એક સ્ત્રી તેના સ્ત્રીત્વથી જ ઓળખાય છે – Ankita Mulani

“સ્ત્રી”
          આ શબ્દથી આપણે સૌ પરિચિત છીએ, ઘણીવાર સમજીએ છીએ તો ઘણીવાર સમજવા માંગતા નથી. એ બાપને આંગણે હોય કે પછી સસરાને આંગણે હંમેશા લક્ષ્મી બનીને જ રહે છે, ક્યારેક પોતે સર્વગુણસંપન્ન હોવા છતાંયે ધૂતત્કાર પાત્ર બને છે તો વળી ક્યારેક કોઈ પરિવારમાં તે ખૂબ જ સન્માનીય થઈ રહે છે.
        આખરે એક સ્ત્રીની ઓળખ શાનાથી થાય છે? તેનો જવાબ છે તેનું સ્ત્રીત્વ.
        સ્ત્રી નાની બાળકીના સ્વરૂપે હશે તો સૌને પોતાની કાલીઘેલી ભાષાથી પ્રિય બનીને તેના સ્ત્રીત્વની ઝાંખી કરાવશે, એજ સ્ત્રી દીકરી સ્વરૂપે માં બાપનો ગર્વ બની તેનું સ્ત્રીત્વ દેખાડશે, એ જ સ્ત્રી પત્ની બનશે તો પતિનો સથવારો બનીને જીવનપર્યંત વફાદારી નિભાવી તેના સ્ત્રીત્વ ની રક્ષા કરશે, એ જ સ્ત્રી માતા બનશે તો તેના બાળકને દુનિયાનું એકસામટુ વ્હાલ કરી તેનું સ્ત્રીત્વ દીપાવશે, અને એ જ સ્ત્રી વહુ સ્વરૂપે સાસુ સસરાની જીવનભર સેવા કરી તેના સ્ત્રીત્વ ને સેવાભાવથી નિખારશે.
         સ્ત્રી દુનિયામાં અલગ અલગ વ્યક્તિઓ સાથે અલગ અલગ સંબંધોમાં બંધાય છે, અને દરેક સંબંધોને માત્ર નિભાવતી જ નથી એ સંબંધોને જીવે છે. ભગવાન પછી એક સ્ત્રી જ છે કે જેને આપણા સમજે સર્જનહારનો દરજ્જો આપ્યો છે, જ્યારે પોતાના દ્વારા એક બીજા જીવની ઉત્પત્તિ કરે છે, નવ મહિના બાળકને પોતાના ગર્ભમાં સાચવે છે ત્યારે ખરેખર તે સન્માનને પાત્ર છે, ત્યારે ગમે તેવા કઠણ હૃદય ની સ્ત્રી હોય પરંતુ તે લાગણીઓની અનુભૂતિ કરે છે.
         સ્ત્રી આજે કયું ક્ષેત્ર એવું છે કે જ્યાં પોતે નથી પહોંચી? અને એ દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન મેળવી શકી છે એનું કારણ છે તેના પરિવારનો સંપૂર્ણ સહકાર, ઘણીવાર અમુક સ્ત્રીઓમાં ઘણી આવડત હોય છે પરંતુ પોતાના મા-બાપના, પતિના કે પછી પરિવારના સહકાર વિના તે આગળ નથી વધી શકતી, આપણે શા માટે એની આવડત સામે અવરોધક પરિબળ બનીએ છીએ? કારણ છે, આપણને એની આવડતથી ગર્વ નથી તેટલી બીક છે. દરેક સ્ત્રી ને પોતાના પરિવારની એક થપકી ની જરૂર છે, સ્ત્રીના સ્ત્રીત્વને તમે સોનાના પિંજરામાં કેદ કરશો, પરંતુ તેનું દિલ ઉડવા ઈચ્છે છે કે નહીં એ જાણ્યું છે કદી?
       એક સ્ત્રી કદાચ તનથી પોતાની મરજી વિરુદ્ધ દુનિયા સામે સમર્પિત થઈ જશે કોઈ મજબૂરીવશ, પરંતુ કોઈ સ્ત્રી ને પામવી હોયને તો તેનું મન જીતજો તન નહીં, કારણ કે એક સ્ત્રી મનથી જ કોઈને સર્વસ્વ સમર્પિત થઈ શકે છે.

 

         એક સ્ત્રી પાસે ખરેખર આપણે કેટલી બધી આશા રાખીએ છીએ વિચાર્યું છે કદી? એક પુરુષ તરીકે સવારે પ્રેમથી જગાડશે ત્યાંથી લઈને રાતે બાહુપાશમાં લઈને સુવડાવશે ત્યાં સુધીની આશાઓ રાખીએ છીએ, સવારે ક્યારેક તેના લીધે આપણે મોડું થઈ જાય તો બિચારીને કેટલું સંભળાવીને જઈએ છીએ, ટીફીનમાં ક્યારેક કોઈ કચાશ રહી જાય તો પણ તરત જ તેને તેની ભૂલ કહીએ છીએ, ક્યારેય વિચાર્યું છે કે એક સ્ત્રી એકસાથે કેટલાયે કામનું સંચાલન કરે છે? બાળકોની માત્ર ફી ભરીયે છીએ, ખરેખર તો એક સ્ત્રી બાળક સાથે બાળક બનીને તે બાળકને ખૂબ જ સમજુ અને બુદ્ધિશાળી બનાવે છે,  આપણા શાસ્ત્રો કહે છે કે એક બાળક સૌથી વધુ તેના માતાપિતા પાસેથી શીખે છે, એમાયે ૮૦% થી વધુ માત્ર તેની માતા પાસેથી શીખે છે, બાળકને જન્મ આપવો તેની ફરજ છે, અને ગર્ભમાં ઉત્તમ સંસ્કારોનો ખજાનો આપીને એક સ્ત્રી તેની ફરજ ખૂબ જ નિષ્ઠાથી નિભાવે છે, જ્યારે એ ગર્ભાવસ્થા ના સમયમાંથી પસાર થઈ રહી હોય ત્યારે એક પતિ કે પરિવાર તરીકે આપણી ફરજ બને છે તેનું દિલના દુભાવિયે, તેને સાંત્વના આપીએ, તેની સામે હકારાત્મક વાતો કરીએ વગેરે, પરંતું આપણને તે આરામ કરે છે, કોઈ કામ નથી કરતી વગેરે જેવી નકારાત્મકતા જ દેખાય છે, એનામાં પણ જીવ છે, તમે માત્ર 2 કિલોનો પથ્થર પેટ સાથે બાંધીને રોજબરોજમાં કામો માત્ર ચોવીસ કલાક માટે કરજો, ચેલેન્જથી કહું છું કે થાકી જશો, તો સ્ત્રીના સમર્પણ ભાવની થોડી તો કદર કરો, ક્યાંય એવો નિયમ નથી કે બાળકના જન્મ બાદ તેના પિતાનું જ નામ તેની પાછળ લખાય, તે છતાંયે સ્ત્રી બાળકને અસહ્ય પીડા વેઠીને જન્મ આપીને પણ હસતા હસતા પિતાનું નામ આપશે એના આ સમર્પણને કેમ ભૂલી જઈએ છીયે?
          એક સ્ત્રી તેના સ્ત્રીત્વથી જ ઓળખાય છે, અને તેનું સ્ત્રીત્વ એટલે તેનામાં રહેલું આપણા પ્રત્યેનું સમર્પણ…..A+
Ankita Mulani
Rich Thinker
Surat.