મિસ્રના ઉતર દકાહલિયા પ્રંતમાં શનિવારના રોજ એક દુર્ઘટના થઇ છે. જેમાં એક મિની બસ એક નહેરમાં પડી ગઇ હતી. આ ઘટનામાં 22 લોકોના મોત થયા હતા. જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. મિસ્રના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું હતું કે, મિનીબસ આગા શહેરમાં અલ તૌફિકી નહેરમાં એક હાઇવે સાથે અથડાઇ હતી. આ અકસ્માતને પગલે 18 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને નજીકની બે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં સ્થાનિક લોકો કેનાલની અંદરથી મૃતદેહોને બહાર કાઢતા જોઈ શકાય છે. સ્થાનિક રહેવાસીઓએ પોલીસ ટીમને બચાવ કામગીરીમાં મદદ કરી છે. ધ નેશનલ ન્યૂઝ મુજબ બસમાં વિદ્યાર્થીઓના સમૂહ સહિત કુલ 46 મુસાફરો હતા.
ઘાયલોમાં છ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થયા બાદ સ્થાનિક મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 100,000 ઇજિપ્તીયન પાઉન્ડ આપવામાં આવશે, જ્યારે અન્ય પીડિતોના પરિવારોને 25,000 પાઉન્ડ આપવામાં આવશે. ઘાયલોને 5,000 પાઉન્ડ મળશે. આ સાથે મંત્રાલયે જણાવ્યું હતું કે, પીડિતો અને ઘાયલોના પરિવારોને સરકારના તકફુલ વા કરમા કલ્યાણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે, જેમાં લોકોને આર્થિક સહાય અને નોકરી આપવામાં આવે છે.
ઇજિપ્તમાં માર્ગ અકસ્માતો સામાન્ય બની ગયા છે. કારણ કે, દર વર્ષે ઇજિપ્તમાં હજારો લોકો અકસ્માતોમાં માર્યા જાય છે. ધ નેશનલ ન્યૂઝ અનુસાર, 103 મિલિયન લોકોના દેશ ઇજિપ્તમાં પરિવહન સલામતીનો નબળો રેકોર્ડ છે, જેનું મુખ્ય કારણ સ્પીડિંગ, ખરાબ રસ્તાઓ અને ટ્રાફિક કાયદાના નબળા અમલીકરણને કારણે છે.
ગત મહિને ઇજિપ્તના નાઇલ ડેલ્ટામાં એક મિનીબસ અને લારી વચ્ચે અથડાતાં 10 લોકો માર્યા ગયા હતા અને 9 ઘાયલ થયા હતા. જેમાં મૃતકોમાં આખો પરિવાર અને ત્રણ બહેનોનો સમાવેશ થાય છે.