃત્વ કમાન્ડર માર્શલ જ્યોર્જી ઝુકોવે કર્યું હતું
બીજા વિશ્વ યુદ્ધના નિકટવર્તી અંતની ઘોષણા કરતાં એ સમાચાર અવિશ્વનીયતા સાથે પ્રાપ્ત થયા હતા અને તેની ચર્ચા દાયકાઓ સુધી થવાની હતી. એક બ્રિટિશ અખબારના જણાવ્યા અનુસાર, “સમગ્ર વિશ્વની નજરમાં સંપૂર્ણ અનિષ્ટનો અવતાર બની ગયેલા” માણસનું અદૃશ્ય થઈ જવું તે સીધી-સાદી ઘટના ન હતું.
1945ની પહેલી મેના રોજ રાતે સાડા નવ વાગ્યે હેમ્બર્ગ રેડિયોએ સમાચાર આપ્યા હતા કે, તે “જર્મન લોકો માટે એક ગંભીર અને મહત્ત્વપૂર્ણ જાહેરાત કરશે.”
એ પછી તેમણે નાઝી નેતા એડોલ્ફ હિટલરના પ્રિય સંગીતકાર રિચર્ડ વેગનરની સંગીત રચનાઓનું પ્રસારણ શરૂ કર્યું હતું. એ પછી ઍન્ટોન બ્રુકનરની સેવન્થ સિમ્ફનીના એક અંશનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.
જર્મન નૌકાદળના વડા કાર્લ ડોનિત્ઝને આગળની વાત કરવાનું જણાવતા પહેલાં એક ઉદ્ઘોષકે રાતે 10.20 વાગ્યે કહ્યું હતું કે, “આપણા નેતા એડોલ્ફ હિટલર બોલ્શેવિઝમ વિરુદ્ધ તથા જર્મની માટેની લડાઈ લડતાં રેક ચાન્સેલરીની તેમની કમાન્ડ પોસ્ટ પર ઢળી પડ્યા છે.”
કાર્લ ડોનિત્ઝે જણાવ્યું હતું કે, “નાઝી નેતા ‘વીરગતિ પામ્યા છે’ અને એ અગાઉ તેમણે તેમના અનુગામીનું નામ આપી દીધું હતું.”
સત્તાવાર માહિતીએ ઘણી શંકા સર્જી હતી.
એ પછીના દિવસે ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’માં પ્રકાશિત એક નોંધમાં ચેતવણી આપવામાં આવી હતી કે, “નાઝીઓ તેમની નીતિના ભાગરૂપે જુઠ્ઠાણાંનો ઉપયોગ કરતા રહ્યા છે અને હિટલરનાં કથિત કૃત્યો વ્યાપક છે. આ જાહેરાતથી લોકોના મનમાં એવી શંકા સર્જાશે કે જુઠ્ઠાણાંનો મહારથી પોતાની જાતને બચાવવા માટે વિશ્વ સાથે ભવ્ય, અંતિમ છેતરપિંડીનો પ્રયાસ કરી રહ્યો છે કે કેમ.”
આ સમાચાર સામે જર્મન શહેર વેઇમરના રહેવાસીઓ તથા નજીકના બુકેનવાલ્ડ કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં સબડતા કેદીઓએ કેવી રીતે સવાલ ઉઠાવ્યા હતા, તે પણ આ અમેરિકન અખબારની એ જ આવૃત્તિમાં જણાવવામાં આવ્યું હતું.
સંવાદદાતાએ જણાવ્યું હતું કે, “મેં જેમની સાથે વાત કરી એ જર્મનીના રાજકીય કેદીઓને આ માહિતી પર ભરોસો નથી. તેમને શંકા છે કે આ જાહેરાત પાછળ કંઈક યુક્તિ છે. કેટલાક માને છે કે હિટલર એવો ડાકુ હતો કે તે પ્રામાણિકપણે મૃત્યુ પામવા અસમર્થ હતો.”
એક વ્યક્તિ, અનેક મોત
બર્લિન પર સોવિયેટ સંઘે કબજો કર્યો તેના પછી શું થયું હતું, તેની વિવિધ વાતો બહાર આવી હતી. કથાઓ બદલાઈ ગઈ હતી, એકમેકની વિરોધાભાસી થઈ ગઈ હતી.
નાઝી પ્રચાર મંત્રી જોસેફ ગોબેલ્સના સહાયક પ્રધાન હેન્સ ફ્રિટ્ઝેના જણાવ્યા મુજબ, ગોબેલ્સ અને હિટલરે બર્લિન ખાતેના ચાન્સેલરીના વડામથક ખાતેના ભોંયરામાં આપઘાત કર્યો છે, એવું રેડ આર્મીએ 1945ની ત્રીજી મેએ જણાવ્યું હતું.
એ જ દિવસે પેરિસના એક રેડિયો સ્ટેશને દાવો કર્યો હતો કે, યુદ્ધ ચાલુ રાખવાની યોગ્યતા વિશેના વિવાદ પછી હિટલરની તેના જ સૈન્યના ટોચના અધિકારીઓએ 21 એપ્રિલની રાતે હત્યા કરી હોવાના સમાચાર મળ્યા છે.
આ બન્ને સમાચારમાં રોજેરોજ કશું ઉમેરાતું રહ્યું હતું.
જાપાનની સમાચાર એજન્સી ‘ડોમી’એ એવો અહેવાલ આપ્યો હતો કે, “હિટલર તેમના નિવાસસ્થાન પર સોવિયેટ સૈન્યએ કરેલા હુમલામાં માર્યો ગયો હતો.”
એપી ન્યૂઝ એજન્સીના એક અહેવાલમાં નાઝી વિદેશ મંત્રાલયના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીનો હવાલો આપીને જણાવવામાં આવ્યું હતું કે, “હિટલર તો અનેક દિવસો પહેલાં મગજમાં રક્તસ્ત્રાવને કારણે મૃત્યુ પામ્યો હતો અને વીરગતિ પ્રાપ્ત કરી શકે એટલા માટે તેમને જર્મન રાજધાનીમાં લઈ જવામાં આવ્યો હતો.
તેણે આગાહી કરી હતી કે, “હિટલરનો મૃતદેહ શોધી શકાશે નહીં, તે નક્કી છે.”
હિટલરના મૃતદેહને શોધવાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.
સોવિયેટ અખબારોએ ચોથી મેના રોજ સૂચવ્યું હતું કે, રેડ આર્મી-હિટલરની ઓફિસ- ચાન્સેલરીના મુખ્યાલયમાં પ્રવેશી શકી ન હતી, કારણ કે તેમાં આગ લાગેલી હતી અને તેનું માળખું તૂટી પડવાની અણી પર હતું.
બે દિવસ પછી સોવિયેતે દાવો કર્યો હતો કે, તેમને ચાન્સેલરીમાંથી સંખ્યાબંધ મૃતદેહો મળી આવ્યા છે, પરંતુ એ પૈકીનો એકેય હિટલર કે ગોબેલ્સ સાથે મેળ ખાતો નથી.
એપી એજન્સીએ મૉસ્કોથી એવો અહેવાલ આપ્યો હતો કે, “મૃત્યુ વિશેની માહિતી નાઝીઓની વધુ એક યુક્તિ છે અને હિટલર તથા તેની નજીકના માણસો હજુ જીવંત છે, છૂપાયેલા છે, એવું રશિયનો માની રહ્યા છે.”
એક રશિયન સૈન્ય અધિકારીએ આઠમી મેએ જાહેરાત કરી હતી કે, “ગોળીઓથી વિંધાયેલો એક મૃતદેહ બર્લિનના ખંડેરોમાંથી મળી આવ્યો છે અને તે હિટલરનો હોવાની પુષ્ટિ તેમની પોતાની ડોમેસ્ટિક સર્વિસના સભ્યોએ કરી છે.
જોકે, એક ડ્રાઈવરે એવો દાવો કર્યો હતો કે, તે મૃતદેહ તો એક રસોઈયાનો હતો, જે હિટલરના ‘ડબલ’ તરીકે સેવા આપતો હતો.
બે સપ્તાહ પછી રશિયન ગુપ્તચરોએ જાહેર કર્યું હતું કે, “હિટલર અર્ધ-લકવાગ્રસ્ત અવસ્થામાં હતો અને તેને અત્યંત પીડા થતી હતી, તેથી મોરેલ નામના એક ડૉક્ટરે તેને 1લી મેના રોજ ઈચ્છામૃત્યુ આપ્યું હોવાનું હિટલરના અંગત કર્મચારીઓએ જણાવ્યું હતું.”
બર્લિનથી આર્જેન્ટિના સુધી
સોવિયેટ સત્તાવાળાઓએ જુન 1945માં જણાવ્યું હતું કે, “હિટલરનો મૃતદેહ મળ્યો નથી અને તે કદાચ હજુ પણ જીવંત છે.”
એ જ ઉનાળામાં એવી માહિતી પ્રસરવા લાગી હતી કે, હિટલર વિવિધ જગ્યાએ જોવા મળ્યો હતો અને એ બધાં સ્થળો એકમેકથી દૂર આવેલાં હતાં.
ઇતિહાસકાર અદા પેટ્રોવા અને પીટર વૉટસને તેમના પુસ્તક ‘ધ ડેથ ઑફ હિટલર’માં જણાવ્યું હતું કે, “એક અહેવાલ અનુસાર, હિટલર ઉત્તર ઇટાલીના લેક ગાર્દા નજીકની એક ગુફામાં સંન્યાસી તરીકે રહે છે.”
જ્યારે બીજા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, “તે હવે સ્વીસ આલ્પ્સમાં ભરવાડ બની ગયો છે.” ત્રીજા અહેવાલ મુજબ, “તે એવિયન (ફ્રાન્સ)ના એક કેસિનોમાં ડીલર તરીકે કામ કરે છે. તેઓ સ્વીત્ઝર્લેન્ડના સેન્ટ ગલેનમાંના ગ્રેનોબલમાં અને આયર્લેન્ડના દરિયા કિનારે પણ જોવા મળ્યો હતો.”
અમેરિકાના સત્તાવાળાઓએ જુલાઈ 1945માં એક પત્ર આંતર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હિટલર આર્જેન્ટિનામાં એક ખેતરમાં રહે છે. તે ખેતર બ્યુનોસ એરેસથી લગભગ 700 કિલોમીટર દૂર આવેલું છે. આખી વાત આખરે એફબીઆઈના વડા ઍડગર જે હૂવર સુધી પહોંચી હતી અને તેમણે તેને ફગાવી દીધી હતી.”
એક દાયકા પછી સીઆઈએની વેનેઝુએલા ખાતેની ઓફિસે એવી માહિતી આપી હતી કે, “એજન્સીના એક સ્રોતનો ભૂતપૂર્વ સૈનિકે સંપર્ક કર્યો હતો અને તે હિટલરને એક મહિના પહેલાં કોલમ્બિયામાં મળ્યા હોવાનો દાવો કર્યો હતો. એ દસ્તાવેજમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, સીઆઈએની આ કચેરી માહિતીની સચ્ચાઈની પુષ્ટિ કરી શકે તેમ નથી.”
સોવિયેટ છેતરપિંડી?
સવાલ એ છે કે વાસ્તવમાં હિટલરનું શું થયું હતું?
બર્લિન પરના પોતાના આક્રમણની સફળતા બાદ સોવિયેટ દળોએ, નાઝી ચાન્સેલરીના જે વડામથકમાં હિટલરે આશ્રય લીધો હતો તેને કબજે કર્યું હતું.
સોવિયેટ ગુપ્તચર એજન્સીની સ્મેર્શ તરીકે ઓળખાતી ટુકડીના સભ્યોએ બીજી મેએ ચાન્સેલરીના ગાર્ડન અને રેડ આર્મી પૉલેન્ડ થઈને જર્મની તરફ જાન્યુઆરીમાં આગળ વધી, ત્યારથી હિટલર જે ભોંયરામાં રહેતો હતો તેને સીલ કરી દીધું હતું.
ઇતિહાસકાર ઍન્થોની બીવોરના જણાવ્યા અનુસાર, “સખત ગુપ્તતા જાળવીને હિટલરનો મૃતદેહ શોધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સોવિયેટ દળોના બર્લિન પરના હુમલાનું નેતૃત્વ કમાન્ડર માર્શલ જ્યૉર્જી ઝુકોવે કર્યું હતું. એ સ્થળ અસલામત હોવાનું જણાવીને માર્શલ જ્યૉર્જીને પણ તેમાં પ્રવેશવાની છૂટ આપવામાં આવી ન હતી.”
બીવોરના જણાવ્યા મુજબ, “તેની સાથે સ્મેર્શે જેમને ઓળખી કાઢ્યા હતા એ તમામ કર્મચારીઓને પૂછપરછ ચાલુ કરી હતી. તેમાં મૉસ્કોએ ઊંડો રસ લીધો હતો.”
ન્યૂયોર્ક ટાઇમ્સ માટે લખેલા એક લેખમાં બીવોરે જણાવ્યું હતું કે, “જોસેફ સ્ટાલિન સમાચાર જાણવા એટલા ઉત્સુક હતા કે એનકેવીડીના એક જનરલને પૂછપરથ પર નજર રાખવા માટે મોકલવામાં આવ્યા હતા. તેમને એનકોડર સાથેની એક સલામત ફોન લાઈન આપવામાં આવી હતી, જેથી તેઓ દરેક વ્યક્તિની પૂછપરછનો અહેવાલ મૉસ્કોને આપી શકે.”
સ્મેર્શના એજન્ટોને પાંચમી મેએ હિટલર તથા તેમના પાર્ટનર ઇવા બ્રાઉનના મૃતદેહ ચાન્સેલરીના બગીચામાંના એક ભોંયરામાંથી મળી આવ્યા હતા.
એ મૃતદેહો પર ગેસોલિન છાંટવામાં આવ્યું હતું અને તે આંશિક રીતે બળી ગયેલા હતા. હિટલરની ઓળખ કરવાનું મુશ્કેલ હતું. તેથી મૃતદેહને શબઘરમાં લઈ જવામાં આવ્યો પછી તેનું જડબું કાઢીને તેના દાંત સાથે સરખાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સોવિયેટ ગુપ્તચરોએ હિટલરના ડેન્ટલ આસિસ્ટંટ કેથે હ્યુસર્મનને શોધી કાઢ્યા હતા. તેમણે હિટલરની મેડિકલ હિસ્ટરી તથા જરૂરી માહિતી પૂરી પાડી હતી. તેના આધારે તેમણે પુષ્ટિ કરી હતી કે, મૃતદેહ ખરેખર હિટલરનો જ છે.
તે પછી કેલિફોર્નિયાની ‘યુએલસીએ સ્કૂલ ઑફ ડેન્ટિસ્ટ્રી’ના ડૉ. રેઈડર એફ સોગ્નાએસ તથા ઑસ્લો યુનિવર્સિટીના ડૉ. ફર્ડિનાન્ડ સ્ટ્રોમે મૃતદેહનો ફોરેન્સિક ઓડોન્ટોલોજી અભ્યાસ કર્યો હતો અને 1973માં એ વાતને સમર્થન આપ્યું હતું કે, મળી આવેલો મૃતદેહ વાસ્તવમાં એડોલ્ફ હિટલરનો હતો.
એક કબરમાંથી બીજી કબરમાં
હિટલરના મોતને સોવિયેટ સંઘે શરૂઆતથી જ સમર્થન આપી દીધું હતું, તો પછી નાઝી નેતા જીવંત હોવાનું તૂત તેમણે વર્ષો સુધી ચાલુ શા માટે રાખ્યું હતું?
બીવોરે તેમના પુસ્તક ‘બર્લિન, ધ ફોલ 1945માં’ જણાવ્યું છે કે, “સ્ટાલિનની વ્યૂહરચના પશ્ચિમને નાઝીવાદ સાથે સાંકળવાની હતી અને બ્રિટન કે અમેરિકા તેને સંતાડી રાખ્યો છે, એવું દેખાડવાની હતી.”
લીડ્ઝ યુનિવર્સિટી ખાતેના ઇતિહાસકાર લ્યુક ડેલી-ગ્રોવ્ઝ માને છે કે, તે સામ્યવાદી નેતાની રાજકીય ચાલ હતી.
ડેલી-ગ્રોવ્ઝે ‘ન્યૂ સ્ટેટ્સમેન’ સામયિકમાં પ્રકાશિત એક લેખમાં જણાવ્યું હતું કે, “હિટલર સ્પેન કે આર્જેન્ટિના ભાગી ગયા છે એવું સ્ટાલિને જાહેર કર્યું, ત્યારે જ સોવિયેતે હિટલરના મૃતદેહને ખોળી કાઢ્યો હોવાનું તેઓ જાણતા હતા, પરંતુ તેવું કહેવાથી તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓ નબળા પડવાના હતા અને પ્રાદેશિક વિવાદોમાં તેમની સ્થિતિ મજબૂત થવાની હતી.”
આખરે નાઝીવાદના પરાજયને પગલે શીત યુદ્ધની શરૂઆત થઈ હતી. મૉસ્કો પોતાની વાત સાચી હોવાનું આગ્રહપૂર્વક જણાવી શકે તેમ હતું. તેમણે મેની શરૂઆતથી જુલાઈ 1945 સુધી બર્લિન કબજે કરીને તેના પર પોતાનો અંકુશ જાળવી રાખ્યો હતો.
એ ઉપરાંત ભોંયરામાં છુપાઈ રહેવાને કારણે બચી ગયેલા ઘણા લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને વર્ષો સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. તેમાં હિટલરના અંગત નોકર હેઇન્ઝ લિંજ, તેમના ફિલ્ડ આસિસ્ટન્ટ ઓટ્ટો ગુન્શ અને તેમના પાઇલટ હંસ બૌરનો સમાવેશ થતો હતો.
હકીકત છુપાવવાના એક પ્રયાસમાં મૉસ્કોએ હિટલરના ડેન્ટલ આસિસ્ટન્ટ કેથે હ્યુસર્મનને ગુપ્ત રીતે અટકાયતમાં રાખ્યા હતા. છ વર્ષ સુધી એકાંતવાસમાં રહ્યા પછી કેથેને, હિટલરની દાંતની સારવારમાં સ્વૈચ્છિક રીતે મદદરૂપ થવા બદલ સજા કરવામાં આવી હતી.
હિટલરના અવશેષો સ્મેર્શ યુનિટે સતત સંભાળી રાખ્યા હતા. આ રીતે તે અવશેષોને બ્રાંડનબર્ગ રાજ્યના રાથોનોવ શહેરની નજીકના જંગલમાં દાટવામાં આવ્યા હતા અને આખરે મધ્ય-પૂર્વ જર્મનીના મેગડેબર્ગમાં સોવિયેટ સ્થાપિત બેઝમાં 1946માં દફનાવવામાં આવ્યા હતા.
એ બધું 1968 સુધી રહસ્ય બની રહ્યું હતું. સોવિયેટ પત્રકાર અને બર્લિન પરના અંતિમ આક્રમણનો હિસ્સો બનેલા ગુપ્તચર એજન્ટ લેવ બેઝીમેન્સ્કી લિખિત એક પુસ્તક 1968માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમાં હિટલર તથા તેના પોસ્ટમોર્ટમ વિશેની મૉસ્કોની ફાઇલોની વિગત આપવામાં આવી હતી.
ત્રણેક દાયકા પછી કેજીબીની અનુગામી એફએસબી સીક્રેટ પોલીસની આર્કાઈવના તત્કાલીન વડા વસિલી ખ્રિસ્તોફોરોવે 2009માં એવું જાહેર કર્યું હતું કે, “હિટલરના અવશેષોને 1970માં બાળી નાખવામાં આવ્યા હતા અને તેની રાખ બાયડેરિત્ઝ નદીમાં વહાવી દેવામાં આવી હતી.”
આ પગલું લેવાનું સૂચન, મેગદેબર્ગનો અંકુશ પૂર્વ જર્મનીને આપવા સોવિયેટ યુનિયન સહમત થયું પછી કેજીબીના તત્કાલીન વડા યુરી આંદ્રોપોવે કર્યું હતું.
ખ્રિસ્તોફોરોવે જણાવ્યું છે તેમ, હિટલરની કબરને નાઝીઓ માટે પવિત્ર સ્થાન બનતી અટકાવવા માટે તેના અવશેષોને બાળી નાખવામાં આવ્યા હતા.
જોકે, મૉસ્કોએ હિટલરનું દાંત સાથેનું જડબું એફબીઆઈના વડામથકમાં અને તેની ખોપરીનો ટુકડો સ્ટેટ આર્કાઈવમાં સાચવી રાખ્યો હતો.
ઝેર અને બંદુકની ગોળી વચ્ચે
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટિશ ગુપ્તચર અધિકારી તરીકે કામ કરી ચૂકેલા અને હિટલરના મૃત્યુની તપાસનું કામ પણ સંભાળી ચૂકેલા ઇતિહાસકાર હ્યુજ ટ્રેવોર-રોપેરે નવેમ્બર 1945માં સુપરત કરવામાં આવેલા એક અહેવાલમાં દાવો કર્યો હતો કે, “હિટલરે 1945ની 30 એપ્રિલે બપોરે સાડા ત્રણ વાગ્યે ઈવા બ્રાઉન સાથે આપઘાત કર્યો હતો. તેના એક દિવસ પહેલાં હિટલરે ઈવા સાથે લગ્ન કર્યાં હતાં. ઈવાન સાઈનાઈડ ભરેલી કેપ્સ્યુલ ગળી ગઈ હતી, જ્યારે હિટલરે પોતાના મોંમાં પિસ્તોલ રાખીને જાતે જ ટ્રિગર દબાવ્યું હતું.”
પત્રકાર જીન-ક્રિસ્ટોફ બ્રિસાર્ડ અને લાને પર્શિનાને રશિયન ફેડરેશનની સરકારી આર્કાઈવની આંશિક તથા અંકુશિત મુલાકાતની તેમજ આ કેસ સંબંધી લશ્કરની તથા પોલીસની ગુપ્ત ફાઇલો પર નજર કરવાની પરવાનગી વ્લાદિમિર પુતિન સરકારે 2016માં આપી હતી.
આ પત્રકારોએ જણાવ્યું હતું કે, “હિટલરના દાંતમાં ફસાયેલો કાચનો એક ટુકડો જોવા મળ્યો હતો, જે સૂચવે છે કે હિટલરે સાઈનાઈડ પીધું હશે. હિટલરે ખુદને ગોળી મારીને આપઘાત કર્યો હોવા બાબતે તેમણે શંકા વ્યક્ત કરી હતી.”
‘ટાઇમ્સ ઑફ ઈઝરાયલ’ અખબારને 2018માં આપેલી મુલાકાતમાં લાને પર્શિનાએ જણાવ્યું હતું કે, “હિટલર તેમના જીવનના છેલ્લા દિવસોમાં પાર્કિન્સન્સ ડિસીઝથી પીડાતો હતો. તેથી એ પરિસ્થિતિમાં તેમણે પોતાના જમણા હાથમાં પિસ્તોલ રાખીને ખુદને ગોળી કઈ રીતે મારી હશે તે સવાલ છે.”
બ્રિસાર્ડે ભારપૂર્વક જણાવ્યું હતું કે કે તેમને હિટલરના મોંમાં બંદુકની ગોળીનું કોઈ નિશાન મળ્યું ન હતું. અલબત, ‘હિટલરે ઝેર પીધા પછી તેમના હેઈન્ઝ લિન્જ જેવા કોઈ વિશ્વાસુ મદદનીશને ગૌરવભર્યું મોત આપવાનું કહ્યું હોય તે શક્ય છે.’
બીજી કથા એવું સૂચવે છે કે, હિટલરે ઝેરી પીને આત્મહત્યા કરી હતી અને પછી પોતાના લમણામાં ગોળી મારી હતી.
બ્રિસાર્ડ અને પર્શિના માને છે કે, પુતિન હિટલરના મોતની કથાનો ઉપયોગ પોતાના હેતુ સિદ્ધ કરવાના રાજકીય સાધન તરીકે કરી રહ્યા છે. સ્ટાલિન પણ એવું એકવાર કર્યું હતું.
નિષ્ણાતો એ વાત સાથે સહમત છે કે, સોવિયેટ દળોએ શોધી કાઢેલો મૃતદેહ હિટલરનો હતો અને હેમબર્ગ રેડિયો તથા ઍડમિરલ ડોનિત્ઝે 1945ની પહેલી મેએ આપેલી બન્ને માહિતી ખોટી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હિટલર એ દિવસે લડાઈમાં માર્યો ગયો નહોતો.
તે આગળ ધપતી સૈન્ય ટુકડીનું નેતૃત્વ કરતો નહોતો, પરંતુ પોતાના હાલ બેનિટો મુસોલિની જેવા ન થાય એટલા માટે પારોઠના પગલાં ભરતો હતો. મુસોલિનીને તેમની વાત અદાલતમાં રજૂ કરવાની તક આપવામાં આવી ન હતી અને ફાંસીની સજાના બે દિવસ પહેલાં જ તેમને તેની જાણ કરવામાં આવી હતી.
જે માણસે એક સહસ્રાબ્દી સુધી ટકી રહે તેવું સામ્રાજ્ય સર્જવાનું વચન આપ્યું હતું, તે 12 વર્ષ સુધી સત્તા પર ટકી રહ્યા પછી વિશ્વને આગ તથા લોહીમાં સપડાવીને, યુરોપને ખંડેરમાં ફેરવીને તેમજ નષ્ટપ્રાય જર્મની છોડીને રણમેદાનમાંથી ભાગી છૂટ્યો હતો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.
Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.
YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.